<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

છ કલાકમાં પાંચના મોતઃ ત્રણના હૃદય બેસી ગયાઃ કારખાનેદાર મંદિરમાં દર્શન કરતી વખતે ઢળી પડયા

વિવેકાનંદનગરના પ્રતાપભાઇ વાઘેલા ઘર પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરતી વખતે, વેલનાથપરાના રણછોડભાઇ બાહુકીયા, સોલવન્‍ટના મહેશભાઇ પરમાર, લાલપરીના જગદીશભાઇ ચાવડા, નંદનવનના ધર્મેન્‍દ્રભાઇ મોરસોણીયા ઘરે બેભાન થઇ ગયા બાદ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારોમાં ગમગીની

 

રાજકોટ તા. ૧: શહેરમાં સવારે છ કલાકમાં પાંચ લોકોના મૃત્‍યુ થયા હતાં. જેમાં ત્રણ લોકોના હૃદય ધબકારા ચુકી ગયાનું ખુલ્‍યું હતું. વિવેકાનંદનગરના કારખાનેદાર ઘર નજીક આવેલા મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્‍યારે ઢળી પડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૧૪માં રહેતાં પ્રતાપભાઇ ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢ સવારે પોતાના ઘર નજીક આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્‍યારે મંદિરે જ ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર પ્રતાપભાઇ ચાર ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે ગોંડલ રોડ પર એચપી હાઇડ્રોલીક નામે કારખાનુ ધરાવતાં હતાં. દર્શન કરતી વખતે જ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં મોરબી રોડ વેલનાથપરા-૨માં રહેતાં રણછોડભાઇ પ્રેમજીભાઇ બાહુકીયા (ઉ.વ.૫૩) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃત્‍યુ પામનાર રણછોડનભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે યાર્ડમાં મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં રહેતાં મહેશભાઇ ખીમજીભાઇ પરમાર (ઉ.વ.૪૦) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેઓ બે બહેન અને ચાર ભાઇમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

ચોથા બનાવમાં લાલપરી મફતીયાપરા-૨માં રહેતાં જગદીશભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૩૪) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍ય થયું હતું. મૃતક બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. પેટમાં પાણી ભરાઇ જવાની બિમારી તેમને હોવાનું સગાએ કહ્યું હતું.

પાંચમા બનાવમાં ૧૫૦ ફુટ રીંગ રોડ  ગોવર્ધન ચોક નંદનવન-૧માં રહેતાં ધર્મેન્‍દ્રભાઇ મોહનભાઇ મારસોણીયા (ઉ.વ.૫૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. તેઓ પરિવારના એકના એક આધારસ્‍તંભ હતાં. વિડીયો શુટીંગનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. લિવરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું.

આ પાંચેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, પ્રતાપભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે ભક્‍તિનગર પોલીસ, બી-ડિવીઝન, આજીડેમ અને તાલુકા પોલીસને જાણ કરતાં જે તે પોલીસ સ્‍ટેશનના ઇન્‍વેસ્‍ટીગેશન સ્‍ટાફે એ.ડી. નોંધી મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા હતાં. (૧૪.૧૦)

 

 

 

 

 

(3:21 PM IST)