તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 8th December 2025
તું પાછી ઘરે આવી જા, હું શોધી લઇશ તો જોયા જેવી થશે...યોગેશે ધમકી સાચી ઠેરવી પત્નિને છરીના ૧૨ ઘા ઝીંકી પતાવી દીધી
રાજકોટમાં વધુ એક હત્યાઃ અમદાવાદની યુવતિને ઇન્સ્ટાગ્રામથી પરિચય થતાં રાજકોટ ભગવતીપરાના યુવાન સાથે ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં: પંદર દિવસથી પતિ દારૂ પી મારકુટ કરતો હોઇ તેનું ઘર છોડી દીધુ હતું: આથી રોષે ભરાયેલા પતિએ શોધીને ખૂની ખેલ ખેલ્યો : ભગવતીપરામાં રહેતાં પતિ યોગેશ બોરીચાનું ઘર છોડી નિલેશ્વરીબેનચાર દિવસથી બહેનપણી જલ્પા પીઠવાના ઘરે હતીઃ તે રડતી રડતી પતિના ત્રાસની વાતો કરી રહી હતી ત્યારે જ પતિ ધસી આવ્યો અને તું કેમ ઘરેથી જતી રહી? કહી તૂટી પડયોઃ બહેનપણીના વૃધ્ધ પિતા બિપીનભાઇ વચ્ચે પડતાં તેને પણ છરી ઝીંકી પતાવી દીધા : પતિના ક્રુરતાથી થયેલા હુમલામાં ઘાયલ નિલેશ્વરીબેન પાણી આપો પાણી આપો એવુ બોલ્યા બાદ ઢળી પડીઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ થોરાળા પોલીસે મૃતકના અમદાવાદ રહેતાં ભાઇની ફરિયાદ પરથી આરોપી યોગેશ માવલાને સકંજામાં લીધો

રાજકોટ તા. ૮: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. જેમાં ચાર વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી રાજકોટ ભગવતીપરાના યોગેશ માલવા-બોરીચા સાથે પરિચય થયા બાદ લવમેરેજ કરનાર અમદાવાદની નિલેશ્વરીબેનને પતિ યોગેશ પંદરેક દિવસથી સતત દારૂ પી હેરાન પરેશાન કરી મારકુટ કરતો હોઇ ચારેક દિવસ પહેલા તેણી પતિ યોગેશનું ઘર છોડી દૂધની ડેરી પાસે આકાશદિપમાં બહેનપણી જલ્પાબેન પીઠવાના ઘરે જતી રહી હોઇ પતિ તેને ફોન કરી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી સતત કહેતો હતો કે તું ઘરે પાછી આવી જા, નહિતર હું તને શોધી લઇશ તો જોવા જેવી થશે! આ ધમકીને યોગેશે સાચી ઠેરવી હતી અને રવિવારે પત્નિને શોધી કાઢી તેની બહેનપણી સહિતની હાજરીમાં છરીના ડઝનેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. થોરાળા પોલીસે તેને હસ્તગત કરી તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર નિલેશ્વરીબાના અમદાવાદ નવા વાડજ ભાવસાર હોસ્ટેલ સામે વિશ્રામપાર્ક સોસાયટીમાં રહેતાં ભાઇ પ્રથમસિંહ ઉર્ફ પથુભાઇ અશોકસિંહ ઝાલાની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનનારના પતિ યોગેશ બાબુલાલ માવલા-બોરીચા સામે હત્યાનો ગુનો નોંધી સકંજામાં લીધો છે.
પ્રથમસિંહ ઉર્ફ પથુભા ઝાલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવરા સાથે રહુ છું અને કોલેજમાં અભ્યાસ કરુ છું. મારે એક બહેન નિલેશ્વરીબેન છે. હું પરણેલો છું. મારા બહેન નિલેશ્વરીબેને ચારેક વર્ષ પહેલા રાજકોટમાં રહેતાં યોગેશ બોરીચા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. તેણીએ લગ્ન કર્યા તેના થોડા મહિના પહેલા જ તેણી અમારા ઘરેથી નીકળી ગયા હતાં.
દરમિયાન રવિવારે પ્રથમસિંહ પોતાના ઘરે હતાં ત્યારે મિત્ર અર્પિતભાઇ શાહએ જાણ કરી હતી કે તેણીના બહેન નીલેશ્વરીબેન જે રાજકોટ સાસરે છે તેણીને તેના પતિ યોગેશ આહિરે છરીના ઘા માર્યા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે, હાલત ગંભીર છે. આથી પ્રથમસિંહ, તેના માતા-પિતા સહિતના રવિવારે સાંજે રાજકોટ જવા નીકળ્યા હતાં. પરંતુ તેઓ અમદાવાદથી રવાના થતાં હતાં ત્યાં જ પોલીસ મારફત જાણ થઇ હતી કે નિલેશ્વરીબેનનું મૃત્યુ થઇ ગયું છે. આ પછી બધા રાજકોટ આવવા રવાના થયા હતાં.
આ દરમિયાન અર્પિતભાઇ પર રાજકોટના જલ્પાબેનના ભાઇ પાર્થ પીઠવાનો સતત ફોન આવતો હતો કે તમે ક્યાં પહોંચ્યા છો? રાજકોટ ક્યારે પહોંચશો? બાદ અમે રાજકોટ રાતે પહોંચ્યા ત્યારે હોસ્પિટલ ખાતે પાર્થ પીઠવા અને તેના બહેન જલ્પાબેન કે જેને અર્પીતભાઇ ઓળખતા હતાં તે મળ્યા હતાં. જલ્પાબેને વાત કરી હતી કે બપોરે પોણા બારેક વાગ્યે હું અને નિલેશ્વરીબેન દૂધ સાગર રોડ આકાશદીપ સોસાયટી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે મારુ ઘર છે ત્યાં હતાં. આ વખતે હું, મારા બહેન, ભાભી તેમજ બહેનપણી નિલેશ્વરીબેન હોલમાં બેઠા હતાં. મારા પિતા બિપીનભાઇ રણછોડભાઇ પીઠવા (ઉ.વ.૬૫) પણ હતાં અને તે સુતા હતાં.
આ વખતે નિલેશ્વરબીને રડતાં રડતાં વાતો કરતી હતી કે યોગેશ બોરીચા તેણીનો પતિ તેને દરરોજ દારૂ પીને હેરાન પરેશાન કરે છે અને માર મારે છે. આ દરમિયાન અચાનક સવાર બારેક વાગ્યે યોગેશ બોરીચા અમે બેઠા હતાં ત્યાં હોલમાં આવી ગયો હતો અને છરી કાઢી નિલેશ્વરીને આડેધડ ઘા મારવા માંડયો હતો. મેં બહેનપણીને બચાવવા પ્રયાસ કર્યો હતો અને યોગેશને તેને મારવાની ના પાડી હતી. પરંતુ તે માન્યો નહોતો અને ‘તું કેમ ઘરેથી જતી રહી' તેમ નિલેશ્વરીને કહી આઘડેધડ છરીના ઘા મારતો હતો. આ દરમિયાન મારા પિતા બિપીનભાઇ દોડી આવ્યા હતાં અને વચ્ચે પડતાં તેમને પણ હાથમાં યોગેશે છરીનો એક ઘા મારી ધક્કો દઇ પછાડી દીધા હતાં. બાદમાં યોગેશ છરી લઇ ભાગી ગયો હતો.
બાદમાં નિલેશ્વરી છરીના ઘાને લીધે લોહીલુહાણ થઇ પડી ગઇ હતી અને ‘પાણી આપો પાણી આપો' એમ બોલતી બોલતી બેભાન થઇ ગઇ હતી. આથી હું તરત જ તેણીને સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી. પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. તેમ જલ્પાબેને મૃતકના ભાઇ પ્રથમસિંહને વાત કરી હતી. જલ્પાબેને મૃતકના ભાઇને એ વાત પણ કરી હતી કે છેલ્લા પંદર :દિવસથી નિલેશ્વરીને તેનો પતિ યોગેશ બોરીચા હેરાન પરેશાન કરતો હતો અને દારૂ પી માર મારતો હતો. જેથી છેલ્લા ત્રણેક દિવસથી તે પતિનું ઘર છોડી બહેનપણી જલ્પાબેનના ઘરે આવી ગઇ હતી. આથી યોગેશ તેને ફોન કરીને મેસેજ કરીને સતત કહેતો હતો કે તું ઘરે આવતી રહે નહિતર હું તને ગોતી લઇશ તો જોવા જેવી થશે. આ પછી અમે પોલીસને જાણ કરી હતી.
પ્રથમસિંહે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવનું કારણ એ છે કે છેલ્લા પંદરેક દિવસથી મારી બહેન નીલેશ્વરીબેનને તેનો પતી યોગેશ બાબુભાઇ માવલા (બોરીયા) હેરાન પરેશાન કરતો હોય જેથી મારી બહેન ત્રણ ચાર દિવસથી ઘરેથી જતી રહેલ હોય જેનો ખાર રાખી મારી બહેનને શરીરે આડેધડ છરીના ઘા મારી હત્યા કરી ભાગી ગયો હતો. ઇન્ચાર્જ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયા, ભરતસિંહ પરમાર, પીએસઆઇ ચેતનસિંહ વી. ચુડાસમા સહિતે ગુનો દાખલ કરી આરોપીને હસ્તગત કરી લીધો છે. વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર નિલેશ્વરીબા અને યોગેશ વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક થયા બાદ બંને વચ્ચે ઓળખાણ અને પ્રેમ થતાં પ્રેમલગ્ન કર્યા હતાં. પણ હવે યોગેશ સતત હેરાન કરતો હોઇ તેણી ચાર દિવસ પહેલા તેનું ઘર છોડી બહેનપણીને ત્યાં જતી રહેતાં તેને શોધી લઇ છરીના દસથી બાર ઘા ઝીંકી ક્રુરતાથી હત્યા કરી હતી. પોલીસે તેને સકંજામાં લીધો છે. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની રાહબરીમાં થોરાળા પોલીસની ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.૫)
(2:10 PM IST)










