તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
રૈયા રોડ બાપા સિતારામ ચોકના હિરેન ઉર્ફ કાનારાજાએ કુંવારો હોવાનું કહી યુવતિને ફસાવીઃ વારંવાર દૂષ્કર્મ
માતાને અકસ્માત નડતાં યુવતિ સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ ત્યારે હિરેને મદદ કરવાના બહાને પરીચય કેળવી મોબાઇલ નંબર મેળવી વાતો કરી ફસાવી લીધાનો આરોપ : લગ્નની લાલચ આપી હોટેલ, રિસોર્ટમાં અવાર-નવાર લઇ જઇ શોષણ કર્યાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યોઃ અગાઉ પૈસાની લેતી દેતી મામલે યુવતિના પગ ભાંગી નાંખ્યા હતાં

રાજકોટ તા. ૯: શહેરના રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે રહેતાં હિરેન ઉર્ફ કાનારાજા નામના શખ્સે થોડા દિવસો પહેલા એક યુવતિ પર હુમલો કરી તેના પગ ભાંગી નાંખ્યા હતાં. આ યુવતિની ફરિયાદ પરથી હવે આ શખ્સ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો દાખલ થયો છે. પોતે પરણેલો હોવા છતાં કુંવારો હોવાનું કહી લગ્નની લાલચ આપી અવાર-નવાર અલગ અલગ જગ્યાએ હોટેલ, રિસોર્ટમાં લઇ જઇ જાતીય સંબંધ બાંધી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૨૫ વર્ષની યુવતિની ફરિયાદ પરથી રૈયા રોડ બાપા સિતારામ ચોક પાસે રહેતાં હિરેન ઉર્ફ કાનારાજા રેવાભાઇ ધોળકીયા નામના શખ્સ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ બનાવમાં ભોગ યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. ૨૦૨૪ના જુલાઇ મહિનામાં મારા માતાને વાહન અકસ્માતમાં ઇજા થતાં હું તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. એ દરમિયાન હોસ્પિટલ ખાતે હિેરન ધોળકીયા સાથે મારો પરિચય થયો હતો. અહિ તેણે વોર્ડમાં જવા માટે મદદ કરી હતી. એ પછી અમે મોબાઇલ નંબરની આપ-લે કરતાં વાતચીત શરૂ થઇ હતી. એ પછી અવાર-નવાર અમે રૂબરૂ મળી વાત કરતાં હતાં.
ત્યારબાદ હિરેન ઉર્ર્ફે કાનારાજાએ મને કહેલું કે હું કુંવારો છું અને તારી સાથે લગ્ન કરીશ. આ રીતે તેણે લગ્નનું વચન આપી મને કેકેવી હોલ પાસેની હોટેલમાં તેમજ જામનગર રોડ પરના રિસોર્ટમાં લઇ જઇ અવાર-નવાર મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં. બાદમાં મને ખબર પડી હતી કે હિરેનની જ્ઞાતિમાં તો બાળપણમાં જ સગાઇ લગ્ન થઇ જતાં હોય છે, હિરેનના પણ લગ્ન થઇ ગયા છે, પણ તેણે મારાથી આ વાત છુપાવીને મને છેતરીને લગ્નના વચન આપી મારી સાથે જાતીય સંબંધ બાંધી લીધા હતાં. તેમ વધુમાં યુવતિએ જણાવતાં પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ પી. ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ શખ્સ યુવતિ પાસેથી ઉછીની રકમ લઇ ગયો હોઇ પછી પાછી આપતો ન હોઇ આ મામલે યુવતિએ પોલીસમાં અરજી કરતાં ખાર રાખી થોડા દિવસ પહેલા તેણે આ યુવતિ પર તેના ઘર નજીક લોખંડના પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યા હતાં. તે અંગે પણ જે તે વખતે ગુનો દાખલ થયો હતો. જે તે વખતે પીએસઆઇ બેલીમે આરોપી હિરેનની ધરપકડ કરી હતી. ત્યારે ડીસીપી ક્રાઇમ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેની આગવી ઢબે પુછપરછ થઇ હતી. હવે દૂષ્કર્મનો ગુનો પણ દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










