તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Tuesday, 2nd December 2025
વૈશ્વિક ફલક પર ગુજરાતની ગર્જનાઃ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદે અમદાવાદની પસંદગીઃ વિશ્વ રમતગમતનું ‘એપિસેન્ટર' બનશે ગુજરાત
દેશની રાજધાની દિલ્હીના બદલે અમદાવાદમાં કોમનવેલ્થ રમત રમાડવાનો અદભુત અને વિક્રમસર્જક નિર્ણય લઈ ગુજરાતને મહાન ભેટ આપી વડાપ્રધાને ઇતિહાસ સર્જ્યો છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાતના ગૌરવવંતા ઈતિહાસમાં એક ઝળહળતું સોનેરી પૃષ્ઠ ઉમેરાયું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ભગીરથ પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિના પરિપાક રૂપે, અમદાવાદ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની ભવ્ય યજમાની કરવા સજ્જ બન્યું છે. આ માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ ગુજરાતની 'અસ્મિતા' અને ભારતની ઉભરતી 'વૈશ્વિક તાકાત'નો શંખનાદ છે. ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આ સિદ્ધિને વધાવતા તેને ગુજરાત માટે એક યુગાંતકારી ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.
છેલ્લા બે દાયકામાં ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધાના આયોજનનું બહુમાન મળ્યું છે. જોકે, આ વખતે ગૌરવની વાત એ છે કે યજમાન પદે બીજું કોઈ નહીં પણ ગુજરાતનું ધબકતું હૃદય અને આર્થિક પાટનગર 'અમદાવાદ' છે.
રાજુભાઈ ધ્રુવે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રના શિલ્પી એવા નરેન્દ્રભાઈ મોદીની યશકલગીમાં આ એક અમૂલ્ય પીંછું ઉમેરાયું છે. આ ઐતિહાસિક સિદ્ધિ પાછળનું ચાલકબળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સબળ અને દ્રષ્ટિવંત નેતૃત્વ છે. તેમના અથાક પ્રયાસોથી ગુજરાત હવે માત્ર વેપાર-વાણિજ્યનું હબ નથી રહ્યું, પરંતુ રમતગમતના ક્ષેત્રમાં પણ 'ગ્લોબલ પાવરહાઉસ' બનીને ઉભરી રહ્યું છે.
જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ભવિષ્યને ભાખીને 'ખેલ મહાકુંભ' નામનું બીજ રોપ્યું હતું. તે સમયે ઘણા લોકો માટે આ એક સામાન્ય સરકારી કાર્યક્રમ માત્ર હતો, પરંતુ નરેન્દ્રભાઈની દ્રષ્ટિ ક્ષિતિજ પેલે પાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ સુધી વિસ્તરેલી હતી. ખેલ મહાકુંભે ગુજરાતીઓની રમતગમત પ્રત્યેની ઉદાસીનતાને ઉખાડી ફેંકી. જે ગુજરાત માત્ર 'વેપાર અને વાણિજય આર્થિક ગતિવિધિ માટે જાણીતું હતું, ત્યાંના યુવાનો હવે મેદાનમાં પરસેવો પાડીને મેડલ જીતતા થયા છે.દરેક ક્ષેત્ર માં આગળ ગુજરાતનું યુવાધન હવે કોમનવેલ્થ રમતોત્સવ પ્રાપ્ત કરી રમત ગમત ખેલ કુદ દ્વારા શારીરિક રીતે મજબૂત બની આવનારી ઓલિમ્પિકસમાંમાં ભાગ લઈ ગુજરાત નું ગૌરવ વધારશે તે ચોક્કસ વાત છે.ગુજરાત ની વણથંભી વિકાસયાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન વાળી સરકાર ના નેતૃત્વમાં ખૂબ ઝડપ થી આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો આદર્શ ઉદાહરણ એટલે ગુજરાત ને રમત ગમત ક્ષેત્રે આગળ વધારતી કોમનવેલ્થ ગેમ્સ -ગુજરાત મહા રમતોત્સવની મહાન ભેટ પ્રજાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે.
રાજુભાઈ ધ્રુવના મતે, વડાપ્રધાને ગુજરાતમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ, અત્યાધુનિક સાધનો અને વર્લ્ડ ક્લાસ તાલીમની વ્યવસ્થા ઊભી કરી. તેનું જ સુખદ પરિણામ છે કે આજે ગુજરાતી ખેલાડીઓ ઓલિમ્પિક જેવા વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(2:10 PM IST)










