<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

વાંકાનેરના વૃધ્‍ધના ૮૪ હજાર સેરવી લેનાર રિક્ષાગેંગના સંજય-હુશેનને ક્રાઇમ બ્રાંચે પકડયા

ગોંડલ ચોકડીના અરવિંદ અને શૈલેષની શોધખોળઃ કિશનભાઇ પાંભર, સંજયભાઇ અલગોતર, મહાવીરસિંહ જાડેજા, અજુનભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૨:  શહેર ક્રાઇમ બ્રાન્‍ચે છેલ્લા એક મહિનાથી મોરબી રોડ જકાત નાકા સહિત શહેરના વિવિધ વિસ્‍તારોમાં રીક્ષામાં પેસેન્‍જરને બેસાડી રોકડ રકમ અને કિંમતી ચીજવસ્‍તુઓની ચોરી કરતી એક સક્રિય ગેંગના બે મુખ્‍ય સભ્‍યોને પકડી પાડ્‍યા છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા અને રોકડા રૂપિયા મળી કુલ ૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. દિકરીના લગ્ન માટેના ૮૪ હજાર રોકડા સાથે રિક્ષામાં બેઠેલા વાંકાનેરના દંપતિની રોકડ ચોરી લેવાનો ગુનો પણ ઉકેલાયો છે.

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમની પાસેથી રોકડ રકમ અને અન્‍ય ચીજવસ્‍તુઓની ચોરી કરવાના બનાવોમાં વધારો થયો છે. આ ગુનાઓની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને આવા ગુના ઉકેલવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમ કાર્યરત થઇ હતી. આ દરમિયાન હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર, કોન્‍સ. સંજયભાઇ અલગોતર, મહાવીરસિંહ જાડેજા અને અનુજભાઇ ડાંગરને મળેલી બાતમી પરથી  તેમજ હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ મદદના આધારે રિક્ષાગેંગના બે શખ્‍સો સંજય વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ. ૨૧, ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ, રહે. કોઠારીયા સોલવન્‍ટ) તથા હુશેન ફિરોઝભાઇ શાહમદાર (ઉ.વ. ૨૪, ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ, રહે. ગોકુલધામ આવાસ યોજના)ને ઝડપી લીધા છે.

આ ગુનામાં સંડોવાયેલા અન્‍ય બે આરોપીઓ અરવિંદ રાજુભાઇ વઢીયારા અને શૈલેષ કાળુભાઇ સલાટ (રહે. બંને ગોંડલ ચોકડી પાસે)ના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. આરોપીઓ પાસેથી ૩૦ હજારની રોકડ, ૭૦ હજારની રિક્ષા જીજે૦૩બીયુ-૫૯૭૨ જપ્‍ત કરાયા છે. આ કામગીરી પીઆઇ એમ.આર. ગોંડલીયા, સી.એચ. જાદવ, એમ. એલ. ડામોરની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ વિજયભાઇ સોઢા, કરણભાઇ કોઠીવાળ, અરવિંદ ફતેપરા  સહિતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના હેઠળ થઇ હતી.

(3:20 PM IST)