તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
ગુજસીટોકઃ જંગલેશ્વરની ‘મુરગા ગેંગ'ના ઝડપી લેવાયેલા ૧૨ શખ્સોના ૨૦ દિ'ના રિમાન્ડ મંગાયા
અગાઉ પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી બાદ હરીફ ગેંગ સામે કાયદાનો કોરડો વીંજાયો : સંગઠિત ગુનાઓ બદલ બદલ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસિયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: શહેરમાં ગેંગ રચીને છાસવારે કાયદાનું ચીરહરણ કરતાં શખ્સોની ખો ભુલાવવા પોલીસે સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પેંડા અને પરીયાની ગેંગની સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી તમામને જેલમાં ધકેલી દેવાયા બાદ હવે તેની વિરોધી ગેંગ જંગલેશ્વરની મુરગા ગેંગના ૨૧ શખ્સો વિરૂધ્ધ ડીસીબી પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ૧૨ને ઝડપી લવાયા છે. બાકીના ૦૪ જેલમાં હોઇ ત્યાંથી કબ્જો લેવામાં આવશે. પાંચ ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી છે. ગુનાખોરી આચરતી આ ગેંગના સાગ્રીતો-સુત્રધારોની ગેરકાયદે મિલ્કતોનો પણ ટુંક સમયમાં પોલીસ કડુસલો બોલાવશે તેમ જાણવા મળ્યું છે.
તપાસનીશ એસીપી બી. બી. બસીયાએ જણાવ્યુ઼ હતું કે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ તમામ ૧૨ આરોપીઓને ૨૦ દિવસની રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. સંગઠીત ગુનાખોરી આચરવા માટે ગેંગ કેવી રીતે અસ્તીત્વમાં આવી? ગંભીર ગુનાઓ આચરી મેળવેલી કે વસાવેલી મિલ્કત ક્યાં ક્યાં વસાવી છે? આ ગેંગના પાંચ નાસતા ફરતાં આરોપીઓ ક્યાં છે? કોણે આશરો આપ્યો છે? ગેંગ દ્વારા ગેરકાયદે હથીયારો ક્યાંથી અને કોની આર્થિક મદદથી લાવવામાં આવ્યા છે? સહિતના ૧૦થી વધુ મુદ્દે રિમાન્ડ માંગણી કરવામાં આવી છે.
મનહરપ્લોટ નજીક વિદ્યાનગર રોડ પર પેંડા કમ પરીયા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે સામ-સામે ફાયરિંગનો ગંભીર બનાવ બન્યો હતો. આ બનાવના પગલે એ-ડિવીઝનમાં ગુનો દાખલ કરી ગેંગને ભોંભીતર કરવાની કાર્યવાહી શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચે શરૂ કરી હતી. અગાઉ પેંડા-પરીયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ હવે મુરગા ગેંગના ૨૧ શખ્સો વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં સંગઠિત ગુના આચરતી ટોળીઓને નિયંત્રણમાં લેવા માટે ગુજસીટોક કાયદો અમલમાં છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાહેરમાં મુરગા ગેંગ અને પરીયા-પેંડાની ગેંગ દ્વારા ફાયરિંગ કરી નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આથી સંગઠિત ગુના આચરતી આ ટોળીને નિયંત્રણમાં લેવા માટે નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ગેંગના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ મેળવ્યો હતો.
આ ગેંગનો મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે મુરગો યાસીનભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર, રાજકોટ) છે. સમીર પઠાણ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને મુરગા ગેંગ બનાવી હતી. આ ટોળકીએ સને ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેર અને આજુબાજુના જિલ્લાઓમાં પોતાની ધાક જમાવવા માટે કુલ ૩૬ ગંભીર ગુનાઓ આચર્યા છે, જેમાં આ કળત્યોનો સમાવેશ થાય છે. પ્રાણઘાતક હથિયારો વડે ખુનની કોશિષ. જાહેરમાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરવું, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબંધિત ગુનાઓ આચરવા, સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને ઇજા પહોંચાડવી, આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આર્મ્સ (હથિયાર) અને એનડીપીએસ (ડ્રગ્સ)નું વેચાણ કરવું. આ તમામ ગુનાઓ ગુજસીટોક એક્ટ-૨૦૧ ની કલમ ૨(૧)(સી)ની જોગવાઈ મુજબ ગંભીર પ્રકારના ધ્યાને આવેલ છે.
ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ હેઠળ ભરત બી. બસીયા તથા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, અને પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા નાઓએ અતિ ગુપ્ત રાહે માહિતી મેળવી આ ગેંગ વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી હતી.
આ કાર્યવાહીમાં કુલ ૨૧ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (G.C.T.O.C.)ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા ૦૫ આરોપીઓનો કબ્જો નામદાર કોર્ટમાંથી મેળવીને ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત, પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિ‘ર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓના નામ આ મુજબ છે. (૧) શાહજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ ઉર્ફે કાળુ વશીર, (૨) ઇરફાન ઉર્ફે મુનો ઉર્ફે જીમી આમદભાઇ જુણાચ, (૩) તેજીમ રફીકભાઇ ફુફાર, (૪) મુજકીર ઉર્ફે મુજુડો દિલાવરભાઇ બ્લોચ, (૫) સરફરાજ ઉર્ફે સેફુડો ઇકબાલભાઇ ખેડારા, (૬) અહેમદ ઉર્ફે દુડી રફીકભાઇ બકાલી, (૭) સતાર ઉર્ફે મેંગણી સીદીકભાઇ દોઢીયા, (૮) અંજુમ ઇસ્માઇલ ખીયાણી, (૯) સમીર સીંકદર ચાનીયા, (૧૦) દિનેશ હકાભાઇ રીબડીયા, (૧૧) હમીઝ ઉર્ફે ભાણો હારૂનભાઈ આમદભાઇ હેરંજા તથા (૧૨) અરમાન ઉર્ફ ચકી કાસમભાઇ નાથા સાંઘ (રહે. જંગલેશ્વર) સામેલ છે.
ચાર આરોપીઓ હાલ રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે જ્યુડીશયલ કસ્ટડીમાં છે, જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે. જેમાં (૧) સમીર ઉર્ફે મુરગો યાસીનભાઇ પઠાણ (ગેંગ લીડર), (૨) શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઇ વેતરણ, (૩) સોહીલ ઉર્ફ ભાણો સીંકદરભાઇ ચાનીયા અને (૪) સલમાન નનકેભાઇ ફકીરનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ ગુન્હાના કામે તમામ આરોપીઓની ગેરકાયદેસર વસાવેલ મિલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. મુરઘા ગેંગ અને અન્ય પેંડા ગેંગ દ્વારા આજીવિકા માટે પ્રોહીબીશન, જુગાર, અને ડ્રગ્સ વેચાણની પ્રવળત્તિઓ પણ કરવામાં આવતી હતી. આ બંને ગેંગ વિરૂધ્ધ પ્રોહીબીશનના ૯૨ ગુના, એન.ડી.પી.એસ.ના ૦૨ ગુના, અને જુગારના ૧૦ ગુના દાખલ થયેલા છે.ગુજસીટોક હેઠળની આ કાર્યવાહીથી આ ગેંગની ગેરકાયદેસર પ્રવળત્તિઓ ઉપર કાયમી ધોરણે અંકુશ આવશે.
આ કામગીરી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના હેઠળ ડીસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તથા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ, તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજાના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવી હતી. દરખાસ્ત તૈયાર કરવામાં અને ગુનાહિત ઇતિહાસ મેળવવામાં એએસઆઇ ભરતભાઇ વનાણી, અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, તથા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, પો.કોન્સ પોપટભાઇ ગમારા વિગેરે દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવેલ છે.
(2:27 PM IST)










