<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍યમાંથી પસાર થતા સ્‍ટેટ હાઇવે નં.૨૬ પહોળો કરવાની મંજુરી રદ કરો

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને વાઇલ્‍ડલાઇફ પ્રોટેકશન કાયદાને ટાંકી પર્યાવરણ પ્રેમી અને વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાએ પાઠવ્‍યો વિસ્‍તૃત પત્ર : વેધક સવાલ.....ગીર આરક્ષિત વિસ્તારની અમૂલ્ય ૨.૫૭ હેક્ટર જમીન સામે બીજાં રેવન્યુ વિસ્તારની ૨.૫૭ હેક્ટર જમીનની અદલા -બદલી કોઈપણ ઍન્ગલથી વ્યાજબી નથીઃ ઍક પ્રાણીસંગ્રહાલય પણ ન થઈ શકે તેટલી નાની જમીન, ઍ પણ અલગ વિસ્તારમાં ‘‘અભ્યારણ્ય’’ તરીકે આપવાથી ઍશિયાઈ સિંહોનું સંરક્ષણ કઈ રીતે થઈ શકશે?

રાજકોટ તા.૧૦: જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર અને પર્યાવરણ પ્રેમી ભૂષણ પંડયાએ ગીરના રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભ્‍યારણ્‍ય માંથી પસાર થતા સ્‍ટેટ હાઇવેને પહોળો કરવાની મંજુરી રદ કરવાની માંગણી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરી છે. તેમણે આ અંગે એક વિસ્‍તૃત પત્ર વાઇલ્‍ડલાઇફ પ્રોટેકશન એકટની કલમોને ટાંકીને પાઠવ્‍યો છે.

શ્રી પંડયાએ પત્રમાં જણાવ્‍યુ છે કે, જુનાગઢ થી સાસણ જતાં સ્‍ટેટ હાઇવે નં. ૨૬ ને ખડીયાથી સાસણ સુધી પહોળો કરવાની કામગીરીને મંજૂરી અપાયેલ છે.

ઉપરોક્‍ત માર્ગ વાણીયાવાવથી સાસણ સુધી આશરે ૭ (સાત) કિલોમીટરમાં ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભયારણ્‍યમાંથી પસાર થાય છે. રસ્‍તો પહોળો કરવાથી અભ્‍યારણ્‍યની જેટલી વધારાની જમીન ઉપયોગમાં લેવાશે, તેટલી એટલે કે આશરે ૨.૫૭ હેક્‍ટર જમીન મેંદરડા તાલુકાનાં ઝીંઝુડા અને ગુંદાળા ગામ નજીક તથા ગુંદાળા થી નતાળીયા રોડ પર તેજા ટીંબી ડુંગર તરીકે ઓળખાતા વિસ્‍તારમાંથી રેવન્‍યુ ની જમીન અભયારણ્‍ય માટે આપવામાં આવશે.

ટૂંકમાં વન વિભાગ હસ્‍તકની આરક્ષિત વિસ્‍તારની જમીન માર્ગ અને મકાન વિભાગને આપવામાં આવશે અને રેવન્‍યુ વિભાગ હસ્‍તકની તેજા ટીંબી ડુંગરની જમીન વન વિભાગ ને આપી, જમીનોની અદલા-બદલી થશે.

સાસણ ગીર જેવાં મહત્‍વનાં સ્‍થળે આવતાં પ્રવાસીઓની સુવિધા માટે રસ્‍તા સુધારવા પડે તે બાબત સ્‍વાભાવિક છે, પરંતુ આરક્ષિત વિસ્‍તારો/અભયારણ્‍યની અંદર આ પ્રકારની કોઈ પણ કામગીરી કરવા માટેનાં પ્રવર્તમાન નિયમો હેઠળ જ મંજૂરી આપી શકાય. જે આ કિસ્‍સામાં લેવાયેલ નથી.

૧. આરક્ષિત વિસ્‍તારોમાં રસ્‍તાને રીપેરીંગ કે રી-સરફેસિંગ કરવાનાં હોય તો પણ સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડલાઈફ ની મંજૂરી જરૂરી છે. આ કિસ્‍સામાં તો રસ્‍તો પહોળો કરવાનો છે, તેમ છતાં સ્‍ટેટ ફોર વાઇલ્‍ડલાઇફની મંજૂરી લેવામાં આવેલ નથી! વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ મુજબ સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડલાઇફ તથાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્‍ડલાઇફની મંજૂરી મેળવવી અનિવાર્ય છે.

રાજ્‍ય અને રાષ્‍ટ્રનાં સર્વોચ્‍ચ સ્‍ટેચ્‍યુટરી (વૈધાનિક) બોર્ડઝ ની મંજૂરી વગર લેવાયેલ નિર્ણય વાઇલ્‍ડલાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ - ૧૯૭૨ નું સ્‍પષ્ટ ઉલ્લંઘન કરે છે, અને તેથી રદ થવા પાત્ર છે.

૨. તાજેતરમાં આ પ્રકારની જ એક પ્રપોઝલ બામણાસા-જામવાળા રોડ ની આવેલ હતી. સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડલાઇફ દ્વારા મંજૂર કર્યા બાદ તેને નેશનલ બોર્ડ ફોર વાઈલ્‍ડલાઇફમાં મોકલવામાં આવેલ, જયાં બોર્ડ દ્વારા  તેને ઓગસ્‍ટ ૨૦૨૫ માં રીજેકટ (નામંજૂર) કરવામાં આવી છે.

૩. આ રસ્‍તો ગીર તથાં ગિરનાર વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍યો વચ્‍ચે અવરજવર કરતાં સિંહો સહિત અનેક વન્‍યપ્રાણીઓનો એક્‍ટિવ કોરિડોર છે. કોરિડોરની જાળવણી અને સંરક્ષણ કરવાની ભલામણ મેનેજમેન્‍ટ પ્‍લાન ફોર ગીર પ્રોટેક્‍ટેડ એરિયાઝ તથાં ભારતીય વન્‍યજીવ સંસ્‍થાનનાં વૈજ્ઞાનિકો દ્વારા થયેલ સંશોધનોમાં પણ કરવામાં આવેલ છે.

૪. એન્‍વાયરમેન્‍ટ ઇમ્‍પેક્‍ટ એસેસમેન્‍ટ (E.I.A.) તથાં વાઇલ્‍ડલાઇફ ઇમ્‍પેક્‍ટ એસેસમેન્‍ટ (W.I.A) કરાવવાં જરૂરી છે. જેની તદ્દન અવગણના થયેલ છે.

૫. ગીર આરક્ષિત વિસ્‍તારની અમૂલ્‍ય ૨.૫૭ હેક્‍ટર જમીન સામે બીજાં રેવન્‍યુ વિસ્‍તારની ૨.૫૭ હેક્‍ટર જમીનની અદલા-બદલી કોઈપણ એન્‍ગલથી વ્‍યાજબી નથી. એક પ્રાણીસંગ્રહાલય પણ ન થઈ શકે તેટલી નાની જમીન, એ પણ અલગ વિસ્‍તારમાં ‘‘અભયારણ્‍ય'' તરીકે આપવાથી એશિયાઈ સિંહોનું સંરક્ષણ કઈ રીતે થઈ શકશે?

રસ્‍તો મોટો થવાથી વાહનોની સંખ્‍યા અને ઝડપ વધશે, અકસ્‍માતો વધશે. તેની સામે તેજા ટીંબી ટેકરી કેવી રીતે રક્ષણ આપી શકશે? આ પ્રકારની મંજુરી આપવાનો નિર્ણય ભવિષ્‍ય માટે એક તદ્દન ગેરમાર્ગે દોરનારો પ્રિસિડન્‍ટ પુરવાર થશે.

૬. વન્‍યપ્રાણીઓનાં કોરીડોર્સની જાળવણી કેટલી અગત્‍યની છે, તેનો એક દાખલો આપણાં દેશનો જ નેશનલ હાઈવે નં. NH 44 છે. આ હાઇવે ને કારણે મધ્‍યપ્રદેશનાં પેન્‍ચ ટાઈગર રિઝર્વમાં કાન્‍હા અને પેન્‍ચ ટાઇગર રિઝર્બ્‍સ વચ્‍ચેનાં વાઘો નાં કોરીડોર્સ બ્‍લોક થઈ જતાં હતાં. તેથી વન્‍યપ્રાણીઓનાં વાહનો સાથે અકસ્‍માત તથાં મનુષ્‍ય-વાઘ વચ્‍ચે નાં સંઘર્ષના કિસ્‍સાઓ વધવા લાગ્‍યાં હતાં. આ સમસ્‍યાનું સમાધાન કરવા માટે વાઘનાં નિષ્‍ણાંત ડો. બિલાલ અહમદની સલાહ લેવામાં આવી હતી. તેઓશ્રી એ જયાં જ્‍યાં વાઘનાં કોરીડોર્સ હતાં, ત્‍યાં ત્‍યાં ‘હાઇવે ને ઊંચો લઈ જવાની' એટલે કે ઓવરબ્રિજ બનાવવાની સલાહ આપી. આ સલાહ મુજબ આશરે રૂપિયા ૨૦,૦૦૦ કરોડ નાં ખર્ચે ૧૬.૧ કિલોમીટરનાં નેશનલ હાઇવેમાં સરેરાશ ૫૦૦ મીટર નાં ફોર-લેન નાં ૯ ઓવરબ્રિજીઝ બનાવવામાં આવ્‍યાં. બંને તરફ ૬-૬ મીટર ઊંચી દીવાલો કરવામાં આવી. ઓવરબ્રિજની નીચેથી પસાર થતાં કોરિડોર્સની આજુબાજુમાં ૩૬,૦૦૦ જેટલાં વળક્ષો ઉગાડવામાં આવ્‍યાં છે.

આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે. નેશનલ હાઈવે ઉપરથી સેંકડો વાહનો સતત અવરજવર કરે છે, અને અંડરપાસીઝ દ્વારા વાઘ તથાં બીજી ૧૭ જેટલી પ્રજાતિઓનાં વન્‍યપ્રાણીઓ પણ દિવસ-રાત અવરજવર કરી રહ્યાં છે. તેમનું મોનિટરિંગ સીસીટીવી કેમેરાઓ દ્વારા થઈ રહેલ છે. આ જ રસ્‍તા પર રાજસ્‍થાનનાં રણથંભોર ટાઈગર રિઝર્વનાં બફર ઝોનમાં આશરે ૧૨ કિલોમીટરમાં વન્‍યપ્રાણીઓ માટે સરેરાશ ૫૦૦ મીટરના પાંચ ઓવરપાસીઝ તથા ૧.૨ કિલોમીટરનો એક અંડરપાસ બનાવવામાં આવેલ છે. આ સંરક્ષીત કોરીડોર્સમાં વાઘ, રીંછ તથાં બીજાં અનેક વન્‍યપ્રાણીઓ કોઈ પણ ખલેલ વગર અવરજવર કરી રહ્યાં છે.

૭. એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. છેલ્લાં ૯-૧૦ મહિનાઓથી એક વાઘ પણ ગુજરાતમાં સ્‍થાયી થયેલ છે. તેનાં માટે વાઘણ લાવવાની તૈયારી ચાલે છે. આમ વિશ્વભરમાં માત્ર ગુજરાત એક માત્ર એવું રાજ્‍ય છે કે જ્‍યાં સિંહ અને વાઘ બંને વસી રહ્યાં છે. કચ્‍છનાં બન્ની વિસ્‍તારમાં આફ્રિકાથી ચિત્તાઓ લાવવાની તૈયારી ચાલી રહી છે. આપણાં રાજ્‍યમાં આ બધાં વન્‍યજીવો જોવા મળે તે ગર્વની બાબત છે, પરંતુ તેમનાં કાયમી વસવાટ અને સંરક્ષણ માટે અસરકારક પગલાં લેવાં જોઈશે.

જો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી એ જાહેર કરેલ ‘પ્રોજેક્‍ટ લાયન'નું સ્‍વપ્‍ન સાકાર કરવું હોય તો પરિપક્‍વ નિર્ણયો લેવા જોઈશે.

૮. ગીરનાં સિંહોનાં થઈ રહેલાં અપમળત્‍યુ બાબતે  ઉચ્‍ચ ન્‍યાયાલય દ્વારા સુઓ મોટો કોગ્નીઝન્‍સ (PIL) ચાલી રહેલ છે. આ પણ ઘણી દુઃખદ અને ચિંતાની બાબત છે.

ઉપરોક્‍ત કારણોસર SH 26 નાં ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભયારણ્‍યમાંથી પસાર થતાં, વાણીયાવાવ થી સાસણ સુધીનાં સાત કિલોમીટર માં રસ્‍તો પહોળો કરવાની મંજૂરી સત્‍વરે સ્‍થગિત કરી, કામગીરીની ફેરવિચારણા કરી, ગીરનાં સિંહો તથાં બીજાં વન્‍યપ્રાણીઓનાં હિતમાં નિર્ણય લેવાય તેવી યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા મારી નમ્ર વિનંતી છે. તેમ ભુષણ પંડયાએ પત્રના અંતમાં જણાવ્‍યું છે

(3:26 PM IST)