<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

સિવિલ હોસ્‍પિટલના પ્રિઝનલ વોર્ડમાં દિકરીના પ્રેમીની હત્‍યાના આરોપી વૃધ્‍ધનો આપઘાત

રેલનગરના રાજેન્‍દ્રભાઇ રાઠોડે ગત જાન્‍યુઆરીમાં હત્‍યા કરી હતીઃ સારણ ગાંઠનું નિદાન થતાં જેલમાંથી સિવિલમાં દાખલ કરાયા હતાં

રાજકોટ તા. ૮: શહેરની સિવિલ હોસ્‍પિટલના પ્રિઝન વોર્ડમાં હત્‍યાના ગુનાના આરોપી ૬૫ વર્ષીય વૃધ્‍ધે દોરડાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.  અગીયાર મહિના પહેલા રેલનગરમાં આ વૃધ્‍ધે દિકરીના પ્રેમીની હત્‍યા કરી હતી. હાલ જેલમાં હોઇ પેટમાં દુખાવાની તકલીફને કારણે સારવાર હેઠળ  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા ત્‍યારે આ પગલુ ભરી લીધુ હતું.

જાણવા મળ્‍યા મુજબ શહેરના  રેલનગરમાં દર્શન વિલામાં રહેતાં રાજેન્‍દ્રભાઈ પોપટભાઈ રાઠોડ (ઉ.વ. ૬૫) નામના વૃધ્‍ધે ગત જાન્‍યુઆરી મહિનામાં દિકરીના પ્રેમીની હત્‍યા કરી નાંખતા તેમની ધરપકડ ં થઈ હતી અને હાલ જેલમાં હતાં.  તેની પુત્રી કિરણના લગ્ન ઉપલેટા થયા હતા. જ્‍યાં ઉપલેટાના ઇસરા ગામે રહેતા આસિફ ઇકબાલ સોરા સાથે કિરણને પ્રેમ સંબંધ બંધાયો હતો. સાસરિયામાં જાણ થતા કિરણ માવતરે રહેવા આવી ગઈ હતી.  પ્રેમી આસિફ તેને મળવા આવતો. ગત જાન્‍યુઆરી માસમાં આસિફ રાજેન્‍દ્રભાઇના ઘરે કિરણને મળવા આવ્‍યો હતો. હોલમાં કિરણ અને આસિફ બેઠા હતા ત્‍યારે રાજેન્‍દ્રભાઇ છરી લઈને આવ્‍યા અને આસિફને છરીના ઘા મારી હત્‍યા કરી નાખી હતી. આ આરોપસર તેની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કરાયા હતાં.

 દરમ્‍યાન રાજેન્‍દ્રભાઇને સારણ ગાંઠ હોવાનું નિદાન થતા ગત તા.૫/૧૨ના રોજ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. તેઓને ઓપરેશન સિવિલ હોસ્‍પિટલમાં કરાવવું કે પછી ખાનગી હોસ્‍પિટલમાં તે નિર્ણય બાકી હતો. જેથી તેઓને સિવિલ હોસ્‍પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ રખાયા હતા. દરમ્‍યાન રવિવારે સવારે પ્રિઝનલ વોર્ડમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કોઈ પણ કેદીને જ્‍યારે જેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્‍યારે તેને ખાસ પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવે છે અને તેની ઉપર ૨૪ કલાક પોલીસ જાપ્‍તો હોય છે. ત્‍યારે આ વૃધ્‍ધ પાસે દોરી ક્‍યાંથી આવી? કઇ રીતે ગાર્ડની નજર ચુકવી પગલુ ભરી લીધું તેની ચર્ચા થઇ રહી છે. બિમારીને કારણે પગલુ ભર્યુ કે પછી બીજા કારણોસર તે હાલ બહાર આવ્‍યું નથી.

(2:06 PM IST)