તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
રાજકોટના મહિલા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ સાથે ૨.૬૮ કરોડની છેતરપિંડીની શ્રીજી પાર્કના મિત્તલબેન સુરજીવાળાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધાયો: કુલ ૫૫ ઉમેદવારોના સ્લોવાકિયા યુરોપ દેશના વર્ક પરમિટ વિઝા ન કરી આપ્યા
આર્મફલાય પ્રા.લી.ના ડાયરેક્ટરો મોહમ્મદ ઉવૈશ, અબ્દુલ લતીફ નૈનથરામ વીટલ, શહાનાબાનુ નૈનથરામ વીટલ, ઇમુલ હશના સહિતે ઠગાઈ કરી: આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા તપાસ

રાજકોટ: શહેરના એક મહિલા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ સાથે વર્ક પરમીટ વિઝાના નામે અધધધ બે કરોડ અડસઠ લાખની છેતરપીંડી થતાં ચકચાર જાગી છે. આ બારામાં આર્મફલાય પ્રા.લી.કંપનીના ડાયરેક્ટરો અને સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ સ્લોવાકિયા યુરોપના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી કર્યાનો આરોપ પોલીસ ફરિયાદમાં મુકાયો છે.
યુનિવર્સિટી પોલીસે આ અંગે મીતલ વિનયકુમાર સુરજીવાળા (ઉ.વ. ૩૮, ધંધો: વેપાર, રહે. શ્રીજી પાર્ક-૧, રાજકોટ)ની ફરિયાદ આધારે મોહમ્મદ ઉર્વસ કર્ણાટક, જી. બેંગલુરૂ, બેંગલુરૂ .(2) અબ્દુલ લતીફ નૈનથારમ વીટલ કેરલા, જી. તિરુવન્તપુરમ, કેરલા (3) સહાનાબાનુ નૈનથારમ વીટલ કેરલા, જી. તિરૂવન્તપુરમ, કેરલા (4) ઇમુલ સહાના કેરલા, જી. તિરૂવન્તપુરમ, કેરલા.અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો છે.
ફરીયાદી મિત્તલબેન રાજકોટમાં કે.એમ. ઇમીગ્રેશન કન્સલટ નામે ઓફિસ ધરાવી સ્ટુડન્ટ, વિઝિટર, અને વર્ક વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે, તેમણે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મીતલબહેન દ્વારા જાન્યુઆરી/૨૦૨૪ થી વર્ક પરમિટની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેઓ સરકારમાન્ય લાયસન્સ ધરાવતી કંપનીઓના રેફરન્સ દ્વારા ગ્રાહકોને વિઝા અપાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન, તેમનો સંપર્ક આર્મફલાય પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર મોહમ્મદ ઉવૈશ સાથે થયો હતો, જેઓ વિવિધ રાજ્યોમાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા અને અગાઉ પણ તેમણે ફરિયાદીને કામ અપાવેલું હોવાથી વિશ્વાસનું વાતાવરણ હતું.
ફરિયાદ મુજબ, તા. ૨૭/૦૪/૨૦૨૪ ના રોજ આર્મફલાય પ્રા.લી. ના એચ.આર. મેનેજર આયશાએ ઈ-મેઇલ દ્વારા સ્લોવાકિયા (યુરોપ)માં વેરહાઉસના કામ માટે ૧૦૦ ઉમેદવારોની જરૂરિયાત જણાવી હતી, જેમાં પ્રતિ ઉમેદવાર ૪,૨૦,૦૦૦ ફી અને ત્રણ મહિનામાં વિઝા અપાવી દેવાની વાત કરી હતી. આ વિશ્વાસના આધારે, મીતલબહેને તા. ૦૧/૦૫/૨૦૨૪ થી તા. ૨૭/૦૬/૨૦૨૪ દરમિયાન પોતાના કુલ ૬૦ ગ્રાહકોને સ્લોવાકિયા મોકલવાનું કામ આર્મફલાય પ્રા.લી. ને સોંપ્યું હતું. આ સમયગાળામાં, મોહમ્મદ ઉવૈશના કહેવા મુજબ, ફરિયાદીએ તેમના ગ્રાહકો પાસેથી બેંક મારફતે અને રોકડમાં મેળવેલી કુલ ૧૯,૦૦,૦૦૦ની રકમ ટ્રાન્સફર કરી હતી. ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાદ ઓફર લેટરના પેટે વધુ ૫૯,૦૦,૦૦૦/- તા. ૦૨/૦૬/૨૦૨૪થી તા. ૨૪/૦૭/૨૦૨૪ દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત, મોહમ્મદ ઉવૈશ ફરિયાદીની ઓફિસે આવીને તા. ૨૦/૦૭/૨૦૨૪ ના રોજ રોકડા ૬૦,૦૦,૦૦૦ પણ લઈ ગયા હતા. બાદમાં, વર્ક કોન્ટ્રાક્ટ લેટર આપ્યા પછી તા. ૧૧/૦૮/૨૦૨૪થી તા. ૧૩/૦૯/૨૦૨૪ દરમિયાન વધુ ૮૪,૦૦,૦૦૦ બેંક મારફતે તેમજ તા. ૧૪/૦૯/૨૦૨૪ ના રોજ રોકડા ૨૫,૦૦,૦૦૦ સહિત કુલ ૨,૪૭,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ આર્મફલાય પ્રા.લીના વિવિધ બેંક ખાતાઓમાં તેમજ તેની અન્ય પેઢી અરામીન ફૂડ્સ પ્રા.લી.અને ડાયરેક્ટરો શહાનાબાનુ, મોહમ્મદ ઉવૈશ, અને ઇમુલા હસનાના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
જોકે, નિર્ધારિત સમય પછી પણ વિઝા સબમિશનની તારીખ ન મળતા, ફરિયાદીએ કામ રદ કરવા ઈ-મેઇલ કર્યો હતો. ત્યારે આરોપીઓએ વિઝા સબમિશનની તારીખ મેળવવા માટે પ્રતિ ઉમેદવાર વધુ ૧,૩૦,૦૦૦ની માંગણી કરી, જેના પગલે ફરિયાદીએ તા. ૨૧/૦૨/૨૦૨૫થી તા. ૦૬/૦૩/૨૦૨૫ સુધીમાં વધુ ૧૮,૦૦,૦૦૦ મોકલાવ્યા હતા અને તા. ૧૧/૦૩/૨૦૨૫ના રોજ બેંગ્લોર ખાતેની ઓફિસે રૂબરૂમાં વધુ ૩,૦૦,૦૦૦ પણ આપ્યા હતા. આમ, બેંક મારફતે કુલ ૧,૮૦,૦૦,૦૦૦ રોકડા ૮૮,૦૦,૦૦૦ અને અન્ય ખર્ચ ૨૮,૪૮૦/- મળી કુલ રૂપિયા ૨,૬૮,૨૮,૪૮૦ જેટલી માતબર રકમ ચૂકવાઈ હતી.
તમામ રકમ ચૂકવવા છતાં, તા. ૦૨/૦૬/૨૦૨૫ના રોજ આર્મફલાય પ્રા.લી. દ્વારા વિઝા સબમિશન કરાવી આપવામાં આવ્યું નહોતું અને સ્લોવાકિયાના તમામ વર્ક પરમિટ (વિઝા) કેન્સલ થવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ લિથુઆનિયા દેશમાં ૪૫ દિવસમાં ટીઆરસી કાર્ડ અથવા ૬૦ દિવસમાં રકમ પરત આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ તે સમયમર્યાદા પણ પૂર્ણ થતા, તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ રશિયાના વર્ક પરમિટ વિઝા એક અઠવાડિયામાં કરી આપવાની વાત કરી, જેમાં ૯ ઉમેદવારો તૈયાર થયા હતા. જોકે, રશિયાના વિઝા મળી ગયા હોવા છતાં ત્યાં જવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી ન હતી અને વિઝાની છેલ્લી તારીખ પણ ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. વધુમાં, કંપનીએ ફરિયાદીની જાણ બહાર ઉમેદવારોનો સંપર્ક કરીને એર ટિકિટ આપવાના બહાને દિલ્હી બોલાવીને ખોટો વધારાનો ખર્ચ પણ કરાવ્યો હતો. આખરે, કુલ ૫૫ ઉમેદવારોના સ્લોવાકિયા (યુરોપ) દેશના વર્ક પરમિટ વિઝા ન કરી આપીને, આર્મફલાય પ્રા.લી.ના ડાયરેક્ટરો મોહમ્મદ ઉવૈશ, અબ્દુલ લતીફ નૈનથરામ વીટલ, શહાનાબાનુ નૈનથરામ વીટલ, ઇમુલ હશના સહિતે મળીને ફરિયાદી અને તેમના ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા આગળની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાના આસી સબ ઇન્સ. વીરમભાઈ ધગલે ગુનો દાખલ કરાવતા પીએસઆઇ મકરાણી, મોહસીનખાન મલેક સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.
(7:13 PM IST)










