તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
બાર એસો. દ્વારા આયોજીત નેશનલ લીગલ સેમિનારનો પારદર્શક હિસાબ જાહેર કરાયોઃ અપપ્રચાર કરનારને બારનો જવાબ
બી.સી.આઈ. અને બી.સી.જી. દ્વારા મંજુર થયેલ અનુદાન મળવાનું હજુ બાકી છેઃ બાર એસો.

રાજકોટ, તા.૧૬: રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગત તા.૮ અને ૯ નવેમ્બર ૨૦૨૫ ના બે દિવસીય નેશનલ લીગલ સેમિનારમાં કુલ ૧૦ વિષય/ટોપીક ઉપર સમગ્ર રાજકોટ જીલ્લાના વકીલો માટે જ્ઞાનસેતુ પરમાર્થના કાર્યમાં બહોળી સંખ્યામાં વકીલશ્રીઓએ લાભ લીધેલ જે અમુક અસંતુષ્ટો ને નહિ પચતા, હવનમાં હાડકા નાખવા સ્વરૂપે સોશિયલ મીડિયા મારફત સફળ સેમિનારને વખોડવા થયેલ પ્રયત્ન સામે રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટ બારના તમામ સભ્યોને પારદર્શી વહીવટ ચકાસવા હિસાબ ખુલ્લો મુકેલ હોવાનું બાર એસો.ના સુત્રોએ જણાવેલ છે.
રાજકોટ મધ્યે સ્વામીનારાયણ મંદિર ખાતે ૩૦૦૦ થી વધુની જાજરમાન બેઠક વ્યવસ્થા ધરાવતા ઓડીટોરીયમ ભાડે રાખી સમગ્ર રાજકોટ તથા રાજકોટ જીલ્લાના વકીલશ્રીઓ ને તજજ્ઞો મારફત જ્ઞાનની સરવાણી કેળવવા તથા વકીલોના આદર સન્માન જળવાઈ તે રીતની વ્યવસ્થા અનુરૂપ સ્વામીનારાયણ મંદિરના ભોજનાલયમાં બંને દિવસ નાસ્તો, જમણવાર તથા હાઈ-ટી ની વ્યવસ્થા રાખેલ તે હકીકતથી તમામ સેમિનારમાં હાજર વકીલશ્રીઓ માહિતગાર છે.
સેમિનારમાં ભાગ લેનાર એડવોકેટશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનોને સેમિનાર કીટ જેમાં એક પેડ, રાઈટીંગ પેડ, પેન, થેલી, તથા વ્યવસ્થા અર્થે આઈ કાર્ડ વિગેરે રજીસ્ટ્રેશન સમયે આપેલ તેમજ સેમિનાર પૂર્ણ થયે અનુદાન સ્વરૂપે મળેલ લેધર બેગ તેમજ શ્રી મેજર એક્ટ આપવામાં આવેલ. બી.સી.આઈ. બી.સી.જી.નું અનુદાન હજુ મળેલ નથી.
સમગ્ર સેમિનાર દરમિયાન રાજકોટ બાર એસોસીએશન દ્વાશ સેમિનારમાં ભાગ લેનાર વકીલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોની ગરિમાપૂર્ણ વ્યવસ્થા તેમજ મંદિરના ઓડીટોરીયમ, નાસ્તો-ભોજન, મંડપ સર્વિસ, ફોટોગ્રાફી તથા વિડીયો શુટિંગ,લાઈવ સ્ટ્રીમીંગ, મોમેન્ટો-ગીફ્ટ, સ્ટેશનરી તથા પ્રિન્ટીંગ, બેનર,સુશોભન વિગેરે તથા સ્પીકરને હોટેલમાં રહેણાંકના ખર્ચાઓ થયેલ, જે તમામ ખર્ચામાં થી મહતમ ખર્ચ બેંક મારફત અને રોકડ ખર્ચ વાઉચર મારફત થયેલ જે કુલ ખર્ચ રૂ.૨૦,૪૭,૭૧૮/ થયેલ જેની સામે રજીસ્ટ્રેશન ફ્રી તથા સ્વૈચ્છિક ડોનેશન પેટે મળેલી રકમ રૂ.૨૨,૨૫,૦૦૦/ ની આવક થયેલ છે જેથી ખર્ચ બાદ કરતા વધેલ રકમ રૂ. ૧,૭૭,૨૮૨/ રાજકોટ બાર એસોસીએશનના બેંક ખાતામાં જમાં સિલક છે. જે રાજકોટ બારની પુંજી તરીકે રહેલ છે.
ઉપરોક્ત તમામ હિસાબ અન્વયે આવક જાવક નું સરવૈયું તથા બેંક સ્ટેટમેન્ટ રાજકોટ બારની કાર્યાલયમાં ઉપલબ્ધ હોય સેમિનારમાં સહભાગી થનાર તથા રાજકોટ બારના તમામ સભ્યો નેશનલ લીગલ સેમિનારના હિસાબથી વિદિત થાય તે શુભ હેતુથી રાજકોટ બાર એસોસીએશનની યાદી જાહેર કરેલ છે.
(4:06 PM IST)










