તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
દાગીના બનાવવા કામે રાખ્યાના બીજા જ દિવસે બે બંગાળી ૧૮ લાખનું સોનુ લઇ ‘છૂ'
રાજકોટની સોની બજારમાં વધુ એક વેપારી સાથે કારીગરો કરી ગયા ‘કળા'

રેલનગરના પ્રકાશભાઇ સોનીએ પેલેસ રોડ પર આઠ દિવસ પહેલા જ દુકાન ચાલુ કરી હતીઃ ૨૬/૧૧ કારીગરોને કામે રાખી દાગીના બનાવવા સોનુ દીધુ, ૨૮મીએ બંને જમવાના બહાને ગયા પછી ગાયબઃ દૂકાનમાં તપાસ કરતાં ૧૪૩.૯૮૦ ગ્રામ સોનુ પણ ગાયબ હતું: એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટ તા. ૧: શહેરની સોની બજારના વેપારીઓ સાથે કારીગરો વારંવાર ફ્રોડ કરી જતાં હોવાની અનેક ઘટના સામે આવી ચુકી છે. વધુ એક વખત એક વેપારીને છેતરીને બંગાળી કારીગરો ૧૮ લાખ ૧૦ હજારનું કિંમતનું સોનુ ઉસેડી ભાગી ગયા છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પોપટપરા રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારીકા વિલેજ બ્લોક નં. ડી-૧૦૦૩ ખાતે રહેતાં અને પેલેસ રોડ પર વર્ધમાનનગર-૧૧માં શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ નામે દુકાન ચલાવતાં પ્રકાશભાઇ ભરતભાઇ સોનીની ફરિયાદ પરથી હાલ રામનાથપરા-૧૪ શિવ સ્કૂલ સામે રહેતાં મુળ બાંકડા પヘીમપરા હાવડા, પヘમિ બંગાળના સલમાન તાહીરૂદ્દીન શેખ અને મોહમ્મદ ઇમરાનઅલી ઝાકીરઅલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે પ્રકાશભાઈએ પેલેસ રોડ પર આઠ દિવસ પહેલા જ દુકાન ચાલુ કરી છે. સોનાના દાગીના બનાવવા માટે શેખ સલમાન તાહીરૂદ્દીન અને મોહમદ ઇમરાનઅલી ઝાકીરઅલીતેમજ સદાનન નીમાઈચંદ્ર દુલાઈ સહિત ત્રણ કારીગરોન આજથી છ દિવસ પહેલા તા. ૨૬/૧૧ના રોજ કામે રાખ્યા હતા. એ દિવસે જ પ્રકાશભાઈએ આ ત્રણેય કારીગરોને દાગીના બનાવવા માટે ૨૨ કેરેટનું કુલ ૧૫૧.૦૨૦ ગ્રામ સોનું આપ્યું હતું.
આ પછી ૨૮/૧૧ના રોજ પ્રકાશભાઈ સોનીબજારમાં કામ અર્થે રોકાયેલા હતા અને દુકાને તેમના ભાઈ દીપેશભાઈ હાજર હતા. સાંજના ચારેક વાગ્યે દીપેશભાઈએ પ્રકાશભાઈને ફોન કરીને જાણ કરી કે બપોરે સવા બે વાગ્યે સદાનન અને ત્રણેક વાગ્યે શેખ સલમાન તથા મોહમ્મદ ઇમરાનઅલી દુકાન બંધ કરીને જમવા માટે ગયા હતા. જેમાંથી દીપેશભાઈ અને સદાનન તો પરત આવી ગયા, પરંતુ શેખ સલમાન અને મોહમ્મદ ઇમરાનઅલી હજુ સુધી પાછા આવ્યા નથી.
પ્રકાશભાઈએ તાત્કાલિક બંને ગાયબ કારીગરોનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. ત્યારબાદ તેમના ઘરે પણ તપાસ કરતા તેઓ હાજર મળ્યા નહોતા. ત્યારબાદ પ્રકાશભાઈએ દુકાને આવીને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે કામ માટે આપેલા સોનામાંથી ૨૨ કેરેટનું ૧૪૩.૯૮૦ ગ્રામ સોનું ગાયબ હતું. આ ચોરી થયેલા સોનાની આશરે કિંમત રૂા.૧૮,૧૦,૫૦૦નું ગાયબ હતું.
આ પછી પ્રકાશભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએઅસાઇ એમ. બી. જાડેજાએ શેખ સલમાન તાહીરૂદ્દીન અને મોહમ્મદ ઇમરાનઅલી ઝાકીરઅલી વિરૂધ્ધ સોનાની ચોરી અને વિશ્વાસઘાત બદલ ગુનો નોંધી બંનેને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.
(2:26 PM IST)










