<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

અઠવાડીયા પહેલા ગંજીવાડામાંથી ગાયબ થયેલી સગીરાએ ઝેર પી જીવ દીધોઃ ૩૩ વર્ષનો પ્રેમી રવિની પણ લાશ મળી

બંને ભાગીને રાણપુર તરફ ગયાનું અને ત્‍યાંથી આજે રાજકોટ આવી રહ્યાની જાણ થતાં પરિવારજનો આજીડેમ ઉભા'તા ત્‍યારે બસ આવતાં રાજલબેન અને રવિ ઉતર્યાઃ રાજલબેન નીચે ઉતરતાં જ ઢળી પડીઃ તેણે ઝેર પીધું હોઇ હોસ્‍પિટલે ખસેડાઇ પણ મોત થઇ ગયું: ત્‍યાંથી રવિ ભાગી ગયોઃ થોડા સમય બાદ રવિ પણ રાજમોતી મીલ પાસેથી બેભાન મળ્‍યો અને મોત થયું: બંનેએ બસમાં કે બોઇપણ સ્‍થળે સાથે ઝેર પી લીધાની શક્‍યતાઃ હોસ્‍પિટલે બંનેના પરિવારજનો વચ્‍ચે મારામારી થઇ

રાજકોટ તા. ૧૦: શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પાડોશમાં રહેતો છુટાછેડા લઇ ચુકેલો ૩૩ વર્ષનો યુવાન ભગાડી ગયો હતો. પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ ચાલુ હતી ત્‍યાં આજે આજીડેમ ચોકડીએ સગીરા બસમાંથી ઉતરી ત્‍યાં જ પડી જતાં બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ ઝેરી દવા પી લીધાનું ખુલ્‍યું હતું. તેને જે યુવાન ભગાડી ગયો હતો તેની તપાસ થઇ રહી હતી ત્‍યાં આ યુવાન પણ બપોરે ભાવનગર રોડ રાજમોતી મીલ પાસેથી બેભાન મળતાં હોસ્‍પિટલમાં ખસેડાતાં તેનું પણ મોત થયું હતું. તેણે ઝેરી દવા પી લીધી કે અન્‍ય કંઇ બન્‍યું? તેની તપાસ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ગંજીવાડા-૧માં રહેતી રાજલબેન સંજયભાઇ કીહલા (ઉ.વ.૧૭) આજીડેમ ચોકડીએ ધંધુકા-જામનગર રૂટની બસમાંથી ઉતરી પછી પડી જતાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરી હતી. તેણીએ ઝરેી દવા પી લીધાનું ખુલ્‍યું હતું. કોઇ સ્‍થળે ઝેર પીધા બાદ બસમાં બેસીને આવી હતી અને પડી ગયઇ હતી. તેણી બે ભાઇ અને ચાર બહેનમાં મોટી હતી. તેના માતા-પિતા કડીયા કામ કરે છે.

પરિવારજનોએ કહ્યું હતું કે સાતેક દિવસ પહેલા રાજબલેન ગૂમ થઇ ગઇ હતી. તપાસ કરતાં તેણીને ગંજીવાડા-૧માં રહેતો રવિ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૩) ભગાડી ગયાની પરિવારને વ્‍ગિતો મળતાં બંનેને શોધખોળ ચાલુ હતી. દરમિયાન રવિના સગાને આજે માહિતી મળી હતી કે રવિ આ સગીરાને ભગાડીને રાણપુર તરફ ગયો છે. ત્‍યાંથી આજે બંને બસ મારફત રાજકોટ આવવાના છે અને આજીડેમ ચોકડીએ ઉતરવાના છે.

આથી રાજલબેનના પરિવારજનો આજીડેમ ચોકડીએ બસની રાહ જોઇને ઉભા હતાં. આ દરમિયાન બસ આવતાં તેમાંથી રાજલબેન ઉતરી તો હતી પરંતુ તેણીએ રસ્‍તામાં કોઇપણ સ્‍થળે ઝેરી દવા પી લીધી હોઇ તે બસમાંથ. ઉતરતાની સાથે જ પડી ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી. આ વખતે સાથે રવિ પણ હતો, તે ભાગી ગયો હતો. બેભાન હાલતમાં રાજલબેનને હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત થયું હતું.

આ પછી રવિની શોધખોળ ચાલુ થઇ હતી અને રવિ પકડાઇ નહિ ત્‍યાં સુધી અમે લાશ નહિ સ્‍વીકારીએ તેવું રાજલબેનના પરિવારે કહ્યું હતું. આ દરમિયાન બપોરે એક વાગ્‍યે રવિ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૩) પણ રાજમોતી મીલ પાસેથી બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. રવિએ આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? તેની તપાસ થઇ રહી છે.

રવિ બે ભાઇમાં મોટો હતો, તેના છુટાછેડા થઇ ગયા હતાં. તેને સંતાનમાં એક દિકરી છે. પોતે કારખાનામાં મજૂરી કરતો હતો. રવિના મૃત્‍યુને પગલે પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે તેના અને રાજલબેનના પરિવારજનો એકઠા થઇ જતાં અહિ આ લોકો વચ્‍ચે માથાકુટ થઇ હતી. જેમાં રાજલબેનના માતા શીતલબેન અને ફઇ ગોૈરીબેન પર રવિના સગાએ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો હતો. આજીડેમ અને થોરાળા પોલીસમાં એન્‍ટ્રી નોંધાવાતા તપાસ શરૂ થઇ છે.

(3:41 PM IST)