તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
કાલાવડ રોડની પંજાબ ઓટોમાબાઇલ્સ કંપની સાથે કેશીયર કંચનબેનની ૨૮ લાખની ઉચાપત
૨૦૦૯થી નોકરી કરતાં ત્રિવેણીનગરના મહિલાએ ગ્રાહકો પાસેથી રોકડેથી મળતી રકમ હિસાબી ચોપડે ન દર્શાવી અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાનો આરોપઃ સર્વિસ મેનેજર ભાર્ગવભાઇ પરમારની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૫: રાજકોટ તા. ૫: શહેના કાલાવડ રોડ પર આવેલી પ્રતિષ્ઠીત ઓટોમોબાઇલ્સ કંપની પંજાબ ઓટોમોબાઇલ્સની કાલાવડ રોડ શાખામાં ફરજ બજાવતા એક મહિલા કેશિયર સામે રૂપિયા ૨૮,૦૩,૯૧૯ની રકમની ઉચાપત કરવાની ફરિયાદ દાખલ થઇ છે. મહિલા કેશિયરે નવેમ્બર-૨૦૨૪થી જુલાઈ-૨૦૨૫ દરમિયાન ગ્રાહકો પાસેથી રોકડેથી મળેલી રકમ હિસાબી ચોપડે ન દર્શાવી અંગત વપરાશમાં વાપરી નાંખી હોવાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોમેશ્વર પ્લોટ શેરી નં. ૮ માતૃછાયા ખાતે રહેતાં ભાર્ગવભાઇ કાંતિલાલ પરમાર (ઉ.વ.૩૪) નામના યુવાનની ફરિયાદ પરથી કંચનબેન ઉકાભાઇ સોલંકી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભાર્ગવભાઇ પરમારે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વર્ષ ૨૦૧૮થી કાલાવડ રોડ જી.ટી. જશેઠ સ્કૂલ સામે પંજાબ ઓટો મોબાઇલ્સમાં સર્વિસ મેનેજર તરીકે ફરજ બજાવુ છું. અમારા શો રૂમમાં આવતાં ગ્રાહકોના હોન્ડા કંપનીના વાહનોની સર્વિસ અંગેની તમામ કામગીરી મારી ફરજમાં આવે છે. ગ્રાહકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ કરવાની કામગીરી પણ મારે કરવાની હોય છે.
ભાર્ગવભાઇએ વધુમાં જણાવ્યું છે કે અમારી પંજાબ ઓટો મોબાઇલ્સ પેઢીની મુખ્ય બ્રાંચ અમદાવાદ ખાતે છે. અમારી કંપનીમાં કંચનબેન ઉકાભાઇ સોલંકી જે એચજે દોશી હોસ્પિટલ પાસે ગુરૂપ્રસાદ ચોકમાં ત્રિવેણીનગર ખાતે રહે છે તે વર્ષ ૨૦૧૯થી કેશીયર તરીકે નોકરીમાં જોડાયા હતાં. તેણીનો પ્રોવીડન્ટ ફંડ પણ અમારી કંપનીમાં સમયસર કપાત થાય છે.
કંચનબેન કાલાવડ રોડની અમારી બ્રાંચમાં વર્ષોથી નોકરી કરતાં હોઇ તેણીને વર્ષ-૨૦૧૧થી કેશીયર તરીકેની જવાબદારી સોંપાઇ હતી. ગ્રાહકો પોતાના વાહનો સર્વિસમાં મુકવા આવે ત્યારે શો રૂમમાં બેસતાં એડવાઇઝર દ્વારા ગ્રાહકોનું જોબકાર્ડ ભરવામાં આવે છે. તેમાં ગ્રાહકની સહી લઇ ફલોર સુપરવાઇઝરને સોંપાય છે. ફલોર સુપરવાઇઝર જોબકાર્ડ આધારે મિકેનીક સુપરવાઇઝર પાસે ગ્રાહકની ગાડીમાં જોબકાર્ડ મુજબનું કામ કરાવી તેમાં સ્પેર પાર્ટસ, મજુરીનો ચાર્જ ઉમેરી જોબકાર્ડ અને ગ્રાહકના વાહનની ગાડીની ચાવી વર્કશોક કેશીયર કંચનબેન સોલંકી પાસે જમા કરાવે છે. પછી જ્યારે ગ્રાહક પોતાનું વાહન લેવા આવે ત્યારે કંચનબેન સોલંકી જોબકાર્ડ મુજબનો ચાર્જ ગ્રાહક પાસેથી રોકડમાં લઇ ગ્રાહકની સહી લઇ બીલ આપે છે.
આ ઉપરાંત રાજકોટની અન્ય બે શાખાઓ આમ્રપાલી અને બ્રહ્મસમાજ ચોકના રોજેરોજના હિસાબો અને જોબ કાર્ડ પણ તેમની પાસે જમા થતા હતા. આ ગ્રાહકોના તમામ બિલ સૌપ્રથમ હોન્ડા કંપનીના હાઈરાઈસોફ્ટવેરમાં એન્ટ્રી થયા બાદ, તેને પંજાબ ઓટોમોબાઇલ્સના આંતરિક એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં દાખલ કરવાની અને ત્રણેય શાખાની કુલ રકમ બીજા દિવસે આઇસીઆઇસીઆઇ બેંકમાં જમા કરાવવાની જવાબદારી કંચનબેનની હતી.
દરમિયાન અમારી કંપનીના શો રૂમમાં વર્ષ-૨૦૨૪માં ચાર પાંચ મહિના રીનોવેશનનું કામ ચાલુ હોઇ જેથી ફાયનાન્સીયલ ઓડિટ થયું નહોતું. અમદાવાદ ખાતે હેડ ઓફિસના એકાઉન્ટન્ટ દ્વારા ઓગષ્ટ-૨૦૨૫માં રાજકોટ બ્રાંચનો હિસાબ ચેક કરવામાં આવતાં ઉચાપત થયાનું સામે આવ્યું હતું. હિસાબ ચેક થતા કંચનબેન સોલંકીએ માહે-નવેમ્બર/૨૦૨૪ થી માહે-જુલાઇ/૨૦૨૫ સુધીમાં રૂ.૨૮,૦૩,૯૧૯ની રકમના જે બીલોની એન્ટ્રી હાઈરાઈ સોફ્ટવેરમાં થઈ ચૂકી હતી, તે તમામ બીલોની અન્ય સોફ્ટવેરમાં એન્ટ્રી કરી નહોતી અને તે રકમ બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાંખી હોવાનું ખુલ્યું હતું. આથી હવે તેણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનું કંપનીએ નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ભાર્ગવભાઇએ કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોેહાણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કંચનબેન સાથે અન્ય કોઇની આ ઉચાપતમાં સંડોવણી છે કે કેમ? તેની પણ તપાસ થશે
(1:01 PM IST)










