News of Friday, 12th December 2025
રાજકોટમાં એસઓજીનો સપાટો: પાન-ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ
ઈ-સિગારેટ અને ગોગો પેપર્સના વેંચાણ અંગે તપાસ: પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમોની કાર્યવાહી:કાલાવડ રોડ, કિશનપરા, રૈયા રોડ, કુવાડવા રોડ અને જંગલેશ્વર વિસ્તારના પાન-ગલ્લાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાની સૂચના અનુસાર શહેર એસઓજીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સપાટો બોલાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ પાન-ગલ્લાઓ પર યુવાનો દ્વારા ઈ-સિગારેટ અને ખાસ કરીને ગાંજા જેવા નશાકારક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતા 'ગોગો પેપર્સ'નું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ ની ટીમે આ કામગીરી કરી હતી. આ ચેકિંગમાં મુખ્યત્વે કાલાવડ રોડ, કિશનપરા, રૈયા રોડ, કુવાડવા રોડ અને જંગલેશ્વર વિસ્તારના પાન-ગલ્લાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ યુવા પેઢીને નશાના માર્ગે ધકેલતા ગેરકાયદેસર વેચાણ પર નિયંત્રણ લાવવાનો હતો.
પોલીસના આ સઘન ચેકિંગ દરમિયાન ગલ્લાઓ પરથી ગોગો પેપર્સ અને ઈ-સિગારેટના જથ્થાની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નશાના દૂષણને રોકવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
(7:58 PM IST)










