તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
લાલપરીની પરિણીતા સોનલબેન સોલંકીનું ગોંડલ ચોકડી પાસે ડમ્પરની ઠોકરે મોત
પિતાના ઘરેથી પરત આવતી હતી ત્યારે રસ્તો ઓળંગતી વખતે બનાવ

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ ચોકડીએ પગપાળા જઇ રહેલી પરિણીતાનું ડમ્પરની ઠોકરે ચડી જતાં મોત થયું છે. આજી વસાહતમાં રહેતા પિતાના ઘરેથી પગપાળા પોતાના ઘેર પરત ફરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ લાલપરી વિસ્તારમાં રહેતી સોનલબેન ભાવિનભાઈ સોલંકી (ઉ.વ.૨૨) નામની પરિણીતા આજી વસાહતમાં રહેતા તેમના પિતાના ઘરે ગઇ હતી. ત્યાંથી ગત સાંજે તેણી ચાલીને પોતાના ઘેર પરત ફરી રહી હતી ત્યારે ગોંડલ ચોકડી નજીક રસ્તો ઓળંગતી વખતે ડમ્પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર સોનલબેન મુળ ગોંડલની વતની હતી અને બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં. તેના પતિ ભાવીન સોલંકી મજુરી કરી ગુજરાન ચલાવે છે. માવતરના ઘરેથી પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)
(11:34 AM IST)










