<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

બીજુ સંતાન પણ દિકરી રૂપે જન્‍મતા અસ્‍મીતાબેન દુઃખી હતાં: હત્‍યા-આત્‍મહત્‍યા પહેલા પતિને કર્યો હતો ફોન

૮ અને ૫ વર્ષની દિકરીને દોરીથી લટકાવી જનેતા પોતે પણ લટકી ગઇ હતી : બીજી ડીલીવરી બાદ માસીકધર્મની સમસ્‍યાને કારણે શરૂ થયેલી શારીરિક પીડાઓથી પણ કંટાળી ગયા હતાં: નવાગામ શક્‍તિ સોસાયટીની ઘટનામાં બી-ડિવીઝન પોલીસે મૃતક અસ્‍મીતાબેન વિરૂધ્‍ધ દિકરીઓની હત્‍યા કરી આપઘાત કરી લેવાનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૭: શહેરના નવાગામ વિસ્‍તારમાં આવેલી ન્‍યુ શક્‍તિ સોસાયટીમાં ગત ૧૩/૧૧ના રોજ બે ફુલડા જેવી દીકરીઓને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દઇ બાદમાં જનેતાએં પોતે પણ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. લગ્નજીવનમાં પહેલુ સંતાન દિકરી અવતર્યા પછી બીજુ સંતાન પણ દિકરી અવતરતાં પરિણીતા દુઃખી રહેતી હતી અને બીજી દિકરીના જન્‍મ પછી માસીક ધર્મ નિયમીત ન આવતાં હોઇ તેના કારણે શારીરિક તકલીફો થતી હોઇ કંટાળીને તેણીએ દિકરીઓની હત્‍યા કરી આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં નવાગામમાં ન્‍યુ શક્‍તિ સોસાયટી શેરી નં. ૬ માં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગ કરતા  જયેશભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી બી-ડિવિઝન પોલીસે દિકરીઓની હત્‍યા કરી આપઘાત કરનાર જયેશભાઇની મૃતક પત્‍નિ અસ્‍મીતાબેન વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. જયેશભાઈ ૧૩મીએ સવારે રાબેતા મુજબ રિક્ષા લઈને કામે ગયા હતા. સાંજે તેને પત્‍નિ અસ્‍મિતાનો ફોન આવ્‍યો હતો કે રિચાર્જ પુરૂ થઈ ગયું છે, તમે ક્‍યારે આવશો તેમ પુછ્‍યું હતું. પોતે રાતે આવશે તેમ કહી વાત પુરી કરી હતી. બાદમાં જયેશભાઇ રાત્રે સવા નવેક વાગ્‍યે ઘરે પહોંચ્‍યા ત્‍યારે નીચે કોઈ જોવા મળ્‍યું ન હતું. તે ઉપરના રૂમમાં ગયા તો દરવાજો અંદરથી બંધ હતો. આથી સ્‍લાઈડિંગ બારીમાંથી અંદર જોયું તો ચોંકાવનારૂ દ્રશ્‍ય સામે આવ્‍યું હતું. રૂમની છતના હૂકમાં સાડી વડે પત્‍નિ અસ્‍મિતા અને નાયલોનની દોરીમાં મોટી દિકરી પ્રિયાંશી (ઉ.વ. ૦૮) અને નાની દીકરી હર્ષિતા (ઉ.વ. ૦૫) લટકતી હાલતમાં જોવા મળ્‍યા હતા.

આથી જયેશભાઈએ તુરંત કાતર વડે દોરી કાપી ત્રણેયને નીચે ઉતાર્યા હતા અને દેકારો કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ૧૧૨ની મદદથી એમ્‍બ્‍યુલન્‍સ બોલાવતા ડોક્‍ટરે ત્રણેયને મળત જાહેર કર્યા હતા. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ જયેશભાઈ અને અસ્‍મિતાબેનના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા. તેમને પહેલુ સંતાન દિકરી હતી, બીજુ સંતાન પણ દિકરી રૂપે જન્‍મતાં  અસ્‍મિતાબેન સતત આઘાતમાં અને દુઃખી રહેતા હતા.

આ ઉપરાંત બીજી દીકરીના જન્‍મ પછી તેમને માસિકને લગતી તકલીફ અને શરીરમાં અશક્‍તિ રહેતી હોવાથી તેઓ બીમાર અને ચિંતામાં રહેતા હતા. આ માનસિક તાણ અને પુત્ર પ્રાપ્‍તિના અભાવે અસ્‍મિતાબેને પોતાની બંને દીકરીઓની હત્‍યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. બી-ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ કે. પી. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે

(2:51 PM IST)