તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
દેશમાં ૨૪ કલાક વિજળી મળે તે માટે પાવર સેકટરના ૧૦ IAS અને IPS ઓફીસરોને ફ્રાન્સ- જર્મની- બેલ્જિયમ મોકલાયા
હવે કેન્દ્ર- રાજય સરકારને રીપોર્ટ અપાશેઃ પીજીવીસીએલ દ્વારા ૪ લાખ સ્માર્ટમીટર લગાવી દિધા... ખાસ કરીને અન્ડર ગ્રાઉન્ડ કેબલ- સ્માર્ટ મીટરનો અભ્યાસઃ રાજકોટ વીજતંત્રના એમ.ડી. કેતન જોષીની પસંદગી

રાજકોટ તા.૪: દેશમાં અવિરત વીજ પુરવઠો મળતો રહે અને આધુનિક સિસ્ટમથી કઈ રીતે લોકોને ફાયદો અપાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના પાવર સેક્ટરના ૧૦ IAS અને IPS ને ઇન્ટરનેશનલ સ્ટડી માટે ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ મોકલવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છના ૬૨ લાખથી વધુ પ્રિમાઇસિસમાં વીજ પુરવઠો પૂરો પાડતા PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીની પસંદગી થતા તેઓ પણ ત્યાં અભ્યાસ માટે પહોંચ્યા હતા.
રાજકોટ પરત ફર્યા બાદ તેમણે જણાવેલ કે, પેરિસમાં અદ્યતન અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગથી લોકોને અવિરત વીજ પુરવઠો મળતો રહે છે અને પાવર ટ્રિપીંગની સમસ્યા ઝીરો છે. આ સાથે જ યુરોપમાં વર્ષ ૨૦૧૫માં જ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ જતા હવે આ આધુનિક સિસ્ટમના ફાયદાઓ ત્યાંના લોકો લઈ રહ્યા છે.
આ ઉપરાંત યુરોપમાં વર્ષ ૨૦૧૫માં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા. તેના ડેટા એનાલિસીસ પરથી ગ્રાહકોને કેટલો ફાયદો થાય છે ? તેના વોલ્ટેજના ફ્લ્યુચ્યુએશનથી લઈને લાઈટની કમ્પ્લેનની સ્માર્ટ મીટર દ્વારા જ ખબર પડી જાય છે. જેથી સ્માર્ટ મીટર થી કયા કયા પ્રકારના ફાયદા ગ્રાહકોને થાય છે તેની પણ સમજુતી મેળવી હતી. આ ઉપરાંત કોલ સેન્ટર કેટલા આધુનિક અને અદ્યતન છે તે અમે સ્થળ મુલાકાત દરમિયાન નિહાળ્યું હતુ. આ સાથે જ અત્યારનો નવો ટ્રેન્ડ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ર્ચાજિંગ. જેનો પાવર લોડ કઈ રીતે હળવો કરવો તેમજ લોકોને કઈ રીતે સુવિધા આપવી તે અંગે સમજૂતી મેળવી હતી.
PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા RDSS સ્કીમ અંતર્ગત દરેક રાજ્ય સરકાર પાસેથી પાવર સેક્ટરના એક - એક અધિકારીનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતુ. જેઓને ઇન્ટરનેશનલ સ્ટડી ઉપર મોકલવાનું રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા નિયત કરાયું હતુ. જેમાં ગુજરાત સરકાર તરફથી મારું નોમિનેશન થતા ભારત સરકારના ૧૦ IAS અને IPS ને ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ પાવર સેક્ટરના અલગ અલગ વિભાગોના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યુ હતું કે, પેરિસમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ આધુનિક અને અદ્યતન છે. ૩૫ સ્ક્વેર કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એરિયામાં એક પણ ભાગ એવો ન હતો કે જેમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ થયેલુ ન હોય. પૂરૂ શહેર અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ સાથે સજ્જ હતુ. જેના બે ફાયદા થતા હતા કે ત્યાં ટ્રિપિંગ બંધ થઈ જતું હતુ અને અવિરત પાવર સપ્લાય મળી રહેતું હતુ.
તેમણે જણાવ્યું હતું કે, PGVCL દ્વારા ૪ લાખ પ્રિમાઇસિસમાં સ્માર્ટ મીટર લાગી ચૂકયા છે. આ ઉપરાંત બીજા તબક્કાનું MoU થઈ ગયું છે. જે અંતર્ગત ૧૫ દિવસમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તમામ સરકારી બિલ્ડીંગોમાં ૧૦૦ ટકા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. હવે સરકારી આવાસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
આ ઉપરાંત અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ અંગે જણાવ્યું હતું કે PGVCL ના ૧૨ સર્કલમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કરાવ્યું છે. હાલમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે સમગ્ર ગાંધીધામને આવરી લેતા અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેકટ ચાલૂ છે
(4:09 PM IST)










