તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
વધુ એક રિક્ષાગેંગ ઝળકીઃ હરેશભાઇ પરમારના પેન્ટના ખિસ્સામાંથી રૂા.૮૪ હજાર સેરવી લીધા
મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડીના રસ્તા પર બનાવ : ચાલક અને ત્રણ સાગ્રીતો સામે બી-ડિવીઝનમાં ફરિયાદઃ વાંકાનેરના પ્રોૈઢ દિકરીના લગ્ન પ્રસંગ માટે રાજકોટ રહેતાં દિકરા પાસેથી રકમ લઇને પત્નિ સાથે વાંકાનેર જતાં હતાં ત્યારે બનાવ : દંપતિ પાછળ બેઠુ ત્યારે બે શખ્સો પણ સાથે બેસી ગયાઃ થોડે આગળ ગયા પછી ચાલકે-આ ભાઇને પગમાં સળીયા છે, દવાખાને લઇ જવા છે તમે ઉતરી જાવ કહી દંપતિને ઉતારી મુક્યું: પ્રોૈઢે ખિસ્સુ તપાસમાં રોકડ રકમ ગાયબ હતી

રાજકોટ તા. ૨૯: મુસાફરોને રિક્ષામાં બેસાડી સોનાની બંગડી અને મોબાઇલ ફોન સેરવી લેનાર એક રિક્ષાગેંગના સાગ્રીત અને બે મહિલાને એલસીબી ઝોન-૨ ટીમે પકડી બે ગુના ઉકેલ્યા ત્યાં નવી રિક્ષાગેંગે કસબ અજમાવ્યો છે. જેમાં વાંકાનેરના પ્રોૈઢ તેમના પત્નિ સાથે દિકરીના લગ્નની કંકોત્રી અમદાવાદ ખાતે આપી રાજકોટ આવી દિકરાને ત્યાં રોકાયા બાદ પરત વાંકાનેર જવા નીકળ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ જવા રિક્ષામાં બેઠા ત્યારે સાથે બેઠેલા શખ્સે બેસવામાં સંકડામણ થાય છે, પગમાં સળીયા છે કહી પ્રોૈઢના પગ ઉપર પગ રાખી દઇ નજર ચુકવી તેમના ખિસ્સામાંથી રૂા. ૮૪ હજાર કાઢી લીધા હતાં. આ રકમ દિકરીના લગ્ન પ્રસંગમાં ખર્ચ માટે તેમણે દિકરા પાસેથી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે વાંકાનેર નવાપરા વાસુકીદાદાના મંદિર સામે રહેતાં અને દરજીકામ કરતાં હરેશભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી ૪ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. હરેશભાઇ પરમારે જણાવ્યું છે કે હું દરજી કામ કરી ગુજરાન ચલાવુ છું. મારી સાથે મારા પત્નિ પ્રફુલાબેન રહે છે. મારા બે દિકરા પૈકી વિશાલ રાજકોટ તેના પરિવાર સાથે રહે છે અને નાનો દિપક અમારી સાથે રહે છે. અમારે ત્રણ દિકરી છે. જેમાં નાની દિકરી ડીમ્પલલના આગામી દિવસોમાં લગ્ન હોઇ અમે કંકોત્રી આપવા ૮/૧૧ના રોજ અમદાવાદ ગયા હતાં. ત્યાંથી રાજકોટ આવી દિકરાના વિશાલના ઘરે રોકાયા હતાં. સવારે ૯મીએ પરત વાંકાનેર જવા નીકળ્યા હતાં.
આ વખતે અમે દિકરા વિશાલ પાસેથી દિકરીના લગ્નના ખર્ચ માટે રૂા. ૮૪ હજાર રોકડા લીધા હતાં. આ રકમ મેં પ્લાસ્ટીકની થેલીમાં રાખી મારા પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાં રાખી હતી. અમે ચાલીને મોરબી રોડ જકાતનાકાથી બેડી તરફના રોડ પર રાધીકા એન્ટરપ્રાઇઝ નામની દૂકાન પાસે પહોંચ્યા હતાં. આ વખતે ગ્રીનલેન્ડ ચોકડી જવું હોઇ જકાતનાકા બાજુ ચાલીને જતાં હતાં ત્યારે બેડી તરફના રોડ પરથી રોંગ સાઇડમાં ઓટો રિક્ષા આવી હતી. જે આગળથી લીલા કલરની હતી અને ઉપર કાળુ હુડ હતું. રિક્ષા અમારી પાસે ઉભી હતી, જેમાં અગાઉથી જ ત્રણ મુસાફર બેઠા હતાં. પાછલી સીટીમાં બે જણા બેઠા હતાં.
રિક્ષાચાલલકે અમને પુછેલુ કે-તમારે ગ્રીનલેન્ડ ચોકડીએ જવું છે? જેથી અમે હા પાડતાં પાછળની સીટમાં બેઠેલા બંને જણા નીચે ઉતરી ગયા હતાં. અમે પતિ-પત્નિ બેસી જતાં આ બંને શખ્સ પણ અમારી સાથે બેસી ગયા હતાં. એક જણ આગળ રિક્ષાચાલકની બાજુમાં બેઠો હતો. રિક્ષા આગળ જકાતનાકુ પસાર કરી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતી હતી ત્યારે અમારી બાજુમાં બેઠેલા મુસાફરે પોતાને બેસવામાં સાંકડ થતી હોય તેમ તેનો જમણો પગ મારા ડાબા પગ ઉપર રાખી દીધો હતો. મારી બાજુમાં બેઠેલા શખ્સે રિક્ષાચાલકને કહેલું કે-અમને સાંકડ થાય છે, મારે પગમાં સળીયા છે એટલે દુઃખાવો થાય છે. આથી ચાલકે થોડે આગળ જઇ રિક્ષા રોડ સાઇડમાં રેતીના ઢગલા પાસે ઉભી રાખી હતી.
બાદમાં ચાલકે કહેલું કે આ ભાઇને પગમાં સળીયા છે, એને દવાખાને જવું છે તમે અહિ ઉતરી જાવ તેમ કહેતાં અમે ઉતરી ગયા હતાં. મેં તુરત જ મારા પેન્ટનું ખિસ્સુ ચેક કરતાં તેમાંથી રૂા. ૮૪ હજાર ગાયબ હતાં. આ વખતે ચાલકે રિક્ષા બંબાટ ભગાવી મુકી હતી. હું એક બાઇકચાલકને અટકાવી તેની પાછળ બેસી ગ્રીનલેન્ડ ચોકડી તરફ રિક્ષા પાછળ ગયો હતો. મારા પત્નિને જ્યાં ઉતર્યા ત્યાં જ ઉભા રાખ્યા હતાં. મારા દિકરાને પણ ફોનથી વાત કરી દીધી હતી. ત્યાં થોડીવારમાં મારો દિકરો, જમાઇ ગ્રીનલેન્ડ ચકોડીએ આવી ગયા હતાં. અમે આસપાસમાં તપાસ કરી હતી પણ રિક્ષા જોવા મળી નહોતી. બેસવામાં સંકડામણ થાય છે, પગમાં સળીયા છે તેવી વાતો કરી સાથે બેઠેલા શખ્સોએ મારા ખિસ્સામાંથી રોકડ કાઢી લીધી હતી અને બાદમાં અમને ઉતારી મુકી ચાલક સહિત ચારેય ભાગી ગયા હતાં.
ચાલક સહિત ચારેય પાતળા બાંધાના હતાં. એક શખ્સે કાળો નાઇટ ડ્રેસ પહેરેલો હતો. મારી દિકરીનો લગ્નપ્રસંગ હોઇ જેથી જે તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે પ્રસંગ પુરો થયા બાદ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં હરેશભાઇ પરમારે કહેતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:26 PM IST)










