તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
આજે તો તારુ મર્ડર કરી નાંખવું છે...ભગવતી સોસાયટીના નફીસાબેન મોદીને પાડોશી પિતા-પુત્રની ખૂનની ધમકી
વૃધ્ધ માતા અને શારીરિક રીતે અક્ષમ ભાઇ સાથે રહેતાં મહિલાને પાડોશી કાદર ચોપડા અને ફારૂક ચોપડા લાંબા સમયથી હેરાન કરતાં હોવાનો આરોપઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: દૂધની ડેરી પાસે વૃધ્ધ માતા અને શારીરિક અશકત ભાઇ સાથે રહેતાં મહિલાને પાડોશમાં રહેતાં પિતા-પુત્ર અવાર-નવાર હેરાન કરતાં હોઇ અને મારી નાખવાની ધમકી આપતાં હોઇ કંટાળીને તેણીએ પોલીસને જાણ કરી છે. આ બનાવમાં થોરાળા પોલીસે દૂધની ડેરી પાસે ભગવતી સોસાયટી-૧માં હૈદરી ચોક ખાતે રહેતાં નફીસાબેન કરીમભાઇ મોદી-પીંજારા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં કાદરભાઇ હૈદરભાઇ ચોપડા અને તેના પુત્ર ફારૂક કાદરભાઇ ચોપડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નફીસાબેન પરિવાર સાથે રહે છે. તેની સાથે માતા હવાબેન, ભાઇ કાદરભાઇ છે. માતા વયોવૃધ્ધ છે અને ભાઇ શારીરિક રીતે સક્ષમ નથી અને બોલી પણ શકતા નથી. બીજા ભાઇ મહમદહુશેનભાઇ ન્યુ સાગર સોસાયટી પાસે જંગલેશ્વરમાં તેના પરિવાર સાથે રહે છે. તેણીએ વધુમાં જણાવ્યું છે કે તા. ૭/૧૧ના રોજ હું ઘરે હતી ત્યારે પાડોશી કાદરભાઇ ચોપડા અને તેના દિકરા ફારૂકે મને અને મારા માતાને શેરીમાં જેમતેમ ગાળો દેતાં હું બહાર નીકળી હતી અને ગાળો બોલવાની ના પાડી હતી.
આ વખતે ફારૂકે હું તને જોઇ લઇશ તું વિચારી પણ નહિ શકે તેવા તારા હાલ કરી નાંખીશ તેમ કહી ઇંટ ઉપાડી હતી. જ્યારે કાદરભાઇએ તારુ તો આજે મર્ડર કરી નાંખવું છે અને તારો ભેજો કાઢી નાખીશ તેવી ધમકી આપી હતી. આ પછી તે તેના ઘરમાં જતાં રહ્યા હતાં. આ લોકો મને અને મારા પરિવારને આ રીતે અવાર-નવાર હેરાન પરેશાન કરે છે અને ઘણીવાર મારા ઘરમાં તેની ઘરની અગાસી પરથી ઇંટના આડેધડ ઘા કરે છે. પણ હું એકલી હોઉ હું ફરિયાદ કરવાનું ટાળતી હતી.મારા ભાઇ મહમદહુશેનભાઇને બોલાવતાં તે આ લકોને સમજાવતાં હતાં. પરંતુ હજુ પણ પાડોશી પિતાઅપુત્ર મને સતત હેરાન કરતાં હોઇ અને અમારું મકાન આપી દેવાનું કહેતાં હોઇ તેમજ આ લોકો રેકડીનો ધંધો કરતાં હોઇ રેંકડીઓ અમને નડે એ રીતે અમારા ઘર પાસે રાખી દેતાં હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં નફીસાબેને કહેતાં થોરાળા પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. એ. ડી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:59 PM IST)










