તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
ઓટો રીક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઈ: રૂ. ૧.૮૯ લાખનો મુદ્દામાલ કબજે
બે ગુનાનો ભેદ ખુલ્યો: આરીફ ઉર્ફે ચક્કી, કાંતું અને બાવલીની ધરપકડ; નટુનું નામ ખુલ્યું: એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટ શહેર પોલીસની એલ.સી.બી. ઝોન-૨ ટીમે ગણતરીના કલાકોમાં એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે ઓટો રીક્ષાનો ઉપયોગ કરીને ખાસ કરીને વૃદ્ધ મુસાફરોને નિશાન બનાવી તેમની સોનાની બંગડીઓ અને ખીસ્સામાંથી મોબાઈલ ફોન સેરવી લેતી હતી. પોલીસે આ ગુનાના સંબંધમાં એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ રૂપિયા ૧,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે.
શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓએ આ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવા એલ.સી.બી. ઝોન-૨ ટીમને સૂચના આપી હતી. પોલીસ ટીમે આઇ-વે પ્રોજેક્ટના કેમેરા, કમાન્ડ એન્ડ કન્ટ્રોલના સીસીટીવી ફૂટેજ, ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો સઘન ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી હતી. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સંયુક્ત બાતમીના આધારે, નાનામવા સયાજી હોટલ મેઇન રોડ પરથી ગેંગના સભ્યોને ઓટો રીક્ષા, ચોરી કરેલ સોનાની બંગડી અને મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઓટો રીક્ષા ચલાવતા આરીફ ઉર્ફે ચકકી ફૈઝમંહમંદભાઇ શેખ, કાન્તુબેન પોપટભાઇ વાઘેલા અને તેજલબેન ઉર્ફે બાવલી દીનેશભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી સોનાની બંગડી (રૂ. ૧,૨૫,૦૦૦), ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન (રૂ. ૧૪,૦૦૦) અને ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા નંબર GJ03BU-0136 (રૂ. ૫૦,૦૦૦) સહિત કુલ રૂ. ૧,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) એવી હતી કે તેઓ ખાસ કરીને મોટી ઉંમરના વૃદ્ધ મુસાફરોને નિશાન બનાવતા હતા. વૃદ્ધ પેસેન્જરને રીક્ષામાં બેસાડ્યા બાદ, આરોપીઓ રીક્ષામાં ધક્કા-મુકકી કરીને નજર ચૂકવી દેતા અને તેમના સોનાના દાગીના, મોબાઈલ, પાકીટ અથવા રોકડ રકમની ચોરી કરી લેતા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ 'રીક્ષા પંચર પડી છે' તેવું બહાનું આપીને પેસેન્જરને ઉતારી દેતા અને તુરંત જ સ્થળ પરથી નાસી છૂટતા હતા.
આ ગુનામાં નટુ દીનેશભાઇ કુવરીયા નામનો એક આરોપી હજુ પકડવાનો બાકી છે. પકડવાના બાકી આરોપી નટુ ઉર્ફે નટીયોનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધનીય છે, જેની સામે અગાઉ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરીના ગુન્હાઓ નોંધાયેલા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. ઝોન-૨ ટીમના પો.સબ ઇન્સ. આર.એચ.ઝાલા તથા પો.હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા તથા ધર્મરાજસિંહ ઝાલા, અમીનભાઇ ભલુર, અનીલભાઇ જીલરીયા, પ્રશાંતભાઇ ગજેરા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અને રાજકોટ તાલુકા પો.સ્ટે.ના પો.કોન્સ. જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળા, મુકેશભાઈ ડાંગર તથા મહીલા પો.કોન્સ ભૂમિકાબેન ધર્મેશભાઇએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
(8:25 PM IST)










