News of Thursday, 4th December 2025
પરિવારજનો સાયપર બનેવીની પાણીઢોળ વિધીમાં ગયા અને ઘરે ચોર ત્રાટક્યા
કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યોઃ તસ્કરો કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના, ૧.૩૫ લાખની રોકડ ચોરી ગયાઃ ડી. સ્ટાફ, એલસીબી અને ડીસીબીની ટીમો કામે લાગી

રાજકોટ તા. ૪: રાજકોટના કુવાડવા તાબેના તરઘડીયા ગામે રહેતાં ખેડુતના ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે. ખેડુત પોતાના બનોવીનું અવસાન થયું હોઇ જેથી નજીકના સાયપર ગામે પાણીઢોળ વિધીમાં હાજરી આપવા પરિવાર સાથે ગયા હતાં. આ દરમિયાન રેઢા ઘરમાં ત્રાટકી તસ્કરો રોકડ, દાગીના મળી કુલ રૂા. ૬,૭૪,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં તરઘડીયા ગામે રહેતાં રઘુભાઇ જાગાભાઇ ઝાપડા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રઘુભાઇ ઝાપડા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે હું મારા પત્નિ ભાનુબેન સહિતના પરિવાર સાથે રહુ છું. મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તા. ૩/૧૨ના બુધવારે સવારે સાડા નવેક વાગ્યે હું પરિવાર સાથે અમારા ઘરની ઓસરીને લોખંડની જાળીને તાળુ મારીને સાયપર ગામે મારા બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોઇ તેમની પાણીઢોળ વિધીમાં હાજરી આપવા માટે ગયો હતો.
બપોરે અઢી વાગ્યે પાણીઢોળ વિધી પુરી થતાં મારા દિકરા વિપુલભાઇના પત્નિ રાધાબેન અને બીજા સગા સંબંધીની મહિલાઓ અમારા ગામ જવા માટે રવાના થઇ હતી. હું હજુ સાયપર ગામે જ હતો અને થોડીવાર બાદ તરઘડીયા જવાનું હતું. આ દરમિયાન ત્રણેક વાગ્યે મારા પુત્રવધુ રાધાબેન વિપુલભાઇનો મને અમારા સગાના ફોનમાંથી ફોન આવ્યો હતો અને અમારા ઘરની ઓસરીની જાળીનું તાળુ તુટેલુ છે તેવી જાણ કરી હતી.
તેમજ રૂમના બંને કબાટમાંથી બધો સામાન બહાર વેરવિખેર પડયો હોવાનું કહેતાં હું, મારા પત્નિ સહિતના તત્કાળ પહોંચ્યા હતાં. અમે ઘરમાં તપાસ કરતાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતી. તસ્કરો કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડી, કાનની સર ત્રણ તોલાની, ગળામાં પહેરવાનો ફુલહાર ચાર તોલાનો, ગળામાં પહેરવાની સોનાની બરધલી એક તોલાની, નાકના દાણા ચાર, કાનની કડી, સોનાનું ઓમકાર ગાયબ હતાં. આ ઉપરાંત ચાંદીનુ કડુ પ૦૦ ગ્રામનું, પોૈત્રક કૃણાલના હાથમાં પહેરવાના કડા બે ચાંદીના ૧૦૦ ગ્રામના, પગમાં પહેરવાના પગપાળા બે નંગ, કમર જુડો, કબાટમાં રાખેલા રૂા. ૧,૩૫,૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૬,૭૪,૦૦૦ની માલમત્તાની ચોરી થયાનું જણાતાં અમે તુરત ૧૧૨ નંબરમાં જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજયા સહિતના સ્ટાફે પહોંચી ડોગ સ્ક્વોડ ફિંગરપ્રીન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ શરૂ કરી હતી. પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
(1:52 PM IST)










