તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
રેફયુજી કોલોની કવાર્ટર વસાહતના મકાનોના-વેચાણ દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીએ નોટીસો વગર શા માટે બંધ કર્યાઃ આવેદન
મિલકતનો કોઇ ભાગ એકવાયર નથીઃ અનેક મિલકત ધારકોને પારાવાર મુશ્કેલીઓ : ક્રોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલા તથા અન્યો દ્વારા કલેકટરને વિસ્તૃત રજૂઆતોઃ ૩ વર્ષથી દસ્તાવેજો બંધ છે

રાજકોટ, તા. ૧: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા અને અન્ય આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી રાજકોટ શહેર સીટી સર્વે વોર્ડ નંબર-૧૮ સીટી સર્વે નંબર-૧૧૪૫ રા.મ્યુ.કો. વોર્ડ નં. ૩ રેફયુજી કોલોની ક્વાર્ટર વિસ્તારના વેચાણ દસ્તાવેજ નોંધણી બાબતે અડચણો અને ત્રુટીઓ દુરસ્ત કરી વેચાણ દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા પુનઃસ્થાપીત કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, ઉપરોક્ત સીટી સર્વે વોર્ડ નં. ૧૮ સીટી સર્વે નં ૧૧૪૫ રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર-૩ (ત્રણ) મા આવેલ રેફયુજી કોલોની ક્વાર્ટર તરીકે ઓળખાતી વસાહતના મકાનોના વેચાણ દસ્તાવેજ નોંધણી સબ-રજીસ્ટાર કચેરી દ્વારા કોઈપણ પ્રકારની જાણકારી વગર ઘણા લાંબા સમયથી બંધ કરવામા આવેલ છે જે અંગે નીલકા અનેક મુદ્દાઓ આપના ધ્યાને મુકી આ પ્રશ્નનું નિરાકરણ કરવા અમારી રજુઆત છે.
ભારત / પાકિસ્તાન ભાગલા સમયે રેફયુજી તરીકે આવેલા લોકોને પુનઃસ્થાપીત કરવાના ઉમાદ ઉદ્દેશથી એ સમયના આઝાદ ભારતના કોંગ્રેસ સરકારના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પાકિસ્તાનથી આવેલા નિરાશ્રીત રેફયુજી પરિવારોને ૭૦ ચો.મી. મકાનો (ક્વાર્ટર) ૯૯ વર્ષની લીઝ ઉપર ફાળવેલ ત્યારબાદ સરકાર દ્વારા લીઝ કેન્સલ કરી આ મકાનોના દસ્તાવેજ નોંધવા માટેની અમલવારી કરવામા આવેલ અને ત્યારથી આ મિલ્કતોનું ઉતરોત્તર વેચાણ ચાલુ જ હતુ. ત્યારબાદ છેલ્લા ૨-૩ વર્ષ જેવા સમયથી આ મિલ્કતના દસ્તાવેજો નોંધવાનુ સરકારશ્રી દ્વારા કોઈપણ કારણ બતાવ્યા વગર સીધુજ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ મિલ્કતનો કોઈપણ ભાગ કોઈપણ સક્ષમ સત્તાવાળા તરફથી એકવાયર થયેલ નથી કે તે અંગેની કોઈ કાર્યવાહી ચાલુ નથી કોઈપણ પ્રકારની નોટિસ પણ પ્રસિદ્ધ થયેલ નથી તો દસ્તાવેજ નોંધણી કયા કારણોસર કોના આદેશથી બંધ કરેલ છે.
દસ્તાવેજ નોંધણી અચાનક લાંબા સમયથી બંધ થતા આ વિસ્તારમાં વસવાટ કરતા ઘણા બધા મિલ્કતધારકોને મુશ્કેલીઓ સર્જાઈ છે ઘણા આર્થીક તેમજ સામાજિક વ્યવહારો અટકી પડયા છે તે પરત્વે ધ્યાન લઈ ઉચિત નિર્ણય લેવો.
રજુઆતોમાં કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિલીપભાઈ આસવાણી, જગુભાઈ જાડેજા, અશોકસિંહ વાઘેલા, ગૌરવ પુજારા, દીપક ભાટીયા, આશાનંદ મમતાની, હસન નાયલાણી, દીપકભાઈ સતિજા, હિતેશભાઈ મોટવાણી, કળપાલભાઈ ગોગિયા, ભાર્ગવભાઈ ચગાણી, વિશાલભાઈ ચોટરાણી, પ્રકાશભાઈ લોકવાણી, નરેન્દ્ર ભાઈ કેશવાણી વિગેરે જોડાયા હતા
(3:59 PM IST)










