<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

રાજકોટમાં એચડીએફસી બેંકમાં ૫૦૪ નંગ બનાવટી નોટો ઘુસાડાયાની પોલીસ ફરિયાદ

૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ની નકલી નોટો ભરણામાં મળી આવી: ભક્તિનગર પોલીસમાં ગુનો દાખલ થયો

​રાજકોટ: શહેરમાં વર્ષોથી ચાલતા નકલી નોટોના ચલણની પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. શહેરનીએચડીએફસી બેંકની ભક્તિનગર સર્કલ ખાતે આવેલી કરન્સી ચેસ્ટ શાખામાં ગ્રાહકો દ્વારા કુલ ૫૦૪ નંગ બનાવટી નોટો ઘુસાડી દેવાયાની ચોંકાવનારી ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવટી નાણાંનું પગેરું શોધવા માટે તપાસની જવાબદારી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ને સોંપવામાં આવી છે.

​બેંક દ્વારા પોલીસને અપાયેલી ફરિયાદ મુજબ, એપ્રિલ-૨૦૨૫ થી ઓક્ટોબર-૨૦૨૫ના લાંબા સમયગાળા દરમિયાન આ બનાવટી નોટો અસલી નોટોની સાથે બેંકમાં જમા કરાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ કુલ ૫૦૪ નકલી નોટોમાં વિવિધ દરની નોટોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ૫૦૦ના દરની ૨૦૫ નંગ નોટો હતી, જ્યારે ૨૦૦ના દરની ૧૫૧ નંગ, ૧૦૦ના દરની ૧૨૩ નંગ અને ૫૦ના દરની ૨૦ નંગ બનાવટી નોટોનો જથ્થો પકડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૫૦૦ના દરની સૌથી વધુ ૨૦૫ નંગ નકલી નોટો બેંકના વ્યવહારમાં સામેલ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે મોટા દરની નોટો દ્વારા જ નકલી નાણું બજારમાં ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા.

​આ મામલે બેંક દ્વારા નાણાં જમા કરાવનાર અજાણ્યા ગ્રાહકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૭૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, ગંભીર બાબત એ છે કે નકલી નોટો ઘુસાડવામાં આવ્યા બાદ તુરંત પગલાં લેવાને બદલે દિવસો કે મહિનાઓ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો નકલી નોટ ભરાય તે જ વખતે ફરિયાદ અથવા જાણ થઈ શકે તો, નકલી નોટ લાવનારને પકડવા માટે તુરંત કાર્યવાહી થઈ શકે છે. પરંતુ, આ કિસ્સામાં મોડી ફરિયાદ થતાં, આરોપીઓને શોધી કાઢવા અને આ સમગ્ર નેટવર્કનું પગેરું મેળવવું એ એસ.ઓ.જી. માટે મોટો પડકાર બની રહેશે. હાલમાં એસ.ઓ.જી. દ્વારા બેંકના સીસીટીવી ફૂટેજ અને નાણાં જમા કરાવનાર ગ્રાહકોની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:08 AM IST)