<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

અમિત ખૂંટ આપઘાત પ્રકરણે કલમ ર૩૧ નો ઉમેરો કરવાની અરજી થતા ગોંડલ તાલુકા પોલીસને કોર્ટની નોટીસ

આજીવન કેદની સજાને પાત્ર ગુનામાં ખોટી ફરીયાદના આધારે કોઇને સંડોવી દેવા તે ગંભીર ગુનો ગણાય : ર૦ મીએ વધુ સુનાવણી થશે

 

અમદાવાદઃ સૌરાષ્‍ટ્રના ગોંડલના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં ચાલતા અમિત ખૂંટ આત્‍મહત્‍યા/મૃત્‍યુ પ્રકરણમાં સરકારી વકીલો દ્વારા મહત્‍વની અરજી કરવામાં આવી છે.

આરોપીઓએ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે મૃતક વિરુદ્ધ રાજકોટમાં દુષ્‍કર્મ અને પોક્‍સો હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હતી. આથી, આજીવન કેદની સજાપાત્ર ગુનામાં કોઈને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કરવા બદલ આરોપીઓ સામે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૨૩૧ ઉમેરવા કોર્ટને વિનંતી કરવામાં આવી છે.

ગોંડલ પંથકમાં ચકચાર જગાવનાર અમિત ઉર્ફે રાજેશ દામજીભાઈ ખૂંટના મૃત્‍યુ પ્રકરણમાં ગોંડલની નામદાર સેશન્‍સ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એક નવો વળાંક આવ્‍યો છે.

આ કેસમાં સરકારી પક્ષે સ્‍પેશિયલ પબ્‍લિક પ્રોસિક્‍યુટર (Special PP) શ્રી ચેતન કે. શાહ અને આસિસ્‍ટન્‍ટ સ્‍પેશિયલ પી.પી. શ્રી હિરેન એ. પટેલે કોર્ટમાં એક લેખિત અરજી આપી આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગંભીર કલમ ઉમેરવા માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો? ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્‍ટર નંબર ૧૧૨૧૩૦૧૬૨૫૦૩૧૪/૨૦૨૫ અન્‍વયે હાલ સેશન્‍સ કેસ નં. ૩૧/૨૦૨૫ ચાલી રહ્યો છે. આ કામના મુખ્‍ય આરોપીઓ પૂજાબેન જીતેન્‍દ્રભાઈ રાજગોર, સંજયભાઈ હેમંતભાઈ પંડીત અને દિનેશભાઈ પાલાભાઈ પાતર જામીન ઉપર છે.

સરકારી વકીલોએ કોર્ટનું ધ્‍યાન દોર્યું હતું કે, આ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં મૃતક અમિત ખૂંટને બ્‍લેકમેલ કરવા અને ફસાવવાના ઇરાદે ગત તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના ‘એ' ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ખોટી ફરિયાદમાં મૃતક વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૬૪(એ) (બળાત્‍કાર) અને પોક્‍સો એક્‍ટની કલમ ૪ અને ૮ હેઠળ ગંભીર આરોપો મૂકવામાં આવ્‍યા હતા.

કાયદાકીય દલીલ : સરકારી વકીલોએ દલીલ કરી હતી કે, આરોપીઓએ મૃતક સામે જે ખોટી ફરિયાદ કરાવી હતી, તેમાં જો ગુનો સાબિત થાય તો ‘આજીવન કેદ' સુધીની સજાની જોગવાઈ છે. ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૩૧ મુજબ, જો કોઈ વ્‍યક્‍તિ અન્‍ય વ્‍યક્‍તિને આજીવન કેદની સજા થાય તેવા ગુનામાં ફસાવવાના ઈરાદે ખોટા પુરાવા આપે કે ઊભા કરે, તો તે પણ તેટલી જ સજાને પાત્ર બને છે.

આથી, આરોપીઓએ કાવતરું રચીને મૃતક સામે ખોટી ફરિયાદ નોંધાવી હોવાથી, હાલના કેસમાં ચાર્જફ્રેમ (તહોમત) નક્કી કરતા પહેલાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૨૩૧ નો ઉમેરો કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

અન્‍ય આરોપીઓ સામે પણ તપાસ જારી

ઉલ્‍લેખનીય છે કે આ ગુનામાં અન્‍ય હાઈ-પ્રોફાઈલ આરોપીઓ અનિરુદ્ધસિહ મહિપતસિહ જાડેજા અને અતાઉલ બદરૂદીન મણીયાર વિરુદ્ધની કાર્યવાહી મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં પેન્‍ડિંગ છે, જ્‍યારે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરીનો કેસ જુવેનાઈલ બોર્ડમાં ચાલી રહ્યો છે.

હાઇકોર્ટ આ અરજી ઉપર ગોંડલ તાલુકા પોલીસને જવાબ આપવા નોટીસ ઇસ્‍યુ કરી તા. ર૦ મી ઉપર સુનાવણી મુલત્‍વી રાખી છે. આ કામમાં સરકાર પક્ષે સ્‍પે.પી.પી. ચેતનભાઇ શાહ અને હિરેનભાઇ પટેલ રોકાયા છે. (૯.૩પ)

 

(4:26 PM IST)