<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

રાજકોટમાં રમાયેલી ૭૫મી ઓલ ઇન્‍ડિયા પોલીસ હોકી ચેમ્‍પીયનશીપમાં પંજાબની ટીમનો વિજય

મહિલા કેટેગરીમાં એસ.એસ.બી. ટીમ વિજેતાઃ સમાપન સમારોહમાં ડીજીપી વિકાસ સહાયએ કહ્યું-પોલીસ વિભાગના ઉત્‍કૃષ્‍ટ ખેલાડીઓએ રાષ્‍ટ્રીય ખેલ હોકીનું ગોૈરવ વધાર્યુ

રાજકોટઃ શહેર ખાતે આયોજિત ૭૪ મી ઓલ ઇન્‍ડિયા હોકી ચેમ્‍પિયનશિપ ૨૦૨૫-૨૬ના ફાઈનલ મેચ બાદ ભવ્‍ય સમાપન સમારોહ ગઇકાલે યોજાયો હતો. ચેમ્‍પિયનશિપ ફાઇનલમાં પુરૂષ કેટેગરીમાં પંજાબ ટીમ-મહિલા કેટેગરીમાં એસ.એસ.બી. ટીમ વિજેતા અને પુરૂષોમાં આઈ.ટી.બી.પી. તેમજ મહિલાઓમાં સી.આર.પી.એફ. ટીમ રનર્સ અપ રહી હતી.આ તકે ડીજીપી વિકાસ સહાયએ ટુર્નામેન્‍ટના સમગ્ર આયોજન બદલ ગુજરાત પોલીસ, રાજ્‍યના રમત ગમત વિભાગ અને રાજકોટની આયોજક ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, દેશમાં હોકીની ગૌરવશાળી પરંપરા રહી છે. પોલીસ વિભાગમાંથી ઓલિમ્‍પિક સહિત અન્‍ય આંતરરાષ્‍ટ્રીય કક્ષાની ટુર્નામેન્‍ટમાં સહભાગી બનેલા અર્જુન એવોર્ડ સહિત વિજેતા ખેલાડીઓએ રાષ્‍ટ્રીય ખેલ હોકીનું ગૌરવ વધાર્યું છે. તેઓએ સહર્ષ જણાવ્‍યું હતું કે રાજકોટ ખાતે આયોજિત ચેમ્‍પિયનશિપમાં તમામ ખેલાડીઓની ઉચ્‍ચ કક્ષાની ખેલદિલીની ભાવનાને લીધે રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધા ખેલદિલીસભર વાતાવરણમાં  સંપન્ન થઈ શકી છે.

હોકી ચેમ્‍પિયનશિપમાં પુરૂષમાં વિજેતા ટીમ પંજાબ તેમજ મહિલાઓમાં વિજેતા ટીમ એસ.એસ.બી. ખેલાડીઓનું ટ્રોફી તેમજ મેડલ્‍સ પહેરાવી સન્‍માન કરાયું હતું. ચેમ્‍પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓ, બેસ્‍ટ ગોલકીપર, બેસ્‍ટ સ્‍ટ્રાયકર, બેસ્‍ટ ડીફેન્‍ડર સહિત વિવિધ ખેલાડીઓનું સન્‍માન કરાયું હતું. ભારતીય ટીમમાં અર્જુન એવોર્ડ પુરસ્‍કળત ઓલિમ્‍પિયન ખેલાડીઓ પંજાબનાશ્રી ધર્મવીરસિંહજી, આકાશદીપસિંહજી, સમશેરસિંગનુ વિશેષ સન્‍માન કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે અધિક પોલીસ કમિશનર  મહેન્‍દ્ર બગડીયાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. તેમણે તમામ ઉચ્‍ચ અધિકારીશ્રીઓ તેમજ ખેલાડીઓને આવકારતા જણાવ્‍યું હતું કે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના સફળ આયોજનથી રાજકોટ ખાતે ટુર્નામેન્‍ટમાં ૧૧ દિવસ દરમિયાન ૧૯ રાજ્‍યો અને પાંચ કેન્‍દ્રીય સુરક્ષા દળોના લગભગ ૬૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ૩૨ ટીમો વચ્‍ચે અલગ અલગ ૫૪ જેટલી મેચો રમાઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ રાજકોટ ખાતે આયોજિત ટુર્નામેન્‍ટના સફળતાપૂર્વક આયોજનમાં તમામ સહયોગી સંસ્‍થાઓનો આભાર માન્‍યો હતો.આતકે ડી.જી.પી. ક્રાઈમ ડો. કે. એલ. એન. રાવ, ગુજરાત સ્‍ટેટ આઇ.બી.ના વડા  રાજીવ આહિરે, રેન્‍જ આઇ.જી. અશોકકુમાર યાદવ, એડિશનલ ડી.જી.પી. પી. કે. રોશન, ડી.જી.પી. (આર્મસ યુનિટ)  રાજુ ભાર્ગવ, જેલ સુપ્રિટેન્‍ડેન્‍ટ વર્નીશા જોશી, શ્રીમતી બબીતા ઝા, તમામ ડીસીપી, એસીપી સહીત તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્‍ય અતિથિ  ડાયરેક્‍ટર જનરલ ઓફ પોલીસ  વિકાસ સહાય, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની ઉપસ્‍થિતિમાં આયોજિત આ સમાપન સમારોહમાં વિજેતા ટીમો તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું શિલ્‍ડ, મેડલ્‍સ તેમજ મોમેન્‍ટો આપીને સન્‍માન કરાયું હતું. 

(3:04 PM IST)