<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અંજારના ચાંદ્રોડા પાસે ટ્રકની ઠોકરે ચડતાં કાકા બાદ ૧૭ વર્ષના ભત્રીજાનું પણ મોત

સાત મહિના પહેલા હરિભાઇનું ઘટના સ્‍થળે મૃત્‍યુ થયું હતું: ભત્રીજા દીપ લાવડીયાએ રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: કચ્‍છના અંજારના ચાંદ્રોડા ગામના કાકા-ભત્રીજા સાત મહિના પહેલા ટુવ્‍હીલર સહિત ટ્રકની ઠોકરે ચડી જતાં કાકાનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ગંભીર ઇજાગ્રસ્‍ત ભત્રીજાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છ.ે

જાણવા મળ્‍યા મુજબ અંજારના ચાંદ્રોડા ગામે રહેતો દીપ વાલજીભાઇ લાવડીયા (ઉ.વ.૧૭) સાતેક મહિના પહેલા દીપ લાવડીયા તા. ૨૮/૪ના રોજ પોતાના કાકા હરિભાઇ લાવડીયા (ઉ.વ.૩૫)ના બાઇકમાં બેસીને ચાંદ્રોડાથી અંજાર જતો હતો ત્‍યારે રસ્‍તામાં બાઇકને ટ્રકની ઠોકર લાગતાં અકસ્‍માત નડતાં તેના કાકા હરિભાઇનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. જ્‍યારે ભત્રીજા દિપને અંજાર, કચ્‍છ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. સાત મહિનાની સારવારને અંતે ગઇકાલે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ મારફત જાણ થતાં એ-ડિવીઝન પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો હતો અને અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(2:24 PM IST)