તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
આવતીકાલથી રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પીયનશીપનો શુભારંભઃ રિહર્સલ કરાયું
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલની હાજરીમાં રીહર્સલઃ કાલે રાજ્યના પોલીસ વડા સહિતની ઉપસ્થિતીમાં થશે ઉદ્દઘાટનઃ ગુજરાત પોલીસ ટીમનું સુકાન ભગીરથસિંહ ખેરને સોંપાયું

રાજકોટઃ ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપના ૭૪માં સંસ્કરણનું રાજકોટ ખાતે આયોજન થયું હોઇ આવતીકાલ તા. ૪થી ૧૪ ડિસેમ્બર દરમિયાન હોકીના મેચો રમાશે. આ કાર્યક્રમને કાલે સવારે રાજ્ય પોલોસ વડા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. જે કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે. આ રાષ્ટ્રીય સ્તરની હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્ય પોલીસ દળો, કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરૂષ ટીમો અને ૦૮ મહિલા ટીમો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ તેમની પ્રતિભા રજૂ કરવાનો એક મહત્વનું મંચ છે. જેમનું આયોજનનું સહભાગ્ય રાજકોટ શહેર પોલીસને મળ્યું છે. જેમના માટે રેસકોર્સમાં આવેલ મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ- આધુનિક સુવિધાઓ સાથેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ રાજ્ય સ્તરની અનેક ચેમ્પિયનશિપનું યજમાન રહી ચુકેલા મેદાનમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને મેદાનોમાં શહેર પોલીસ દ્વારા ખેલાડીઓને વર્લ્ડ-કલાસ સુવિધાઓ અને તાલીમ માટેની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેલાડીઓ માટે વિશેષ આરામગૃહો, ટ્રેનિંગ ઝોન અને મેડિકલ સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. હોકી ચેમ્પિયનશીપનું કાલે ગુરૂવારે પોલીસ વડા વિકાસ સહાય સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થશે. વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી તથા પુરસ્કારો આપવામાં આવશે. આજે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલે હાજરી આપી, તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્ટેડિયમ સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, મેડિકલ અને ખેલાડીઓના રહેણાંકની વ્યવસ્થા માટે લાયઝનિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. આ હોકીની ટુર્નામેન્ટથી ચાહકોમાં રોમાંચ છવાયો છે.
હોકી ચેમ્પિયન શિપમાં ઇન્ટરનેશનલ ખિલાડીઓ પણ રમવાના હોવાથી ટુર્નામેન્ટને ચાર ચાંદ લાગશે. જેમાં ઉત્તરપ્રદેશના લલિતકુમાર ઉપાધ્યાય જેમને ટોક્યો અને પેરિસ ઓલોમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ભારતે અપાવેલ છે. પંજાબના આકાશદીપસિંઘ જેમને ૨૦૧૪ એશિયન ગેમ્સ, ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ભારતની ટીમના સભ્ય રહી મેડલ આપાવેલ છે. ઉપરાંત મનપ્રીત સિંઘ, સમશેરસિંગ અને હરમનપ્રીતસિંઘ સહિતના ખેલાડીઓ રમતા જોવા મળશે. જેઓ કોમનવેલ્થ , રીયો ઓલિમ્પિક, એશિયન ગેમ્સમાં ભારતને ચંદ્રક અપાવ્યા છે.
(3:44 PM IST)










