તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
ભૂગર્ભ ગટરના કામદારોએ સેફટીના સાધનોનો ઉપયોગ કેમ કરવો ?
સાધનોના વપરાશ તથા સલામતી અંગેની તાલીમ માટેનો વર્કશોપ યોજાયો

રાજકોટ, તા. ૧૭ : બેડીનાકા ડ્રેનેજ ઓફીસ ખાતે Shree Venkatesh Safety Mfg. Co. Surat દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો/વ્યક્તિઓની કામગીરી દરમ્યાન સેફ્ટીના સાધનોના વપરાશ અંગે જેમ કે, PPE કીટ્સનો ઉપયોગ, સલામતી સાધનો અને મશીનોના ઉપયોગ અને મહત્વ (૨) ગટરો અને સેપ્ટિક ટેન્કની સફાઈ પહેલાં, દરમ્યાન અને પછી લેવાતા સાવચેતી અંગે તાલીમ આપી ગટર અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈ અટકાવવા માટે અર્ધદિવસીય ટ્રેનીંગનું આયોજન કરેલ હતું. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈની કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શકય અકસ્માતો નીવારી શકાય છે. આ તાલીમમાં અંદાજિત ૧૦૦ જેટલા સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ સેફ્ટીના સાધનો બનાવતી કંપનીના ટેકનીકલ એન્જીનીયર તેમજ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતી. આ ટ્રેનીંગમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના ના.કા.ઈ. પી.એમ કાસુન્દ્રા, મદદનીશ ઇજનેર રાજેશ રાઠોડ, ગૌરવ પુરબિયા, વર્કઆસીસ્ટન્ટ રવી સોલંકી, નવધણ જે. પ્રજાપતી સહીતનો સ્ટાફ હાજર રહેલ તેમજ તમામ વોર્ડના ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ એન્જીનીયર/અધિક મદદનીશ એન્જીનીયર, વર્કઆસીસ્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર તથા આ કામગીરી સાથે સંકળાયેલ એજન્સીઓના પ્રતિનિધીઓ (કોન્ટ્રાક્ટર)ને સેફ્ટીના સાધનોના વપરાશ તથા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી અંગેની યોગ્ય SOP અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ. આ સમગ્ર વર્કશોપનું આયોજન ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના સીટી એન્જીનીયર કે.પી.દેથારીયાના માર્ગદર્શન હેઠળ થયેલ હતું.
(3:25 PM IST)










