<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

આંગણવાડી બહેનોને ગુજરાતના બાળકોના વિકાસના કાર્યમાં માતા યશોદા બની જોડાવાની તકઃ ર૩૩૬ને ઓર્ડરો અપાયા

મુખ્‍યમંત્રીના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણઃ રાજકોટ ઝોનના કાર્યક્રમમાં પુરવઠા મંત્રી રમણભાઇ ખાસ હાજર

રાજકોટઃતા.૪,  આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો આપવાના રાજયવ્‍યાપી કાર્યક્રમની શૃંખલા અન્‍વયે રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના કાર્યક્રમમાં ૨૩૩૬ આંગણવાડી બહેનોને અન્ન અને નાગરિક પુરવઠો તથા  ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા આમંત્રિતોના હસ્‍તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા.

નિમણુક મેળવનાર તમામ બહેનોને શુભકામનાઓ પાઠવતાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્‍યું હતું કે, આજે નિમણુક મેળવનાર તમામ બહેનોએ માતા યશોદા બનીને ગુજરાતના બાળકોના વિકાસ માટેના સૌથી મહત્‍વના કાર્યમાં જોડાવાનું છે. આજે ૯ હજાર બહેનો આખા ગુજરાતમાં અને ૨૩૦૦ થી વધુ બહેનો સૌરાષ્ટ્ર ઝોનમાં સેવામાં જોડાઈ રહી છે, તે ખુબ જ આનંદની વાત છે. આ તમામ બહેનોની ભરતી પ્રક્રીયા તેમની લાયકાતને ધ્‍યાને રાખીને સંપૂર્ણ પારદર્શક રીતે ઓનલાઈન કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સમાજજીવનના મહત્‍વના કાર્યોમાં જોડાઈને બાળકને જીવનનો નવો વિચાર આપીને તેને કેળવવાનુ કાર્ય કરશે.

આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે, આંગણવાડીમાં આજથી જોડાનાર તમામ બહેનો માતા યશોદાનો દરજ્જો ધરાવે છે. બાળકો માનો ખોળો છોડીને આંગણવાડી બહેનોના ખોળામાં જાય છે અને ત્‍યાંથી શિક્ષણની આંગળી પકડીને આગળ વધે છે, ત્‍યારે આ બાળકોને રાજયના વિકાસ પથ પર પ્રેરિત કરવાની જવાબદારી યોગ્‍ય રીતે નિભાવવા ભાનુબેને નવનિયુક્‍ત આંગણવાડી બહેનોને અનુરોધ કર્યો હતો.

કલેક્‍ટર શ્રી ઓમપ્રકાશે સ્‍વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપતા નિમણૂક પત્ર મેળવનાર આંગણવાડી બહેનોને શુભેચ્‍છાઓ આપી હતી. રાજકોટ ઝોનના ૧૨ જિલ્લા તથા ૩ મહાનગરપાલિકાના કુલ ૨૩૩૬ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને આજના કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્‍તે નિમણૂકપત્રો અપાયા હતા.

મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું, જયાં રાજયભરના અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટના ૪ ઝોનના ૯ હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા હતા.

કાર્યક્રમમાં મેયર  નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ  પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્‍ય સર્વે શ્રી ભાનુબેન બાબરીયા,  દર્શિતાબેન શાહ  મહેન્‍દ્ર પાડલીયા,  મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન  કંચનબેન બગડા, મ્‍યુનિસિપલ કમિશ્‍નર  તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્‍ટર  એ.કે. ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી   પ્રિયંક ગલચર, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, આઈ.સી.ડી. એસ.વિભાગના નાયબ નિયામક   પૂર્વી પંચાલ,પ્રોગ્રામ ઓફિસર  જનકસિંહ ગોહિલ, શારદાબેન દેસાઈ,  દશરથભાઈ પંડ્‍યા, ચેતન સોજીત્રા તથા મોટી સંખ્‍યામાં આંગણવાડી બહેનો ઉપસ્‍થિત રહી હતી.(

(4:35 PM IST)