<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

દારૂ- ડ્રગ્‍સનું એપી સેન્‍ટર બનેલા ગુજરાતમાં ૪ વર્ષમાં ૧૬ હજાર કરોડના નશાયુકત દ્રવ્‍યો ઝડપાયા છતાં એકપણ જવાબદારને સજા નહિ!: પરેશ ધાનાણી

વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતાએ રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના યુવાનોને બરબાદ કરી રહેલા નશાના કાળા કારોબાર બદલ ભાજપ સરકાર પર ઠાલવ્‍યો રોષ :રાજકોટમાં જેટલી દુધની ડેરીઓ છે તેનાથી અનેકગણા વધુ દેશી અને અંગ્રેજી દારૂઓના અડ્ડા છેઃ ધારાસભ્‍ય મેવાણીએ થરાદમાં ભાજપ સરકારની ‘પોલખોલ' કર્યા બાદ જાગૃત નાગરિકોએ બળાપો ઠાલવવા સાથે બુટલેગરો- અસામાજીકોની માહિતીનો ધોધ વહાવતા મેસેજ અને કોલનો મારો ચલાવ્‍યો છેઃ પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા

ગુજરાત ગાંધીજીના મૂલ્‍યો અને વિચારોથી હંમેશા ભરેલું રહ્યું છે. મહાત્‍મા ગાંધીજીની દારૂબંધીની હાલતને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા તાત્‍કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાઓ કરી હતી. ગુજરાતમાં દારૂ-ડ્રગ્‍સ ની બદીને લીધે યુવાનો નશાખોરીના ખપ્‍પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ ડ્રગ્‍સનું પ્રવેશ દ્વાર તો બન્‍યું જ છે પરંતુ હવે નશાખોરીનું એપી સેન્‍ટર બની ચુકયુ છે જે અત્‍યંત ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં દરરોજ કયાંકને કયાંક લાખો રૂપિયાના ડ્રગ્‍સ, ચરસ કે ગાંજો પકડાયાના સમાચારો સપાટી ઉપર આવતા રહે છે. કરોડો રૂપિયાના ડ્રગ્‍સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહ્યો છે. પુ. મહાત્‍મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્‍થો પકડાય છે તેના કરતાં સો ગણી ઘૂસણખોરી થાય છે. રાજ્‍યમાં દારૂ પકડાવો એ સામાન્‍ય બાબત થઈ ગઈ છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રોસિટીમાં ચરસ, ડ્રગ્‍સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોેનું ચલણ પણ વધ્‍યું છે.

છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્‍થું શાસન છે. દારૂ ડ્રગની બંદીને ડામવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ રહી છે. ‘ઉડતા ગુજરાત' એ ભાજપની ‘ગિફ્‌ટ' છે. બેફામ દારૂ ડ્રગ્‍સની નશાખોરીને પગલે મહિલા પર અત્‍યાચારની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. રાજ્‍ય પોલીસ, એનસીબી, ડી આર આઈ, સહિતની કેન્‍દ્રીય સંસ્‍થાઓ રાજ્‍યમાં બોર્ડર પોસ્‍ટ, પેટ્રોલિંગ, રાઉન્‍ડ  ધ ક્‍લોક સર્વેલન્‍સ, સીસીટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં રાજ્‍યમાં હવાઈમાર્ગ, દરિયા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્‍સ ઘુસાડાઇ છે. પકડાયેલા ડ્રગ્‍સ ની માત્રા પણ હજારો કિલોમાં છે તો પાછલા બારણે પગ કરી ગયેલા જથ્‍થાનો આ કાળો કારોબાર કેટલો મોટો હશે? તે નકકી કરવુ અઘરૂ છે. રાજ્‍યમાં સરકાર પાસે ડ્રગ્‍સની બંદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કિલો ડ્રગ્‍સ, ૨૨૨૯ લિટર પ્રવાહી ડ્રગ્‍સ તથા ૭૩૧૬૩ ડ્રગ્‍સ પીલ્‍સ ઇન્‍જેક્‍શન પકડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૪ એમ ચાર વર્ષમાં ૧૬૦૦૦ કરોડ પકડાયાના ૧૯ કિસ્‍સાઓ બન્‍યા છે પરંતુ તેમાં એક પણ વ્‍યક્‍તિને સજા થઈ નથી જે ગંભીર બાબત છે. નશા મુક્‍તિ અભિયાન, અવેરનેસ એક્‍ટિવિટી, ડ્રગ્‍સ અંગે જનજાગળતિ કાર્યક્રમ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્‍થાઓની ગ્રાન્‍ટ બંધ કરી દીધી છે.

 દારૂ અને ડ્રગ્‍સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્‍ય બરબાદ થઈ રહ્યું છે. ત્‍યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જિલ્લાના શિવપુર ગામમાં સ્‍થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી અને ધારાસભ્‍ય શ્રી અમિત ચાવડાએ રજૂઆત કરવામાં આવી. શ્રી અમિત ચાવડાજી ની સુચના થી થરાદમાં વડગામના ધારાસભ્‍ય શ્રી જીગ્નેશ મેવાણીએ સ્‍થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી. શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂ ટ્રક્‍સનું સેવન થાય. મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્‍યો ન હતા. તંત્ર પાસે જવાબ માંગવાના બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા, સાચવવા પ્રયત્‍નો કરી રહયો હોય તેમ લાગે છે. ‘બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મારો હપ્તો ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કંઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે' ‘જેલમાંથી પત્ર લખે છે કે ભાજપના ધારાસભ્‍ય દારૂના ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે' આ ભાજપ સરકારની વહીવટ વાસ્‍તવિકતા છે. રાજ્‍યમાં અનેક જગ્‍યાએ ચાલતા દારૂ ડ્રગ્‍સના વેપારમાં ભાજપના મોટા માથાઓ કયાંક ને કયાંક સંકળાયેલા હોય તેવું અનેક વખત સામે આવી ચૂકયું છે. ત્‍યારે તેમની ગભરામણ સ્‍વભાવિક છે. તેમ કોંગ્રેસ નેતા લડાયક નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું. તેમણે માંગણી કરી હતી કે, મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી અમારી મુખ્‍ય માંગણી છે.   નશાના બેરોકટોક હાટડાઓ બંધ કરાવો. ગુજરાતના ભવિષ્‍ય એવા યુવાધનને બચાવો.

 પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીએ થરાદ ખાતે ભાજપ સરકારની મીઠી નજર તળે ચાલતી દારૂ,ડ્રગ્‍સ, જુગારની અસામાજીક પ્રવૃતિઓનો પર્દાફાશ કર્યા બાદ જાગૃત નાગરીકોએ સોશ્‍યલ મીડીયા ઉપર બળાપો ઠાલવવાનો ચાલુ કર્યો છે. સાથોસાથ અસામાજીક પ્રવૃતિઓ ચલાવતા બુટલેગરો અંગે માહીતી આપતા મેસેજ અને કોલનો મારો શરૂ થયો છે ત્‍યારે અમારા કોંગ્રેસપક્ષનું સ્‍પષ્‍ટ માનવુ છેકે ઇમાનદારી અને નિષ્‍ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું અમને હંમેશા સન્‍માન છે. જે પોલીસ કર્મચારીઓ દારૂ, જુગાર અને નશીલા દ્રવ્‍યોની આડમાં પૈસા કમાય છે તેના અમે સખત વિરોધી છીએ. ૨૦૨૧માં પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેનું આંદોલન ચાલી રહ્યુ હતું ત્‍યારે કોંગ્રેસે પોલીસ કર્મચારીઓના માંગને સમર્થન કર્યુ હતુ અને રેલીઓ પણ કાઢી હતી. તે સમયે આ ભાજપ સરકારે જ તમારા સગાઓને આંદોલન માટે સસ્‍પેન્‍ડ કર્યા હતા જે ભુલવું જોઇએ નહિ અને કોઇના હાથા બનવું ન જોઇએ.

રાજકોટ પણ બે દિવસ અગાઉ ઉદ્યોગનગરના રહેવાસીઓએ બુટલેગરની ખુલ્લેઆમ દાદાગીરી સામે પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરી હતી પણ હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી. રાજકોટમાં જેટલી દુધની ડેરીઓ નથી તેટલા દેશી અને અંગ્રેજી દારૂઓના અડ્ડાઓ છે. પોલીસ ધારે તો શું ન કરી શકે? તેવો વેધક પ્રશ્ન ઉઠાવી ભ્રષ્‍ટ અધિકારીઓ સામે ગાયત્રીબા વાઘેલાએ કટાક્ષ કર્યો હતો.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પરેશભાઈ ધાનાણી, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી,  મનીષાબા વાળા, ડો. રાજદીપસિંહજી  જાડેજા (પ્રમુખ શ્રી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) હિતેશભાઇ વોરા (પ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

(3:30 PM IST)