News of Tuesday, 2nd December 2025
ટ્રાફીક પોલીસના ટોઇંગ વાહને એસ.ટી. બસ સાથે અકસ્માત સર્જયો, છતા ભીનું કેમ સંકેલી લેવાયું ?
એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આધાર પુરાવા સાથે રજૂઆત

રાજકોટ, તા. ર : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે શહેરના વોર્ડ નંબર સાતના જાગનાથ પ્લોટ માં શેરીઓમાં ખોદકામ કર્યા બાદ હાલ યાજ્ઞિક રોડ પર ખોદવાનું કામ ચાલુ હોય અને ખોદકામ કરાયેલા ખાડાઓમાં સમયસર બુરાણ ન થતું હોવાને પગલે નાના-મોટા અકસ્માતો રોજિંદા બન્યા છે.
ગઈકાલે તા. ૧ ના બપોરના એક કલાકે સ્ટુડન્ટ ફેરામાં રાજકોટ નાના સગાડીયા રાજકોટ રૂટની ઉપડેલી લાલ કલરની રાજકોટ ડેપો ની નવી બસ યાજ્ઞિક રોડ પર ઇમ્પેરિયલ હોટલ પાસે પોતાની સાઈડમાં જતી હતી ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન રિવર્સમાં લેતા એસ.ટી બસ સાથે અથડાય પડી હતી.
અકસ્માત થતા એસ.ટીના ડ્રાઇવરે કેસ કરી નાખવા જણાવેલ પરંતુ ફરજ પરના મહિલા એએસઆઈ એ કહ્યું કે આટલી નુકસાનીમાં શું ? અમારી પાસે થોડા પૈસા હોય ? તમારી ગાડી પણ સરકારી છે અને અમારી ગાડી પણ સરકારી છે તો જતું કરો આટલી વાતચીતથી મામલો પૂર્ણ કરી દેવાયો હતો.
ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને સિનિયર ડેપો મેનેજર સાથે વાતચીત થયા બાદ કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર બસ રવાના કરી દેવામાં આવી.
જાગળત નાગરિક સામે પોલીસમાં અરજીઓ આપી કેસ કરે છે તો રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન સામે શા માટે કેસ ન કર્યો. એસટી બસમાં મિરર તૂટે તો પણ ડ્રાઇવર પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગ દ્વારા ઘોબો પાડી નવી બસમાં લિસોટા પાડી દેવાયા બસમાંની પટ્ટી તોડી નાખવામાં આવી છતાં ભીનું સંકલવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. તેમ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા અવાજ ઉઠાવતા યાદીમાં જણાવાયું છે.
સમગ્ર પ્રકરણ બાબતે આધાર પુરાવા અને ફોટાઓ સાથે રાજકોટના નવનિયુક્ત વિભાગીય નિયામક, ગુજરાત એસટી ના એમડીને અને રાજ્યના મુખ્યમંત્રી ને રાજકોટના સિનિયર ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહીની અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે.
(4:05 PM IST)










