News of Thursday, 4th December 2025
રંગીલા સેવા સમિતિ અને જલારામ મિત્ર મંડળ દ્વારા રવિવારે સમુહલગ્ન : ૭ યુગલો જોડાશે

રાજકોટ તા. ૪ : રંગીલા સેવા સમિતિ અને જલારામ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૭ ના રવિવારે સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે હસનવાડી વિસ્તાર વિસ્તારને કાયમી જીવંત રાખવા આ સમિતિ દ્વારા સમુહલગ્ન, કથા, લોકડાયરો, રાંદલ માતાજીના સમુહલોટા, હસાયરો, દર માસની પુનમે બટુક ભોજન, વાર તહેવારે ફરસાણ વિતરણ, ચોપડા વિતરણ જેવા આયોજનો કરવામાં આવે છે.
તેના ભાગરૂપે આગામી તા. ૭ ના રવિવારે શ્રી રંગીલા હનુમાનજીના પટાંગણમાં હસનવાડી શેરી નં. ર, બજરંગ ચોક, રાજકોટ-ર ખાતે સમુહલગ્ન યોજેલ છે. જેમાં ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. જાન આગમન સવારે ૮.૧૫ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦.૧૫ કલાકે, ભોજન સમારોહ બપોરે ૧૧.૧૫ કલાકે અને જાન વિદાય બપોરે ૨.૧૫ વાગ્યે રાખેલ છે.
દાતાઓના સહયોગથી આ દીકરીઓને સોનાની ચુક, કબાટ, પલંગ, ખુરશી સહીત ૧૬૫ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.
સમુહલગ્નના મુખ્ય આચાર્ય તરીકે શુભમઅદા સેવા આપશે. સમગ્ર રાજકોટની જનતાએ દીકરીઓને આશીર્વાદ આપવા પધારવા રંગીલા સેવા સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રંગીલા સેવા સમિતિના પ્રમુખ કાનાભાઇ ડાભી (મો.૯૮૯૮૬ ૮૭૦૬૭), ઉપપ્રમુખ અંકુરભાઇ મનાણી, મંત્રી અજયભાઇ સીતાપરા, જલારામ મિત્ર મંડળના પ્રમુખ અજયભાઇ વડેરા, ઉપપ્રમુખ પ્રિયંકભાઇ તન્ના, મંત્રી તુષારભાઇ પતિરા, વીકીભાઇ વડેરા, મહંતશ્રી દિનુભાઇ ગોસાઇ, દક્ષાબેન વાડોદરીયા, છાયાબેન લાલભાઇ ડાભી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રંગીલા સેવા સમિતિ અને જલારામ મિત્ર મંડળના આગેવાનો નજરે પડે છે.
(4:01 PM IST)










