તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
સમસ્ત તળપદા કોળી સમાજ રાજકોટ (કતપરવાળા) દ્વારા શુક્રવારે સમુહલગ્નોત્સવ
૯ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : દીકરીઓને સોનાના દાણા, ચાંદીના સાકળા, ટી.વી. સહીતની વસ્તુ કરીયાવરમાં અપાશે

તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા તળપદા કોળી સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૩ : સમસ્ત તળપદા કોળી સમાજ રાજકોટ કતપરવાળા દ્વારા દ્વીતીય સમૂહલગ્નનું તા. ૫ ના શુક્રવારે આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૫ ના શુક્રવારે આજીડેમ ચોકડી પાસે, માંડા ડુંગર, ગોકુલ સોસાયટી ગેઇટ પાસેના મેદાનમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાઇને પ્રભુતામાં પગલા પાડશે.
જાન આગમન સવારે ૭ કલાકે, હસ્ત મેળાપ સવારે ૯.૩૦ કલાકે, ભોજન સમારોહ બપોરે ૧૧.૩૦ કલાકે અને જાન વિદાય બપોરે ર કલાકે રાખેલ છે.
દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને ચાંદીની પાયલ, વી.ટી., સોનાના દાણા, સ્માર્ટ ટી.વી., ફ્રીઝ, વોશીંગ મશીન સહીત ૨૦૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.
આ અવસરે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, મત્સ્ય વિભાગના મંત્રી પરસોતમભાઇ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશભાઇ સોલંકી, રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, રાજકોટના ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વચનો આપશે.
સમુહલગ્નની સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયુ છે. આ પ્રસંગે ૭ હજારથી વધુ લોકો ભોજન ગ્રહણ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા કાનાભાઇ શિયાળ, ધીરૂભાઇ ડી. શિયાળ, જીતેનભાઇ બાંભણીયા, મનસુખભાઇ બારૈયા, દીલીપભાઇ પરમાર, ભરતભાઇ બાંભણીયા, ગોવિંદભાઇ શિયાળ, અશ્વિનભાઇ બાંભણીયા, સાગરભાઇ શિયાળ, મનાભાઇ શિયાળ, વિજયભાઇ ઢાપા, મગનભાઇ બાંભણીયા, રવિભાઇ બારૈયા, રોહીતભાઇ ઢાપા તેમજ મહિલા મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:48 PM IST)










