તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રાજકોટ કોંગ્રેસ અનુ. જાતિ મોરચાના ચેરમેનપદે રમેશભાઇ ડૈયા
પ્રદેશ ઉપપ્રમુખપદે નરેશભાઇ સાગઠીયા અને શાંતાબેન મકવાણાની વરણી : મંત્રીપદે સાગરભાઇ દાફડા

રાજકોટ, તા. ૮ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ રાજેન્દ્રપાલ ગૌતમની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ અનુ. જાતિ ડીપાર્ટમેન્ટ ચેરમેન હિતેન્દ્રભાઇ પીઠડીયાની આગેવાની હેઠળ નવી નિમણૂંક જાહેર કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે રમેશભાઇ ડૈયા (જોનભાઇ)ની નિમણૂંક થયેલ છે. જયારે અનુ. જાતિ ડિપાર્ટમેન્ટના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નરેશભાઇ સાગઠીયા અને શાંતાબેન મકવાણા તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે અરવિંદભાઇ મુછડીયા અને અશોકભાઇ વાળા તેમજ પ્રદેશ મંત્રી તરીકે સાગરભાઇ દાફડાની વરણી જાહેર કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે શુભેચ્છા મુલાકાતે આવેલ આ નવી ટીમે જણાવ્યું હતું કે, એમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે સુપેરે પાર પાડીશુ અને સંગઠન સુજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટની સૂચના મુજબ પક્ષની ગાઇડ લાઇન પ્રમાણે આગામી દિવસોમાં શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટમાં નવુ માળખુ જાહેર કરવામાં આવશે.
શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં જયાં જયાં અનુસૂચિત જાતિના લોકોની સંખ્યા છે તથા અનુસૂચિત જાતિના વોર્ડ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે અને જે બુથમાં અનુ. જાતિના લોકોનું વધુ પ્રભુત્વ હશે તેવા બુથ દિઠ દસ લોકોની ટીમ બનાવી જવાબદારી સોંપાશે.
ર૦ર૬ માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવે તેવા પ્રયત્નો હાથ ધરીને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે. જેમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ પણ આવરી લેવાશે.
અરવિંદભાઇ મણીયાર હોલનો પ્રશ્ન પણ ઉઠાવાશે અને ૧૪ જાન્યુઆરી પહેલા આ હોલ પુનઃ શરૂ ન કરાય તો તાળા તોડવાનો કાર્યક્રમ આપવા આ નવી ટીમે જુસ્સો દર્શાવ્યો હતો.
તસવીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રમેશભાઇ ડૈયા, ગેલાભાઇ મુછડીયા, અશોકભાઇ વાળા, નરેશભાઇ પરમાર, જલ્પેશભાઇ વાઘેલા, સાગરભાઇ દાફડા, શાંતાબેન મકવાણા, વશરામભાઇ સાગઠીયા, અરવિંદભાઇ મુછડીયા નજરે પડે છે. (તસવીર અભિજીત બગથરીયા)
(2:37 PM IST)










