તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
વધુ એક બંગાળીબાબૂ ખેલ પાડી ગયો : સામા કાંઠાના બે વેપારીનું ૨૩ લાખનું ચાંદી પોલીશ કામ માટે લઇ જઇ ગાયબ
પેલેસ રોડના સોની વેપારીનું અઢાર લાખનું સોનુ લઇ જનારાનો પત્તો નથી ત્યાં વધુ એક બનાવ : છ મહિના સુધી કામ કરી વિશ્વાસ કેળવ્યોઃ પછી એક જ દિવસમાં બે વેપારી દર્શીલભાઇ વોરા અને જેમીનભાઇ સોરઠીયા સાથે ઠગાઇ કરી મેંગો માર્કેટ પાસેના રૂમને તાળુ મારી ભાગી ગયોઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી : રેજારૂલ રૈયજુદ્દીન શેખ નામના આ કારીગરને પોલીસ શોધી રહી છે

રાજકોટ તા. ૨: શહેરમાં પરપ્રાંતના અમુક કારીગરો વેપારીઓનો વિશ્વાસ જીતી બાદમાં લાખો કરોડોનું સોનુ ઉસેડી ભાગી જતાં હોવાના બનાવો અવાર-નવાર બને છે. પેલેસ રોડના વેપારીનું ૧૮ લાખનું સોનુ લઇ બંગાળી કારીગર ભાગી ગયાની ઘટના તાજી જ છે અને એ-ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે ત્યાં હવે સામા કાંઠાના ચાંદીના વેપારીને પણ બંગાળી કારીગર છેતરી ગયો છે. આ કારીગર બે વેપારીઓનું રૂા. ૨૩.૫ લાખનું સોનુ ઉસેડીને ભાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં ચાંદીના પોલીસકામનો ધંધો કરતા બે વેપારીઓ સાથે લાખો રૂપિયાના ચાંદીનો વિશ્વાસઘાત થયો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા છ મહિનાથી ચાંદી પોલીશ કામ માટે આવતો એક કારીગર વેપારીઓને વિશ્વાસમાં રાખી ૧૫ કિલોથી વધુ શુધ્ધ ચાંદી લઈને ફરાર થઈ ગયો છે. આ અંગે ભોગ બનેલા વેપારીઓએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી છે.
આ બનાવમાં પોલીસે મવડી રોડ પર આલાપ એ-૬૩, રોયલ પામ ખાતે રહેતાં અને કુવાડવા રોડ પર આદી યોગી સિલ્વર નામનું કારખાનું ધરાવતા દર્શીલભાઈ કિરિટભાઈ વોરા-પટેલ (ઉં.વ. ૪૦)ની ફરિયાદ પરથી બી- ડીવીઝન પોલીસે મુળ પશ્વિમ બંગાળના ફતેહપુરના રહેવાસી અને હાલ રાજકોટના મેંગો માર્કેટ વિસ્તારમાં ભાડેથી રહેતાં રેજારૂરલ રૈયજુદીન શેખ (ઉં.વ.૨૬) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. છેલ્લા છ મહિનાથી આ કારીગર તેના કારખાનેથી પોલીશ કામ માટે ચાંદી લઈ જતો હતો અને સમયસર પરત આપી દેતો હતો.
દરમિયાન ગઈ તા. ૨૦/૧૧ના રોજ રેજારૂલ દર્શીલભાઇના કારખાનેથી ૯ કિલો ૭૦૦ ગ્રામ (૮૨ ટચનું) ચાંદી જેનું શુધ્ધ વજન ૭ કિલો ૯૦૦ ગ્રામ ગણાય અને જેની કિંમત રૂા. ૧૨,૫૩,૮૩૨ થાય છે તે પોલીશ કામ માટે લઈ ગયો હતો. ત્રણ દિવસ સુધી કામ પરત ન આવતા દર્શીલભાઇએ રેજારૂલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવ્યો. તેના ભાડાના રૂમ પર તપાસ કરતા તે તાળું મારીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું. આ કારીગરની શોધખોળ વખતે વેપારી મંડળ દ્વારા દર્શીલભાઈને જાણવા મળ્યું કે એ જ દિવસે ૨૦મીએ કારીગર રેજારૂલે અન્ય એક વેપારી જેમીનભાઈ વીનોદભાઈ સોરઠીયા પાસેથી પણ ૭ કિલો ૩૫૮ ગ્રામ શુધ્ધ ચાંદી, જેની કિંમત અંદાજે રૂા. ૧૧,૦૦,૦૦૦ ગણાય, તે પણ પોલીસકામનાં બહાને લઈ લીધું હતું.
આ રીતે બંગાળી કારીગર રેજારૂલ શેખે એક જ દિવસમાં બે અલગ-અલગ વેપારીઓ પાસેથી કુલ ૧૫ કિલો ૨૫૮ ગ્રામ શુધ્ધ ચાંદી રૂા. ૨૩,૫૩,૮૩૨ની કિંમતનું લઈ પોલીશ કામ કરવાના બહાને લઇ જઇ પછી પરત ન આપી રૂમ બંધ કરી ભાગી જઇ ઠગાઇ કરી હતી. શોધખોળ બાદ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોનસ. પી. એચ. કોડીયાતરે ગુનો નોંધતા વધુ તપાસ પીએસઆઇ કે. પી. જાદવે હાથ ધરી છે. (૧૪.૬)
(2:54 PM IST)










