તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
કોઠારીયાના પીન્ટુભાઇને ૬૦ ટકાના વ્યાજે ૨૦ હજાર આપી રૂપિયા ૨૦ હજાર વસુલ્યા છતાં વધુ માંગી ધમકી
માતાની સારવાર માટે અને ટેક્સી રીપેરીંગ માટે ૧૦-૧૦ હજાર લીધા તેનું દર દસ દિવસે ૪ હજાર મીટર ચુકવ્યું: અવેજ પેટે મોબાઇલ પણ પડાવી લીધોઃ સતત હેરાનગતિથી કંટાળી યુવાને કિરીટ ફીચડીયા વિરૂધ્ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૦: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં કોઠારીયા ગામથી આગળ રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં યુવાને માતાની બિમારીની સારવાર માટે જ્વેલર્સની દૂકાન ચલાવતાં શખ્સ પાસેથી ૧૦ હજાર તથા ગાડી ભટકાતાં રીપેરીંગના ખર્ચ માટે બીજા ૧૦ હજાર લઇ દર દસ દિવસે મીટરના ૨-૨ હજાર લેખે ૨૦ હજાર ચુકવી દીધા બાદ પણ મહિને અધધધ ૬૦ ટકા લેખે વધુ મીટર-વ્યાજ માંગી વધુ ૨૦ હજારની માંગણી કરી ધમકી આપી હેરાન કરતાં પોલીસને જાણ કરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા ગામથી આગળ પાણીના ટાંકા સામેની શેરીમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક રહેતાં પીન્ટુભાઇ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી કિરીટ પ્રભુદાસભાઇ ફીચડીયા વિરૂધ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે.
પીન્ટુભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે એન કેકેવી ચોક પાસે રૂદ્રા કેબમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેના પિતા દિનેશભાઇ મેરામભાઇ સોલંકી છુટક મજૂરી કરે છે. પીન્ટુભાઇએ કહ્યું હતું કે ત્રણેક મહિના પહેલા મારા માતા સવિતાબેનને પગમાં દુઃખાવો થતો હોઇ જેથી મારે દવાખાનાના કામે પૈસાની જરૂર ઉભી થતાં મારા મિત્ર હાર્દિક ભરતભાઇ ગોહેલને વાત કરી હતી કે મારે દસેક હજાર રૂપિયાની જરૂર છે તો ક્યાંકથી વ્યવસ્થા કરી આપ. જેથી હાર્દિકે કહેલું કે તપાસ કરીને કહીશ. થોડા દિવસ પછી હાર્દિકે કહેલું કે-મારા કાકાના દિકરાને કોઠારીયા સોલવન્ટમાં સિગ્નેચર મેન્સવેર નામે દરજીની દૂકાન છે અને તેની બાજુમાં શ્રીજી જ્વેલર્સ નામે કિરીટભાઇ ફીચડીયા દૂકાન ચલાવે છે અને તે વ્યાજે પૈસા આપે છે.
હાર્દિકે મને કિરીટભાઇના મોબાઇલ નંબર આપ્યા હોઇ મેં તેની સાથે વાત કરી મારે દસ હજારની જરૂર છે તેમ કહેતાં તેણે મને પોતાની દુકાને આધાર કાર્ડની કોપી અને એક ચેક લઇને આવવાનું કહ્યું હતું. તેમજ દુકાને મારો દિકરો બેઠો હશે તેને આપી દેજો. જેથી હું બીજા દિવસે કિરીટભાઇની દુકાને જઇ સહી કરેલો કોરો ચેક અને મારા આધારકાર્ડની કોપી આપી આવ્યો હતો. ત્યારબાદ તા. ૨ના રોજ સાંજે સાડા આઠેક વાગ્યે કિરીટભાઇએ મને ફોન કરી કોઠારીયા રોડ તિરૂપતીના પાણીના ટાંકા પાસે આવવાનું કહેતાં હું ત્યાં જતાં તેણે ઓનલાઇન મારા બેંક ખાતામાં રૂા. ૧૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતાં અને આ રકમનું દર દસ દિવસે ૨૦૦૦ વ્યાજ આપવાનું રહેશે અને વ્યાજના રૂપિયા મને આપો ત્યારે તમારે મીટરના રૂપિયા છે તેમ કહીને આપવાના તેવું કિરીટભાઇએ કહ્યું હતું.
ત્યારબાદ મેં દર દસ દિવસે તેને રૂા. ૨૦૦૦ પેટે વ્યાજ આપ્યું હતું. બાદમાં મારી ટેક્સી ગાડીને અકસ્માત નડતાં નુકસાની થતાં રીપેરીંગનો ખર્ચ આવ્યો હતો. આથી મેં કિરીટભાઇને ફોન કરી ફરીથી રૂપિયા માંગતા તેણે મને વધુ ૧૦૦૦૦ આપ્યા હતાં. આ પછી બંને રકમનું હું દર દસ દિવસે ૪૦૦૦ લેખે વ્યાજ ચુકવતો હતો. બે વખત ૮૦૦૦ લેખે પણ વ્યાજ ચુકવ્યુ઼ હતું. આ પછી તેણે મારી પાસે મુડીની રકમ માંગતાં મેં કહેલું કે તમને સમયસર મીટર આપુ છું, થોડો સમય આપો તો રકમ કરી આપીશ. આથી તેણે મને કહેલું કે તારે મને અવેજ પેટે કંઇક આપવું પડશે. આથી મેં તેને હું મારા મિત્ર રવિ પારઘીનો ફોન વાપરતો હતો તે અવેજ પેટે આપી દીધો હતો.
આ પછી મારાથી પૈસાની વ્યવસ્થા ન થતાં કિરીટભાઇએ સતત ફોન કરી ઉઘરાણી કરી હતી. તેમજ માર પૈસા ક્યારે આપી જાઇશ, જ્વેલર્સનું ખોટુ બીલ બનાવી તારો ચેક બેંકમાં નાખી દઇશ તેવી ધમકી આપી હતી. આમ કહી મીટરના વધુ પૈસા આપી જવા અને વ્યાજ આપવા દબાણ કર્યુ હતું. મેં તેની પાસેથી બે કટકે ૨૦૦૦૦ લીધા હતાં. તેની સામે ૨૦૦૦૦ આપી દીધા છતાં વધુ ૨૦૦૦૦ માંગતા મેં મારા મિત્રનો મોબાઇલ ફોન તેને આપી દીધો હતો. આ ફોન પણ મને પાછો આપતાં ન હોઇ અને વ્યાજની સતત ઉઘરાણી કરી હેરાન કરતાં હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પીન્ટુભાઇએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. ડી. જી. પાલાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










