તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
હત્યાની વધુ એક ઘટના ગરીબ લોકોને હેરાન કરી રહેલા ધાર્મિકને રિક્ષાચાલક મિત્ર મયુરે છરી ઝીંકી પતાવી દીધો! : જુઓ વિડીયો
ભીલવાસ રોડ ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતો ૧૮ વર્ષનો ધાર્મિક ઉર્ફે ધલુ મકવાણા રાતે બે મિત્રો જયદીપ શીંગાળા અને યુગ વાઘેલા સાથે જવાહર રોડ મોમાઇ હોટલે ચા પીવા ગયો ત્યારે બનાવઃ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ ત્યાં દમ તોડી દીધોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને રાતે જ ઝડપી લીધો : ધાર્મિક તોફાન કરે છે, ગરીબ લોકોને હેરાન કરે છે તેવો ફોન મિત્ર યુગે ધાર્મિકના કુટુંબી ભાણેજ-મિત્ર અંકિતને કરતાં અંકિત, રાહુલ, મયુર હોટલે પહોંચ્યા અને ધાર્મિકને સમજાવ્યોઃ આ વખતે સેટેલાઇટ ચોકના રિક્ષાચાલક મયુર લઢેરે ધાર્મિક સાથે ઝપાઝપી કરી અને પોતાની રિક્ષામાંથી છરી લાવી જીવલેણ ઘા મારી દીધોઃ સફાઇ કામદાર પરિવારમાં કલ્પાંત : આરોપી મયુરે કહ્યું-ધાર્મિક રોડ પર સુતેલા ભીક્ષુકોના ગોદડા ખેંચતો હતો, એ લોકો બીજી તરફ સુવા જતાં ત્યાં પણ સળી કરવા જતાં માથાકુટ થઇ હતીઃ ગાળાગાળી થતાં છરી ઝીંકી દીધી હતી : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે તુરંત કાર્યવાહી કરીઃ આરોપી મયુર રાતોરાત સકંજામાં

હત્યાનો ભોગ બનનાર ધાર્મિક પ્રકાશભાઇ લઢેરનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, જ્યાં ઘટના બની તે જવાહર રોડ પર ગેલેક્સી હોટેલ નીચે આવેલી મોમાઇ ટી સ્ટોલ નામની દૂકાન અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતકના મામા સહિતના સગા, પડોશી, મિત્રો નજરે પડે છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૯: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. ભીલવાસ રોડથી ડો. યાજ્ઞિક રોડ તરફ જવાના રસ્તે આવેલા ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં ૧૮ વર્ષના યુવાનની રાતે જવાહર રોડ પર મોમાઇ ટી સ્ટોલ પાસે સામા કાંઠાના તેના જ સમાજના રિક્ષાચાલક શખ્સે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાંખતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાતે આ યુવાન બે મિત્રો સાથે ટુવ્હીલર પર જવાહર રોડની હોટલે ચા પીવા ગયો ત્યારે ત્યાં રોડ સાઇડમાં સુતેલા ગરીબ લોકોને તે પજવતો હોઇ હેરાન કરતો હોઇ આ કારણે સામા કાંઠાના રિક્ષાચાલક એવા તેના મિત્રએ તેને આ રીતે ગરીબ લોકોને હેરાન નહિ કરવા અને તોફાન નહિ કરવા સમજાવતાં બંને વચ્ચે બોલાચાલી, ઝપાઝપી અને ઝઘડો થતાં રિક્ષાચાલકે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે જીવલેણ નીવડયો હતો. એ-ડિવીઝન પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે રાતોરાત આરોપીને સકંજામાં લઇ લીધો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનનાર ધાર્મિક ઉર્ફ ધલુ મકવાણા (ઉ.વ.૧૮)ના પિતા ભીલવાસ રોડ મોટા ખાટકીવાડની સામે ઠક્કરબાપા હરિજનવાસ શેરીનં. ૫માં રહેતાં પ્રકાશભાઇ સુરેશભાઇ મકવાણા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી મોરબી રોડ સેટેલાઇટ ચોક બી-ડિવીઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક મયુર કિશોરભાઇ લઢેર વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રકાશભાઇ મકવાણા કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામ કરે છે અને તેના પત્નિ ઉર્મિલાબેન મકવાણા રૈયા રોડ પર સીટી સેન્ટરમાં વેસ્ટ સાઇડમાં સફાઇ કામ કરે છે. તેને સંતાનમાં બે દિકરા ધાર્મિક અને નાનો શિવમ્ છે. પ્રકાશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે રાણે પોણા બે વાગ્યે હુ મારા ઘરે હતો ત્યારે મારા દિકરા ધાર્મિકના મિત્ર યુગનો મને ફોન આવેલ અને ફોનમાં કહેલ કે-ધાર્મીકનું એક્સીડેન્ટ થયેલ છે અને તેને પડખામાં લાગી ગયેલ છે અને તેને રાજકોટ સીવીલ હોસ્પિટલમા લઈ ગયેલ છે તમે જલ્દી આવો. આવો ફોન આવતાં જ હું મારા ઘરેથી સીવીલ હોસ્પિટલ ગયેલ હતો. ત્યાં મારા દિકરાને ઇમરજન્સીમાં દાખલ કરેલ હતો અને તેને પડખાના ભાગે ઇજા થયેલ હતી અને બેભાન હાલતમાં હતો. આ વખતે ત્યાં ધાર્મિકનો મિત્ર અંકીત કીરીટભાઇ ઘાવરી હાજર હતો.
ઘટના ખરેખર શું બની હતી? તે અંગે મેં અંકીતનપુછતા તેણે મને વાત કરેલ કે જયદીપ ભરતભાઇ શીંગાળા, ધાર્મિક પ્રકાશભાઇ મકવાણા અને યુગ દિપકભાઈ વાઘેલા એ ત્રણેય સાથે હતા અને જયદીપનો મને રાત્રે સાડાબારેક વાગ્યે ફોન આવેલ કે ધાર્મિક ત્રીકોણ બાગથી આગળ જવાહર રોડ પર આવેલી મોમાઇ ટી-સ્ટોલ પાસે તોફાન કરે છે અને ગરીબ લોકોને હેરાન કરે છે તેને લઇ જાવ. આથી હુ અને રાહુલ જગદીશભાઇ વાઘેલા અને મયુર કિશોરભાઈ લઢેર એમ અમે ત્રણેય મયુરની રીક્ષા નં. જીજે૦૩બીટી-૨૯૩૬માં ઘર પાસે સાથે જ હોઇ તરત જ અમે ત્રણેય આ રીક્ષા લઈને ત્રીકોણ બાગથી હોસ્પિટલ ચોક જવાના રસ્તે જવાહર રોડ પર આવેલી મોમાઇ હોટલ પાસે ગયા હતાં.
અંકિતે મને વધુમાં કહ્યું હતું કે-અમે મોમાઇ હોટલ પાસે ગયા ત્યારે ત્યાં અમે ધાર્મિકને તોફાન ન કરવા અંગે સમજાવતા હતાં. આ વખતે ધાર્મિક સાથે પરિચીત-મિત્ર મયુર લઢેર નામના રિક્ષાચાલકે ઝપાઝપી કરી હતી. બંને વચ્ચે ઝગડો ચાલુ થતાં અમે બંનેને છોડાવતાં હતાં. ત્યાં જ મયુર તેની રીક્ષા માથી એક છરી લાવ્યો હતો અને તેણે ધાર્મિકને પડખામાં છરીનો એક ઘા મારી દીધો હતો. આ પછી મયુર તેની રીક્ષા લઈને ભાગી ગયો હતો. બાદમાં ત્યાં રોડ ઉપરથી એક રીક્ષામાં ધાર્મિકને બેસાડી બેસાડી હું (અંકિત), રાહુલ, યુગ અને જયદીપ એમ બધા મિત્રો ધાર્મિકને રાજકોટ સીવીલ હોસ્પિટલ લઈ ગયા હતાં. અમને આ બનાવ અંગે ડર લાગતા યુગે તમને એક્સીડેન્ટ થયું હોવાની ખોટી વાત કરેલ હતી. તેમ અંકિતે મને (પ્રકાશભાઇને) જણાવ્યું હતું.
પ્રકાશઇભાઇએ આગળ કહ્યું હતું કે મારા દિકરાની સારવાર ચાલુ કરી હતી, દરમ્યાન ડોક્ટરે મારા દિકરા ધાર્મિકને મૃત જાહેર કર્યો હતો. મયુર કિશોરભાઇ લઢેરે મારા દિકરાને ડાબા પડખે છરી ઝીંકી દીધી હતી તેના કારણે તેનું મોત થયું હતું. હત્યાની ઘટના જાહેર થતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં. એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, રાઇટર મનોજભાઇ મકવાણા સહિતે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપી મયુરને રાતોરાત સકંજામાં લઇ લેવાયો હતો. એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આરોપી હાથમાં આવી જતાં પુછતાછ થતાં તેણે કબુલ્યું હતું કે અમે બધા પહેલા રાતે ઠક્કરબાપા હરિજનવાસમાં રાહુલનો બર્થડે હોઇ ત્યાં કેક કાપી પછી છુટા પડયા હતાં. બાદમાં મોમાઇ ટી પાસે ધાર્મિક ગરીબ લોકો સુતા હોઇ તેના ગોદડા ખેંચતો હોઇ જેથી એ લોકો ઉભા થઇ સામે જતાં રહ્યા હતાં. ત્યાં પણ તે હેરાન કરતો હોઇ તેને આવુ નહિ કરવા સમજાવતાં તેણે ગાળો દેતાં મારામારી થઇ હતી અને મેં છરી મારી દીધી હતી.
રાતે ઘાયલ હાલતમાં ધાર્મિકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, રવિભાઇએ પહેલા ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પણ બાદમાં ઘટના જવાહર રોડ પર બન્યાનું ખુલતાં એ-ડિવીઝનમાં નોંધ કરાવી હતી. (
હત્યાનો ભોગ બનનાર ધાર્મિક કપડાના શો રૂમમાં નોકરી કરતો હતોઃ આવતા મહિને સગાઇ નક્કી કરવાની હતી
ઞ્જ હત્યાનો ભોગ બનનાર ધાર્મિક બે ભાઇમાં મોટો હતો અને ડો. યાજ્ઞિક રોડ પરના કપડાના શો રૂમમાં નોકરી કરતો હતો. તેના મામા શૈલેષભાઇએ જણાવ્યું હતું કે ધાર્મિકના માતા-પિતા છુટક સફાઇ કામ કરે છે. ધાર્મિકની આવતા મહિને સગાઇ પણ નક્કી કરવાની હતી. રાતે તે ઘરેથી મિત્રો સાથે આટો મારવા નીકળ્યા બાદ આ ઘટના બની ગઇ હતી. છરીનો ઘા ઝીંકનાર મયુર લઢેર અમારા સમાજનો જ છે પરંતુ અમે તેની સાથે પરીચયમાં નથી. પોલીસે તેને પકડી લીધો છે. યુવાન દિકરાની હત્યાથી સફાઇ કામદાર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
યુગ, અંકિત સહિતના ડરી જતાં અંકિતને જામનગર રોડ પર બાઇક સ્લીપ થતાં ઇજા થયાનું કહ્યું: ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં સાચી વિગતો ખુલી
ઞ્જજવાહર રોડ પર મોમાઇ ચા પાસે ધાર્મિકને મયુર લઢેરે છરી ઝીંકી દીધી હતી અને તે ભાગી ગયો હતો. બાદમાં ધાર્મિકને તેનો કુટુંબી ભાણેજ-મિત્ર અંકિત તેમજ યુગ, રાહુલ, જયદિપ સહિતના રિક્ષા મારફત લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં. અહિ તબિબે શું થયું? તે પુછતાં યુગે જામનગર રોડ ઘંટેશ્વર પાસે બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થયાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. દરમિયાન ઇન્વે હેડકોન્સ. રાહુલભાઇ સહિતના હોસ્પિટલે પહોંચતા તેણે ધાર્મિકની ઇજા જોતાં અને તેને હોસ્પિટલે લઇ આવનારની વિસ્તૃત પુછતાછ કરતાં આ ઘટના વાહન અકસ્માતની નહિ પણ હુમલાની હોવાનું અને ઘટના જવાહર રોડ પર બની હોવાનું કહેતાં ફરીથી હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવાઇ હતી. યુગ, અંકિત સહિતના ડરી ગયા હોવાથી હુમલાની વાત છુપાવી હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે આ ચારેય મિત્રોની પણ પુછપરછ કરતાં અંતે સાચી હકિકત ખુલતાં આરોપી મયુર લઢેરને સકંજામાં લઇ લીધો હતો. (
(4:24 PM IST)










