તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Wednesday, 3rd December 2025
લીમડા ચોકમાં ચાંદીના વેપારીને છરી બતાવી ૨ાા લાખની લૂંટઃ યુવતિ સહિત ત્રણ સકંજામાં
એ-ડિવીઝન પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે ગુનો ઉકેલ્યોઃ મોચીનગરના શીફાન પરમારને લૂંટી લેવાતાં ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૩: શહેરના લીમડા ચોક વિસ્તામાં ભરબપોરે ચાંદીના વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. ઉજજીવન બેંકમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦ ઉપાડીને બહાર નીકળેલા વેપારીને બે અજાણ્યા શખ્સે છરી બતાવી ધમકી આપી હતી, જ્યારે આ બંનેની સાથે રહેલી એક યુવતિએ રોકડ ભરેલી બેગ ઝુંટવી લીધી હતી અને ત્રણેય ભાગી ગયા હતાં. એલસીબી ઝોન-૨ અને એ-ડિવીજન પોલીસે આ ગુનો ડિટેક્ટ કરી ત્રણેયને દબોચી લીધા છે.
જાણવા મળ્યા મુજબ મોચીનગર શેરી નં.૦૬, શીતલપાર્ક, ખાતે રહેતા અને હોલસેલ ચાંદીનો વેપાર કરતા શીફાનભાઈ અર્શાદભાઈ પરમાર (ઉં.વ.૨૫)એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શીફાનભાઈ તેમના વેપારના રૂપિયા ઉપાડવા માટે તેમના ભાગીદાર હેતભાઈ પંચમીયા સાથે લીમડા ચોક પાસે આવેલ ઉજ્જીવન બેંકમાં ગયા હતા. બપોરના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ શીફાનભાઈએ પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦ ઉપાડ્યા અને તે રકમ ટયૂશન બેગમાં રાખીને બેંકમાંથી બહાર નીકળ્યા હતા.
તે બહાર આવતાં હતાં ત્યારે પાછળ-પાછળ એક અજાણી મહિલા પણ બહાર આવી હતી. તે બહાર પહોંચ્યા કે તરત જ બે અજાણ્યા શખ્સોએ તેને ઘેરી લીધા અને તેનું નામઠામ પૂછવા લાગ્યા. જ્યારે શીફાનભાઈએ તેમની ઓળખ પૂછી, ત્યારે તેમાંથી એક ઈસમે કમરના ભાગે રાખેલી છરી બતાવીને ધમકી આપીઃ ‘આ બેગ અમને આપી દે, નહીંતર અમે તને મારી નાખશુ' તેવી ધમકી આપી હતી.
આ વખતે અજાણી મહિલાએ રોકડ સાથેની બેગ ખેંચી લીધી હતી અને ત્રણેય ભાગી ગયા હતાં. આ બનાવ બાદ જ્યારે શીફાનભાઈ પાર્કિંગમાં પોતાના ભાગીદાર હેતભાઈ પાસે પહોંચ્યા ત્યારે હેતભાઈએ જણાવ્યું કે જ્યારે તું બેંકની અંદર હતો ત્યારે એક અજાણ્યો શખ્સ મારી પાસે આવ્યો હતો અને ધમકી આપી હતી કે તારી સાથેના શખ્સને બોલાવ નહિતર તને મારીશ. આથી બંને મિત્રો ડરીને ઘરે જતાં રહ્યાં હતાં અને બાદમાં ઘરે જઇ વાત કરતાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, એલસીબી ઝોન-૨ પીએસઆઇ એચ. આર. ઝાલા અને તેમની ટીમોએ આ લૂંટનો ભેદ ઉકેલી યુવતિ સહિત ત્રણને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
(4:08 PM IST)










