<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ત્રીજા માળે બાલ્‍કનીમાં ટુવાલ બાંધી સામેના રૂમમાં જતી વખતે હાથ છટકતાં ૧૫ વર્ષના નરેશનું મોત

અવધના ઢાળ પાસે વીલામાં વિચીત્ર ઘટના : સગીરે સારવાર દરમિયાન દમ તોડયો : કેટરર્સના કામ માટે રાજસ્‍થાનથી રાજકોટ આવ્‍યો હતોઃ પરંતુ સગીર વયનો હોઇ તેને અને બીજા છોકરાને રૂમ પર રખાયા હતાં : જે રૂમમાં બંને સગીર હતાં તે લોકો હતોઃ સામેના રૂમમાં જમવાનું રાખ્‍યું હોઇ ભુખ લાગતાં એક વખત ટુવાલ મારફત બંને જમી આવ્‍યા હતાં: બીજી વખત સાંજે પણ ટુવાલ પકડી સામેના રૂમમાં જતી વખતે પટકાયો

રાજકોટ તા. ૨: કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલી વીલામાં એક વિચીત્ર બનાવમાં પંદર વર્ષના સગીરનું ત્રીજા માળેથી પડી જતાં મોત થયું છે. આ સગીર રાજસ્‍થાનના અન્‍ય યુવાનો સાથે કેટરીંગના કામ માટે આવ્‍યો હતો. પરંતુ આ અન્‍ય એક છોકરો સગીર વયના હોઇ નિયમ મુજબ તેને કામે લઇ જવાયા ન હોઇ વીલા ખાતે રોકાયા હતાં. આ વખતે વીલાની સામેના રૂમમાં જમવાનું હોઇ એ રૂમ લોક હોઇ જેથી આ સગીરાએ બે બાલ્‍કની વચ્‍ચે ટુવાલ બાંધી તેના સહારે જ્‍યાં જમવાનું રાખ્‍યું હતું એ રૂમમાં ગયા હતાં. એ વખત જમીને પરત આવી ગયા હતાં, ફરીથી સગીરને ભુખ લાગતાં ટુવાલ પકડી સામેના રૂમમાં જતી વખતે હાથ છટકતાં પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ અવધના ઢાળ પાસે ભૂત બંગલાની પાછળ સુકુન વીલામાં ગઇકાલે સાંજે મુળ રાજસ્‍થાનનો નરેશ પારગી (ઉ.વ.૧૫) ત્રીજા માળે બાલ્‍કની પાસેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે નરેશનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પાંચેક દિવસ પહેલા નરેશ રાજસ્‍થાનથી બીજા છોકરાઓ સાથે કેટરીંગના કામ માટે આવ્‍યો હતો. આ બધા કર્મચારીઓને સુકુન વીલામાં રાખવામાં આવ્‍યા હતાં. પરંતુ નરેશ અને બીજો એક છોકરો સગીર વયના હોવાથી તેને કામે લઇ જવાયા નહોતાં. બપોરે આ બંને સગીર વીલાના ત્રીજા માળે રૂમ ખાતે હોઇ અને એ રૂમ લોક થઇ ગયો હોઇ જેથી બંનેને ભુખ લાગતાં બાજુની વીલાના રૂમમાં જમવાનું રાખ્‍યું હોઇ ત્‍યાં જવા માટે બંનએ કોઇપણ રીતે બે બાલ્‍કની વચ્‍ચે ટુવાલ બાંધ્‍યો હતો અને ટુવાલ પકડી તેના સહારે સામેના રૂમમાં જઇ જમીને પરત આવી ગયા હતાં.

આ પછી સાંજે ચારેક વાગ્‍યે નરેશને ફરીથી ભુખ લાગતાં તે ફરી વખત બાલ્‍કીનમાં બાંધેલા ટુવાલના સહારે સામેના રૂમમાં જવા પ્રયાસ કરતો હતો ત્‍યારે હાથ છટકતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ સવારે નરેશનું મોત થયું હતું. આ વિગતો તેની સાથેના અન્‍ય સગીરે જણાવી હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ,  અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, પ્રતાપભાઇએ જાણ કરતાં મેટોડા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. હરેશભાઇ સોરાણીએ તપાસ હાથ ધરી હતી.  આ બનાવથી કેટરર્સ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના સગાને જાણ કરવામાં આવી હોઇ તેઓ રાજસ્‍થાનથી આવવા રવાના થયા હતાં. ઘટના ખરેખર કેવી રીતે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:54 PM IST)