તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
સંતોષ પાર્ક હોલનું ઉદઘાટન થયાના ૧૫ દિ'એ પણ હોલ શોભાનો ગાંઠિયો
ખાનગી પાર્ટીપ્લોટ કે હોલ ધારકોને કમાવવાનું ષડયંત્ર? શાસકોના પાપે લોકો સુવિધાથી વંચિતઃ એસ્ટેટ શાખાએ આ કોમ્યુનિટી હોલ અને અરવિંદ મણિયાર હોલના ભાડા દરની વિગત ચુંટાયેલ પાંખને મોકલી આપીઃ નિર્ણય કયારેઃ લોકોમાં તરહ-તરહની ચર્ચા સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલનું ભાડુ રૂ.૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધીનું અને અરવિંદ મણીયાર હોલનું ભાડુ રૂ.૨૦૦૦ થી ૧૨૦૦૦ સુધીના દર એસ્ટેટ બ્રાંચે ચુંટાયેલ પાંખને સુચવ્યા છે

રાજકોટ તા.૧૦: શહેરીજનોની જનસુખાકારી માટે મનપા દ્વારા વિવિધ પ્રોજેકટ બનાવવામાં આવે છે પરંતુ આ સુવિધાનો લાભ તંત્રવાહકોના અન્ય કારણોસર લોકોને ઝડપથી મળતો નથી. શહેરના વોર્ડ નં.૧ના સંતોષ પાર્ક મેઇન રોડ પર નવનિર્મીત કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નં.૭માં આધુનિક બનાવવામાં આવેલ અરવિંદ મણિયાર હોલના ઉદઘાટનના આશરે ૧૫ દિવસ થયા બાદ પણ શોભાના ગાંઠીયા સમાન આ બંન્ને હોલ બની રહયા છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેયઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. મધ્યવર્ગીય પરિવારો પોતાના પ્રસંગો ઓછા ખર્ચે ઉજવી શકે તેવુ આયોજન મનપાએ કરેલ છે. બે વર્ષ પહેલા નાણાવટી ચોક પાસે સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર અદ્યતન કોમ્યુનિટી હોલનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. જે હવે પૂર્ણ થઇ જતાં આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે તા.૨૨ નવેમ્બરના કરવામાં આવ્યુ હતું. આથી શહેરીજનોને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વધુ એક આદ્યુનીક કોમ્યુનિટી હોલની ભેટ મળી છે. પરંતુ આજસુધી એટલે કે ઉદઘાટનના ૧૫ દિવસ બાદ પણ આ હોલ લોકોની સુવિધા માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. મનપા તંત્રના સતાવાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ એસ્ટેટ શાખા દ્વારા સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલનું ભાડુ રૂ.૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધીનું અને અરવિંદ મણીયાર હોલનું ભાડુ રૂ.૨૦૦૦ થી ૧૨૦૦૦ સુધીના દર ચુંટાયેલ પાંખને આપવામાં આવ્યા છે. પરંતુ શાસકો શું કામ આ અંગે ઝડપી નિર્ણય લોકોની સુખાકારી માટે લેવામાં આવ્યો નથી. તેવી તરહ-તરહની ચર્ચાઓ થઇ રહી છે.
શહેરના વોર્ડનં.૧માં રૈયારોડ વિસ્તારના સંતોષ પાર્ક મેઇન રોડ પર રૂ. ૧૨. ૮ કરોડના ખર્ચે બે માળનો ૫૧૦૫ ચોરસ મીટરના બાંધકામમાં કોમ્યુનીટી હોલ, ડાઇનીંગ હોલ, કીચન, સ્ટોર તથા રૂમ સહિતની સુવિધા સાથેનો એસી. અને નોન એસી. કોમ્યુનીટી હોલ બનાવામાં આવ્યો છે.
(3:27 PM IST)










