તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
૩૫ વર્ષના જયદિપ મહેતા, ૮૪ વર્ષના જયંતિભાઇ ધ્રાંગધરીયા અને ૬૮ વર્ષના જમનભાઇ વેકરીયાએ આત્મહત્યા કરી
કોઠારીયા રોડ ગોકુલપાર્કમાં યુવાને ડીપ્રેશનને કારણે, પુનિતનગરના વૃધ્ધે એકલતાથી કંટાળી અને રેઇનબો એવન્યુના વૃધ્ધે બિમારીથી કંટાળી ગળાફાંસા અને દવા પી જીવન ટુંકાવી લીધા

રાજકોટ તા. ૨૭: આપઘાતના ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં કોઠારીયા રોડ ગોકુલ પાર્કમાં રહેતાં ફાયનાન્સ પેઢીના કર્મચારી યુવાને અને ૮૦ ફુટ રોડ પુનીતનગરમાં એક વૃધ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ રેઇનબો એવન્યુમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર પહેલા ગોકુલ પાર્ક-૪માં રહેતાં જયદિપભાઇ રતિભાઇ મહેતા (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના ઇએમટી તબિબ કમલેશભાઇ ઠાકોરે જયદિપભાઇને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ એચ. કે. રાવલે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર યુવાન ફાયનાન્સ પેઢીમાં નોકરી કરતાં હતાં. તેને સંતાનમાં એક દિકરો છે. કેટલાક સમયથી તે ડીપ્રેશનમાં હોઇ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. બીજા બનાવમાં ૮૦ ફુટ રોડ પુનિતનગરમાં વીઝન સ્કૂલ પાસે રહેતાં જયંતિભાઇ પિતાંબરભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.૮૪) નામના વૃધ્ધે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના ઇએમટી નેહા ધ્રાંગીએ તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તાલુકા પોલીસને જાણ થતાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા જયંતિભાઇને એક દિકરો છે. જો કે તે લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતાં હતાં. એકલતાથી કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યું હતું. તેમણે રૂમમાં પાતળી ચાદર બાંધીને આ પગલુ ભર્યુ હતું. ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ પર તપસી હોટલ પાસે રેઇનબો રેવન્યુ-૪ ખાતે રહેતાં જમનભાઇ ગોબરભાઇ વેકરીયા (ઉ.વ.૬૮) નામના વૃધ્ધે ઘરે કોઇ દવા પી લેતાં તબીયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગરના એએસઆઇ એચ. કે. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. જમનભાઇએ બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
(2:50 PM IST)










