તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાંથી ૯૯ લાખની લોન લઇ ઠગાઇ
મશીનરી ખરીદવાના નામે ટર્મ લોન લઇ લીધીઃ પણ મશીનરી ખરીદ જ ન કરી રકમ પણ પાછી ન દીધી : જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલી બેંકના બ્રાંચ મેનેજર નેહાબેન છાબડાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ નાગેશ્વરમાં જ એપલગ્રીન એપાર્ટમેનટમાં રહેતાં ગાયત્રીબેન એમ. પંડયા અને રીબડાની શીવ કોર્પોરેશન પેઢીના માલિક હરેશ જયંતિલાલ દવે વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી નાગેશ્વરમાં જ રહેતી મહિલાએ એમ.એસ.એમ.ઇ. મશીનરી ખરીદવા ૯૯ લાખની ટર્મ લોન માંગી ગોંડલના રબીડાના શખ્સની માલિકીની પેઢીનું મશીનરી ખરીદી પેટેનું ક્વોટેશન સહિતના દસ્તાવેજો બેંકમાં રજૂ કરી ૯૯ લાખની લોન મેળવી લીધા બાદ કોઇ મશીનરી ન ખરીદતાં અને લોનની રકમ બેંકમાં ભરપાઇ ન કરતાં તેમજ રીબડાની પેઢીના સંચાલકે નિયમ અનુસાર જો મશીનરી ન ખરીદાય તો રકમ બેંકમાં પરત કરવાની હોય તેને બદલે ૯૯ લાખ લોન માંગનાર મહિલાને ટ્રાન્સફર કરી દઇ બેંક સાથે ઠગાઇ કરતાં બંને વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે યુનિકેર હોસ્પિટલ નજીક રાધે એવન્યુમાં રહતાં મુળ પંજાબના પઠાણકોટના વતની નેહાબેન અભિનવભાઇ છાબડા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી નાગેશ્વરમાં જ આવેલા એપલગ્રીન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૧૦૧માં યલ્લો એ-વીંગમાં રહેતાં ગાયત્રીબેન એમ. પંડયા તથા ગોંડલના રીબડા ગામે શીવ કોર્પોરેશન પેઢી ઉમીયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન-૩માં આવેલી પેઢીના માલિક હરેશભાઇ જયંતિલાલ દવે વિરૂધ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે ૯૯ લાખની ઠગાઇ કર્યાનો ગુનો દાખલ કર્યો છે.
નેહાબેન છાબડા જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૬/૬/૨૪ના રોજ ગાયત્રીબેન એમ. પંડયા (રહે. નાગેશ્વર એપલ ગ્રીન એપાર્ટમેન્ટ) વેપાર ધંધા માટે એમ.એસ.એમ.ઇ. મશીનરી ખરીદવા ટર્મ લોનની જરૂર છે તેવી વાત સાથે અમારી બેંકમાં આવ્યા હોઇ તેમનેં મમારી બેંકમાં લોનનું કામ સંભાળતા કર્મચારી રીચા તિવારી મારી ઓફિસમાં લાવ્યા હતાં. ગાયત્રીબેને મારી સાથે મશીનરી બાબતે લોન અંગેની ચર્ચા કરી હતી. મેં તેની માંગણી મુજબ લોન અંગુનં ફોર્મ રીચા તિવારી પાસે જમા કરાવવા કહ્યું હતું. ગાયત્રીબેને ૯૯ લાખની લોનની અરજી કરી હતી. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે પેઢીનું કેવાયસી, મશીનરીનું ક્વોટેશન, પ્રોજેક્ટ રીપોર્ટ, આઇટી રીટર્ન સહિતના દસ્તાવેજો રજુ કરવા જણાવ્યું હતું. તેણે આ બધા દસ્તાવેજો રીચા તિવારી પાસે જમા કરાવ્યા હતાં.
ગાયત્રીબેને એમ.એસ.એમ.ઇ. મશીનરી ખરીદવા કંપનીનું કોટેશન રજુ કર્યુ હતું તે પેઢીનું નામ શીવ કોર્પોરેશન હતું. શીવ કોર્પોરેશનના માલિક હરેશભાઇ જયંતિલાલ દવે ગોંડલના રીબડા ખાતે પેઢી ધરાવતાં હોવાનું જણાવાયું હતું. આ પછી અમે ગાયત્રીબેને રજૂ કરેલા લોન માટેના દસ્તાવેજની ચકાસણી લોનનું કામ કરતાં રીચા તિવારીએ શરૂ કર્યુ હતું. આ સાથે અમારી બેંક દ્વારા અરજદાર ગાયત્રીબેનની ગાયત્રી પોલીમર્સ પેઢી અને તેના ઘરની તપાસ કરવાની હોઇ કર્મચારી કુલદીપસિંહ જાડેજા ગાયત્રીબેનની પેઢી ઉપર ગયા હતાં. સાથે રીચા તિવારી પણ ગયા હતાં. બંનેએ ગાયત્રીબેનની પેઢી, ઘરની તપાસ કરી લેખીત રિપોર્ટ આપ્યો હતો. આ રીતે તમામ પ્રોસેસ બાદ બધુ બરાબર લાગતાં અમારી બેંક તરફથી તા. ૧૨/૭/૨૪ના રોજ ગાયત્રીબેનની લોન મંજુર કરાઇ હતી. સેક્શન લેટર મુજબ મશીનરી બે મહિનામાં ખરીદ કરી તેમની પેઢીમાં ઇન્સ્ટોલ કરવાની હતી.
લોન મંજુર થતાં બેંક તરફથી ૨૨/૭ના રોજ વેન્ડર શીવ કોર્પોરેશનના ખાતામાં ત્રણ કટકે એક જ દિવસમાં રૂા. ૯૯ લાખ જમા કરાવી દેવાયા હતાં. ત્યારબાદ ગાયત્રીબેને સેક્શન લેટર મુજબ મશીનરી સમય મર્યાદામાં લીધાના કોઇ કાગળો બેંકમાં રજુ કર્યા નહોતાં. આ અંગે બેંક તરફથી ગાયત્રીબેનને ફોનથી અને લેખીતમાં યાદી અપાઇ હતી. ફરીથી ૧૨/૧૧ના બેંકે યાદી આપતાં તેણીએ ૧૬/૧૧ના બેંકને જવાબ આપ્યો હતો કે તેઓના વેન્ડર દ્વારા મશીનરી ખરાબ હોવાના કારણસર મશીન સમયસર ડિલીવર કરેલ નથી, મશીન ડિલીવરી માટે થોડો વધુ સમયજરૂર છે. આ પછી ૧૮/૧/૨૫ના રોજ ફરીથી અમારી બેંક તરફથી ગાયત્રીબેનને તથા શીવ કોર્પોરેશનને સંબોધીને મશીનરી ઇન્સ્ટોલેશન અંગેના બીલ, તેના વેરીફીકેશન અંગેની વિગતો રજુ કરવા લેખીતમાં યાદી અપાઇ હતી. આ યાદી તેણીએ બેંકમાં રૂબરૂ આવીને સ્વીકારી હતી. અમે આ યાદી પોસ્ટ મારફત શીવ કોર્પોરેશનને પણ મોકલી હતી.
તેને આ યાદી ૨૩/૧/૨૫ના રોજ મળી ગઇ હતી. પરંતુ આમ છતાં ગાયત્રીબેન કે શીવ કોર્પોરેશન વતી કોઇ પ્રત્યુતર અપાયો નહોતો. વારંવાર ફોનથી જાણ કરવા છતાં ગાયત્રીબેન સંતોષકારક જવાબ આપતા નહોતાં. અમારી બેંક દ્વારા ગાયત્રીબેનને મશીનરી ખરીદવા ૯૯ લાખની લોન અપાઇ હતી, જે લોનની રકમ તેના વેન્ડર શીવ કોર્પોરેશનના ખાતામાં જમા થઇ હતી. પરંતુ લોનની શરતો અનુસાર ગાયત્રીબેન દ્વારા કોઇ મશીનરી ખરીદ કરવામાં આવી નહોતી. તેમજ બેંક દ્વારા પુછાતા સંતોષકારક જવાબ પણ અપાતો નહોતો. ૧૧/૮/૨૫ના અમારા વકીલ મારફત ગાયત્રીબેન અને હરેશભાઇને મશીનરી ખરીદ કર્યા અંગેના પુરાવા રજૂ કરવા નોટીસ અપાઇ હતી. નોટીસ બંનેને મળી ગઇ હતી. ત્યારબાદ શીવ કોર્પોરેશનના હરેશભાઇ દવેએ નોટીસનો લેખીતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેણે એવી હકીકત જણાવી હતી કે-૨૦/૧/૨૫ના રોજ ગાયત્રીબેન પંડયા દ્વારા લેખીતમાં મશીનરી લેવાનો ઓર્ડર રદ કરાયેલ છે, તા. ૨૩/૧/૨૫ અને ૧/૨/૨૫ સુધીમાં કટકે કટકે રૂા. ૧,૩૨,૦૦,૦૦૦નું પેમેન્ટ ગાયત્રીબેનના ખાતામાં પરત જમા કરાવેલ છે.
અમારી બેંકે ગાયત્રીબેનની લોનની રકમ રૂા. ૯૯,૦૦,૦૦૦ તેના વેન્ડર શીવ કોર્પોરેશનના ખાતામાં જમા કરાવી હતી. આ બંને જો મશીનરીનો સોદો કેન્સલ કરે તો શીવ કોર્પોરેશને બેંકના પૈસા બેંકમાં પરત આપવા જોઇએ. પરંતુ તેણે રકમ અમારી બેંકને પરત ન આપી ગાયત્રીબેનને ટ્રાન્સફર કરી દીધા હતાં. આમ બંનેએ એકબીજા સાથે મળીને બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વારંવાર બંને પાસેથી બેંક દ્વારા રકમ જમા કરાવવા પ્રયાસ થયા હોઇ છતાં આ બંનેએ મશીનરી ખરીદીનો સોદો રદ થયાની કોઇ લેખીત જાણ બેંકને ન કરી લોનના ૯૯ લાખ ભરપાઇ કર્યા ન હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. તેમ બ્રાંચ મેનેજર નેહાબેન છાબડાએ વધુમાં જણાવતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ ટી. ડી. જાડેજાએ હાથ ધરી છે. (૧૪.૭)
(2:39 PM IST)










