News of Wednesday, 3rd December 2025
બે વર્ષ જુના પ્રેમસંબંધના ડખ્ખામાં મૈયાભાઇ બોળીયા પર ધોકા-પાઇપથી હીચકારો હુમલોઃ પગ ભાંગી ગયા
૧૫૦ રીંગ રોડ સુખસાગરમાં રહેતાં પ્રોૈઢ બૂલેટ લઇ માલધારી ફાટકથી આગળ ગયા ત્યારે રેવા, રાજુ, બે અજાણ્યાએ આંતરી લીધા અને હુમલો કર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં પ્રોૈઢ બૂલેટ હાંરી નીકળ્યા ત્યારે કોઠારીયા રોડ માલધારી ફાટકથી સાઇબાબા સર્કલ વચ્ચે ઉન્નતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચાર શખ્સોએ આંતરી બે વર્ષ જૂના પ્રેમસંબંધની અદાવતનો ખાર રાખી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ કરાયા છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ માવધ ગેઇટ અંદર સુખસાગર શેરી નં. ૧૧માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મૈયાભાઇ પોપટભાઇ બોળીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી રેવાભાઇ ઓળકીયા, રાજુભાઇ ઓળકીયા અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મૈયાભાઇ બોળીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મંગળવારે સાંજે પોણા છએક વાગ્યે માલધારી ફાટકથી સાંઈબાબા સર્કલ તરફ જતા રોડ પર, મોમાઈ હોટલ પાસે આવેલા ઉન્નતિ એરિયામાં પોતાનું બૂલેટ હંકારીને જતાં હતાં ત્યારે રેવા ઓળકીયા, રાજુ ઓળકીયા અને બે અજાણ્યા શખ્સોએ તેનું વાહન રોકાવ્યું હતું અને ‘અહિયા કેમ રખડે છે?' કહેતાં મૈયાભાઇએ હું મારા કામથી આવ્યો છું તેમ જણાવતાં રેવા સહિતના ચારેયએ ગાળો દીધી હતી પાઇપ-ધોકાથી હુમલો કર્યો હતો. રેવાએ પગમાં પાઇપના ઘા મારી દીધા હતાં. ત્રીજો ઘા મારતાં બચવા માટે જમણો હાથ આો રાખતાં તેમાં ઇજા થઇ હતી. જ્યારે રાજુએ ધોકાથી અને અજાણ્યાઓએ ઢીકાપાટુ માર્યા હતાં.
આ હુમલાને કારણે મૈયાભાઇ પડી ગયા હતાં અને દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં ત્યારબાદ તેણે દિકરા રોહિતને જાણ કરતાં રોહિત તેના મિત્ર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૈયાભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં તબિબે રિપોર્ટ નિદાન કરતાં ડાબા પગે સાથળના ભાગે અને ગોઠથી નીચેના ભાગે ફ્રેકચર હોવાનું તથા જમણા પગે પંજાના ભાગે અને પાળ પેનીથી ઉપરના ભાગે ફ્રેકચર હોવાનું જણાયું હતું.
મૈયાભાઈએ પોલીસ સમક્ષ હુમલાનું કારણ જણાવતાં કહ્યું હતું કે-મારે બે વર્ષ પહેલા રેવાભાઇની પત્નિ સાથે પ્રેમસંબંધ હતો અને અમે મૈત્રીકરાર પણ કર્યા હતાં. આ કારણે અગાઉ ઝઘડો થયો હતો. સમાજની સમજાવટ બાદ એકાદ વર્ષ પહેલા સમાધાન થઇ ગયું હતું. પણ હવે ફરીથી રેવાભાઇ સહિતે જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરી પગ ભાંગી નાંખ્યા હતાં. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:09 PM IST)










