તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રઘુનંદન પાર્કના ઇમિટેશનના ધંધાર્થી પર ખોખડદડમાં લગ્નના રિસેપ્શન સ્થળ પાસે ચાર શખ્સોનો હુમલો
અનીલભાઇ પરમારને જુના મનદુઃખનો ખાર રાખી ગાળો દઇ ઢીકાપાટુ મારી વિખોડીયા ભરી દીપક, મનોજ, સોનુ અને વિમલે જાનથી મારી નાખવાની ધમકી દીધીઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૮: માંડા ડુંગર પાસે રહેતાં ઇમિટેશનના ધંધાર્થી આધેડ ખોખડદડ પાસે પાર્ટી પ્લોટમાં મામાના દિકરાના લગ્નના રિસેપ્શનમાં ગયા હોઇ ત્યાંથી બહાર પાર્ક કરેલા એક્ટીવામાંથી દીકરા માટે શાલ લેવા આવતાં તેના જ સમાજના ચાર લોકોએ જુની અદાવતનો ખાર રાખી ગાળો દઇ ઢીકાપાટુનો બેફામ માર મારી તેમજ મોઢા પર વિખોડીયા ભરી લઇ માથે જતાં હવે પછી સામો મળીશ તો જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપી ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્ક બ્લોક નં. ૧૭૫માં રહેતાં અનીલભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી દીપક શાંતીભાઇ ઓડવીયા, મનોજ કાનાભાઇ ગોહેલ, સોનુ જીજ્ઞેશભાઇ નવાપરીયા અને વિમલ જીજ્ઞેશનભાઇ નવાપરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અનીલભાઇ સંત કબીર રોડ પર ઇમિટેશનનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે તા. ૬/૧૨ના રોજ રાત્રે તે તેના મામાના દીકરાના લગ્નનું રિસેપ્શન ખોખડદડ ગામ નજીક આવેલા રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે હતું ત્યાં પોતાના પરિવાર સાથે હાજર હતા. રાત્રીના આશરે ૧૧ વાગ્યાની આસપાસ તે તેના દીકરા માટે શાલ લેવા માટે બહાર પાર્ક કરેલા એક્ટિવા મોટરસાયકલ તરફ જતાં હતા ત્યારે રિસેપ્શનના ગેઇટ નજીક અગાઉ જેની સાથે ઝઘડો થયો હતો અને કોર્ટમાં જેની સામે કેસ ચાલી રહ્યો છે તેવા તેમના જ સમાજના ચાર શખ્સો દીપક શાંતિભાઈ ઓડવીયા, મનોજ કાનાભાઈ ગોહેલ, સોનુ જીજ્ઞેશભાઈ નવાપરીયા અને વિમલ જીજ્ઞેશભાઈ નવાપરીયા ત્યાં ઉભેલા જોવા મળ્યા હતાં.
અનીલભાઇને જોતા જ સોનુએ ગાળો બોલીને બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ બીજા ત્રણની સાથે મળીને હુમલો કરી ઢીકાપાટુ માર્યા હતાં. સોનુ અને દીપકે હાથના નખ વડે મોઢાના ભાગે ગાલ પર તેમજ ડાબી આંખ પર ઉઝરડા પણ કર્યા હતા. હુમલાને કારણે તેણે રાડારાડી કરતાં સગા સબંધીઓ દોડી આવ્યા હતાં અને તેને છોડાવ્યા હતાં. આ વખતે પણ દીપકે-આજે તો તને આ લોકોએ બચાવી લીધો છે પણ હવે અમને ક્યાંય મળીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી અને ચારેય ભાગી ગયા હતાં. ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચારેય જણાએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોઇ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:05 PM IST)










