તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
ખોડલધામ ટ્રસ્ટ આયોજિત વૈદિક વિવાહમાં સરકારી અધિકારી યુગલે જોડાઇને સમાજને નવો રાહ ચિંધ્યો
કલાસ-ર એકાઉન્ટ ઓફીસર રવિભાઈ રમણીકભાઈ રામાણી અને કલાસ-૩ ડે.સેકશન ઓફીસર કિંજલબેન નાગજીભાઈ સાંગાણી સાદગીથી પ્રભુતામાં પગલા પાડયા : વૈદિક વિવાહના તેમના નિર્ણયને સૌએ વધાવ્યો : ખોડલધામ ટ્રસ્ટના આ નવતર વૈદિક વિવાહના પ્રકલ્પમાં અત્યાર સુધીમાં ૨૫ વિવાહ સંપન્ન : કોઇપણ જ્ઞાતિના લોકો જોડાઇ શકે છે : નોંધણી ચાલુ

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો વૈદિક વિવાહનો વિચાર આજે સમાજમાં ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. વૈદિક વિવાહની પહેલને અનુસરીને ક્લાસ-૨ અને સુપર ક્લાસ-૩ અધિકારીએ ખોડલધામ કાગવડ આયોજીત વૈદિક વિવાહમાં પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનનો શુભારંભ કર્યો હતો. આ રીતે સાદગી અપનાવી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. વરરાજા રવિભાઈ રમણીકભાઈ રામાણી કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના રતનપરના વતની છે અને હાલ અમરેલી ખાતે એકાઉન્ટ ઓફિસર (ક્લાસ-૨) તરીકે ફરજ બજાવે છે. જ્યારે કન્યા કિંજલબેન નાગજીભાઈ સાંગાણી કે જેઓ ગોંડલ તાલુકાના નાના મહિકા ગામના વતની છે અને ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (સુપર ક્લાસ-૩) તરીકે ફરજ બજાવે છે. બન્ને પરિવારો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં બન્નેના પરિવારે શ્રી ખોડલધામ આયોજિત વૈદિક વિવાહમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો. આ વૈદિક વિવાહ પ્રસંગે ઉપસ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગોમાં ખોટી હરિફાઈ ન થાય અને બિનજરૂરી ખર્ચાઓ ન થાય તે માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આપણી સંસ્કળતિ પ્રમાણે વિધિ કરવામાં આવી રહી છે. સર્વ સમાજના વધુ ને વધુ પરિવારો આ વૈદિક વિવાહનો લાભ લે તેવા અમારા ટ્રસ્ટના પ્રયત્નો છે. વૈદિક વિવાહ વિધિ કરનાર શાષાી શ્રી હિતેષભાઈ દવેએ જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કળતિમાં રહેલા ૧૬ સંસ્કારમાંથી એક વિવાહ સંસ્કાર પણ છે. જો સંસ્કળતિ પ્રમાણે વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવે તો દામ્પત્ય જીવનમાં યશ, વિજય, માન-પાન, પદ, પ્રતિષ્ઠાની પ્રાપ્તી થાય છે. કન્યા કિંજલબેન સાંગાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વિચારો અને વ્યવસ્થામાં આપણી વ્યવસ્થા બદલાઈ ગઈ છે. જ્યારે આ વૈદિક વિવાહ એક વિચાર છે. જો આ વિચાર દરેક સુધી પહોંચશે તો વ્યવસ્થા છે તે ચોક્કસ યોગ્ય થઈ જશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટનો આ ખૂબ જ સારો વિચાર છે જેનો લાભ સમાજના તમામ વર્ગે લેવો જોઈએ. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરીયાએ પણ પ્રાસંગીક વકતવ્યમાં વૈદિક વિવાહ વિષે જાણકારી આપી જણાવેલ કે આ વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદ વગર સર્વ જ્ઞાતિના પરિવારોને આવકારવામાં આવે છે. વૈદિક વિવાહ અંતર્ગત એક વર્ષમાં અત્યાર સુધી ૨૫ વિવાહ યોજાઈ ચુકયા છે. આ વૈદિક વિવાહ પ્રસંગે વર-કન્યાના આ નિર્ણયને બિરદાવવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર-કન્યાને મા ખોડલની પ્રતિમા આપી ખેસ પહેરાવીને સન્માનિત કરાયા હતા. રાજકોટ શહેરના શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી ૨૫-૨૫ લોકો ઉપસ્થિત રહી શકે છે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજાય છે. વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો જોડાઈ શકે છે. વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. બુકિંગ કરાવવા માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ, ચોથો માળ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો. ૭૪૮૬૦૨૦૮૧૦ અથવા મો.૯૭૧૨૯ ૪૭૮૯૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:14 PM IST)










