News of Friday, 5th December 2025
ઇન્ડિગો એરલાઇન્સના સંચાલનમાં સતત ત્રીજા દિવસે અંધાધૂંધી... રાજકોટ એરપોર્ટ પરથી આજે ઇન્ડિગોની ૮ ફલાઇટ કેન્સલ
અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગો વિરૂધ્ધ નારા : વડોદરા- અમદાવાદ- સૂરતમાં પણ આજ હાલતઃ રાજકોટના એક પેસેન્જરે કહયું ફલાઇટને કારણે હનીમૂન રદ થતા ૮૦ હજારની નુકશાની

રાજકોટ તા.પઃ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ થઈ છે. હાલ એર ઇન્ડિયાની મુંબઈની ૨ અને દિલ્હીની ૧ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, મૂસાફરોમાં ભારે હોબાળો મચી ગયો છે.
રાજકોટ એરપોર્ટ પરથી ૮.૦૫ વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત ૯.૦૦ વાગ્યાની મુંબઈ, ૧૨.૦૫ વાગ્યાની ગોવા, ૩.૫૫ વાગ્યાની હૈદરાબાદ, ૪.૧૫ વાગ્યાની બેંગલુરુ, ૪.૫૫ વાગ્યાની મુંબઈ, ૫.૫૫ વાગ્યાની દિલ્હી, ૭.૫૫ વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.બીજી બાજુ વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ ૨ ફ્લાઇટ રદ કરાઈ હતી અને ૨ ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આજની એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા ૧૩:૪૫ વાગ્યે પહોંચશે અને ૧૫:૦૫ વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે. એકાએક ફ્લાઈટો રદ થતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરત એરપોર્ટ પર પણ ઈન્ડિગોની ફ્લાઈટના કોઈ ઠેકાણા નથી. અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટ ડિલે થતાં એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ ‘ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. આ સાથે જ સમસ્યા અંગે મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરી હતી. થોડીવાર માટે એરપોર્ટ પર માહોલ તંગ બન્યો હતો.મુસાફરોને અગાઉથી જાણ કરાતા તો એરપોર્ટ સુધીનો ધક્કો બચે! રાજકોટથી ૩૬ કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે, મેડિકલ ઈમર્જન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક મુસાફરે જણાવેલ કે અમને કહેવામાં આવ્યું કે ફ્લાઈટ રાત્રે એક વાગે ઉપડશે, પછી અમને કહ્યું કે સવારે ચાર વાગે ઉપડશે, પછી કહ્યું કે, ફ્લાઇટ આઠ વાગે ઉપડશે, પછી સવારે ૯:૧૫ વાગેનો ટાઈમ આપ્યો, પછી છેલ્લી ઘડીએ કહ્યું કે, ફ્લાઈટ કેન્સલ થઈ છે, મારો દીકરો હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો, ટિકિટો કેન્સલ થતા મને ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા નુકસાન છે. ત્યારબાદ ૧૨ તારીખે તેની કેનેડાની રીટર્ન ટિકિટ છે. પરંતુ indigoએ ટિકિટ કેન્સલ કરતા મારા દીકરાનો ગોવા હનીમૂન માટે જવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો છે.(૨.૧૭)
(3:08 PM IST)










