<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ઘરેથી ત્રણ દિવસ પહેલા નીકળી ગયેલો ઘંટેશ્વરનો નટવર ગોંડલ રોડ ચોકડીએ ખાડામાંથી મળ્‍યોઃ ગંભીર

મજૂરોના ફોન કાઢવાનો પ્રયાસ કરતી વખતે મજૂરો જાગી જતાં ભાગવા જતાં પડી ગયો કે મારકુટ?

 

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતો નટવર દિનેશભાઇ કુંવરીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ ગાયબ હોઇ પરિવારજનો શોધખોળ કરતાં હતાં. દરમિયાન નટવર ગત રાતે ગોંડલ રોડ ચોકડીએ બ્રીજની સાઇટ પાસે બીમના પંદરેક ફુટ ઉંડા ખાડામાંથી ઘાયલ અને બેભાન હાલતમાં મળતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

નટવર બ્રીજ નજીક શીવ હોટલ પાસે ખાડામાં ઘાયલ પડયો હોવાની જાણ આ સાઇટ પરના કોઇ મજૂરે ૧૦૮ને કરતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. હેમતભાઇ સહિતે તપાસ હાથ ધરી હતી. નટવરને હાથે, શરીરે ઇજાઓ હોઇ અને બેભાન હોઇ ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરાયો હતો. તેને કોઇએ મારકુટ કરી હોવાની પ્રાથમિક નોંધ ૧૦૮ના સ્‍ટાફ મારફત તબિબને થતાં આવી નોંધ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરી હતી.

જો કે આજીડેમ પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે નટવર બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને તેને બે દિકરી છે. તે છુટક મજૂરી કરે છે. જો કે તેની પત્‍નિ દસેક વર્ષથી મુંબઇ રીસામણે છે. નટવર ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. ગત રાતે તે બ્રીજ પાસે સુતેલા મજૂરોના મોબાઇલ ફોન કાઢી રહ્યો હોઇ મજૂરો જાગી જતાં ભાગવા જતાં ખાડામાં પડી જતાં ઇજાઓ થઇ હતી. આમ છતાં પોલીસે ખરેખર શું બન્‍યું તેની તપાસ યથાવત રાખી હતી. (૧૪.૧૦)

(2:38 PM IST)