<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ધાર્મિક યાત્રાનો આરંભ થાય એ પહેલા જિંદગીની યાત્રા ખતમઃ ટ્રેનમાંથી પટકાતાં અલ્‍કાબેનનું મોત

લોધીકાના ત્રિવેદી પરિવારના સદસ્‍યો ગોકુલ-મથુરાની યાત્રાએ જવા નીકળ્‍યાઃ રાજકોટ જંકશન સ્‍ટેશન પર બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: માનવીની જિંદગીની સફરનો અંત ક્‍યારે અને કેવી રીતે તેમજ કઇ જગ્‍યાએ આવી જાય તેની ખબર હોતી નથી. કંઇક આવી જ ઘટનામાં લોધીકાના એક મહિલાનું મૃત્‍યુ થયું છે. આ મહિલા પોતાના પતિ, બે પુત્રો સાથે ગોકુલ-મથુરાની યાત્રાએ જવા નીકળ્‍યા હતાં. વીરમગામથી ટ્રેન પકડવાની હોઇ રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને આ પરિવાર પહોંચ્‍યો હતો. પણ અહિ ટ્રેન ચાલુ થઇ જતાં તેમાં ચડવા જતી વખતે મહિલા પટકાતાં ગંભીર ઇજા થતાં ધાર્મિક યાત્રાનો આરંભ થાય એ પહેલા જિંદગીની સફર ખતમ થઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ લોધીકામાં રામ મંદિર મેઇન રોડ પર વત્‍સલ હાઉસ ખાતે રહેતાં અલ્‍કાબેન પંકજભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૦) ગઇકાલે રાજકોટ જંકશન રેલ્‍વે સ્‍ટેશને ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકી મારફત થતાં રેલ્‍વે પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર અલ્‍કાબેનને સંતાનમાં બે દિકરા દીપ અને હર્ષ છે. તેમના પતિ પંકજભાઇ ત્રિવેદી કર્મકાંડ કરે છે. આ પરિવારના સભ્‍યો ગોકુલ-મથુરાની યાત્રાએ જઇ રહ્યો હતો. પરિવારને ટ્રેન વીરમગામથી પકડવાની હતી. ત્‍યાં જવા માટે રાજકોટ રેલ્‍વે સ્‍ટેશને આ પરિવારના સદસ્‍યો પહોચ્‍યા હતાં. ટ્રેન આવતાં બધા બેસી ગયા હતાં. પણ અલ્‍કાબેન પાછળ રહી ગયા હોઇ તે ચાલુ ટ્રેનમાં ચડવા જતાં દરવાજાનો પાઇપ પકડયો હતો તે છટકી જતાં પોતે પટકાયા હતાં અને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું. તેઓ ચાર બહેન અને એક ભાઇમાં નાના હતાં. આમ ધામિર્ક યાત્રાનો આરંભ થાય એ પહેલા જિંદગીની યાત્રા ખતમ થઇ ગઇ હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:53 PM IST)