<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

પ્રહલાદ પ્‍લોટમાં એકલા રહેતાં વૃધ્‍ધનું મોત બાદ આંખ ઉંદર ખાઇ ગયાનું ખુલ્‍યું

ઘરમાં ઉંદરડાના મોટા દર છેઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ થતાં હાથ-પગમાં પણ ઉંદરના ઉજરડાના નિશાન મળ્‍યાઃ મૃત્‍યુ બિમારીથી થયું હતું

રાજકોટ તા. ૧૦: પ્રહલાદ પ્‍લોટ શેરી નં. ૩૩માં ગોકુલ નિવાસ ખાતે રહેતાં અમૃતલાલ કુરજીલાલ મારૂ (ઉ.વ.૮૮) નામના વૃધ્‍ધની લાશ ગઇકાલે તેમના ઘરમાંથી મળી આવી હતી. આ વખતે તેમની ડાબી આંખ ગાયબ હોઇ મૃતદેહ જોઇ તબિબ પણ ચોંકી ગયા હતાં. આ પછી પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. આંખ કઇ રીતે ગાયબ થઇ? કોઇ કાઢી ગયું કે કેમ? સહિતના સવાલો ઉભા થયા હતાં. પરંતુ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ થતાં આંખ ઉંદરડા કાઢી ગયાનું સ્‍પષ્‍ટ થયું હતું.

એ-ડિવીઝન પોલીસને ઘટનાની જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. ડાબી આંખ ગાયબ હોઇ પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. જેનો રિપોર્ટ આવ્‍યો હતો કે આ વૃધ્‍ધનું મૃત્‍યુ લાશ મળી તેના ૪૮ કલાક પહેલા થયું હોઇ શકે છે. તેમજ તેમની આંખ ઉંદર કોતરી ગયા હોઇ શકે છે. શરીરના અન્‍ય ભાગો પર પણ ઉંદરે વીંખોડીયા ભર્યા હોય તેવા ઉજરડા જોવા મળ્‍યા હતાં.

એ-ડિવીઝનના તપાસનીશ યશપાલસિંહ અને કોન્‍સ. પ્રવિણસિંહના કહેવા મુજબ વૃધ્‍ધ વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતાં. તેમને જમવાનું પણ પડોશી આપતાં હતાં. વૃધ્‍ધના પત્‍નિ અલગ બજરંગવાડીમાં રહે છે અને પોૈત્ર રૈયા ગામમાં રહે છે. વૃધ્‍ધ જે રૂમમાં રહેતાં હતાં ત્‍યાં રૂમમાં ઉંદરના મોટા મોટા ભોણ પણ છે. મૃતકને બીડી પીવાની ટેવ હોઇ જેથી ફેફસા ખરાબ થઇ ગયા હતાં, સારણગાઠ પણ હતી. બિમારીથી મોત થયાનું પણ સ્‍પષ્‍ટ થયું હતું. તેમજ આંખ ઉંદર ખાઇ ગયાનું પણ તારણ નીકળ્‍યું હતું.

(3:31 PM IST)