<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

માલિયાસણની ગેલોપ્‍સ મોટર્સના કેશિયરે કંપનીના રૂપિયા ૧૦ લાખ ગપચાવી લીધા

કંપનીની નવી-જૂની ગાડીઓના વેચાણનું રોકડ પેમેન્‍ટ સ્‍વીકારી તે રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાંખ્‍યાનો આરોપઃ કુવાડવા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨: રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ખાતે આવેલી મહિન્‍દ્રા ડીલરશીપ ગેલોપ્‍સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયરે કંપની વિશ્વાસઘાત કરીને લાખોની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના સુપરવાઇઝરે આ મામલે કેશિયર સામે રૂ. ૧૦,૦૧,૨૫૦ની રકમ જમા ન કરાવવા બદલ કાર્યવાહી કરાવી છે.

આ બનાવમાં કુવાડાવ રોડ પોલીસે કંપનીના સુપરવાઇઝર કાલાવડ રોડ પર પંજા હોન્‍ડા પાછળ ન્‍યુ કોલેજવાડી-૧ ખોડીયાર કૃપા ખાતે રહેતાં રાજદીપસિંહ ગંભીરસિંહ ચુડાસમા (ઉ. વ. ૩૪)ની ફરિયાદ પરથી ગેલોપ્‍સ મોટર્સના કેશિયર ગીરીશ કીશોરભાઈ જારીયા (રહે. ૧૭ લક્ષ્મીવાડી, મીલપરા, રાજકોટ) સામે ગુનો દાખલ કરાયો  છે. ગીરીશ જારીયા છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા હતા. તેની મુખ્‍ય જવાબદારી કંપનીની નવી-જૂની ગાડીઓના વેચાણનું રોકડ પેમેન્‍ટ સ્‍વીકારી તે રકમ કંપનીના બેંક એકાઉન્‍ટમાં જમા કરાવવાની હતી.

દરમિયાન  તા. ૨૫/૧૧/૨૦૨૫ના રોજ કંપનીના ઇન્‍ટરનલ ઓડીટર એન. ગામડીયા એન્‍ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ) દ્વારા કરવામાં આવેલા ઓડિટ કરવામાં આવતાં  કેશિયરનો ગોળાટો સામે આવ્‍યો હતો. ઓડિટમાં જાણવા મળ્‍યું હતું કે કેશિયર ગીરીશ જારીયાએ ગ્રાહકો પાસેથી સ્‍વીકારેલી કુલ રૂ. ૧૩,૦૧,૨૫૦ની રોકડ રકમ કંપનીના બેંક એકાઉન્‍ટમાં જમા કરાવી નહોતી અને અંગત વપરાશમાં વાપરી નાંખી હતી.

નવી ગાડીઓના વેચાણ પેટે રૂ. ૮,૧૫,૦૦૦, ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ વેચાણ પેટેઃ રૂ. ૩,૯૮,૦૦૦, ગ્રાહકો પાસેથી લીધેલી સિકયુરિટી રોકડ રકમઃ રૂ. ૭૭,૭૦૦, પેટી કેશની સિલકમાં ઓછી રકમ રૂ. ૧૦,૫૫૦ મળી કુલ રૂપિયા ૧૩,૦૧,૨૫૦નો ગોટાળો સામે આવ્‍યો હતો.  ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે ગીરીશ જારીયાએ કબૂલ્‍યું હતું કે તેમણે આ રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી છે અને તેઓ તા. ૦૧/૧૨/૨૦૨૫ સુધીમાં સંપુર્ણ રકમ જમા કરાવી દેશે. જો કે નક્કી થયેલો આ દિવસે માત્ર રૂ. ૩,૦૦,૦૦૦ જ જમા કરાવ્‍યા હતા. બાકીની રૂ. ૧૦,૦૧,૨૫૦ ની રકમ જમા કરાવવા બાબતે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકયા નહોતા.

આ પછી કંપનીના હેડ ઓફિસના આદેશ બાદ સુપરવાઇઝર રાજદીપસિંહ ચુડાસમાએ   કુવાડવા પોલીસને જાણ કરતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:07 PM IST)